રાજકોટ
News of Tuesday, 19th March 2019

મા અમૃતમ કાર્ડ કાઢવામાં તંત્ર વામણું સાબીતઃ લાંબી લાઇનો-એજન્ટોનું દુષણ

મા અમૃતમ કાર્ડ કાઢવાનું સરળ બનાવોઃ કોંગ્રેસનાં ઉપનેતા મનસુખભાઇ કાલરિયાની મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. ૧૮ :..  મા અમૃતમ કાર્ડ કાઢવામાં  મ્યુ. કોર્પોરેશનનું તંત્ર વામણું સાબીત થઇ રહ્યાનાં આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસનાં ઉપનેતા મનસુખભાઇ કાલરિયાએ મા કાર્ડ કાઢવાની  પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ ઉઠાવી છે.

આ અંગે શ્રી કાલરિયાએ મ્યુ. કમિશ્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મધ્યમ વર્ગને સારવારમાં સહાય માટે મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે રાજકોટ મનપા દ્વારા જે દવાખાનાઓમાં  આ અંગેની કામગીરી કરવામાં આવે છે ત્યાં અવ્યવસ્થાને કારણે અરજદારોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.

જાણવા મળતી હકિકતો મુજબ આવા સ્થળે કાર્ડ કાઢાવવા માટે કીટ સાથેની જે ટીમ બેસાડવામાં આવે છે તેના દ્વારા દરરોજના માત્ર ૧પ ફોર્મ જ સ્વિકારવામાં આવે છે. બાકીના અરજદારોને ધરમના ધકકા થાય છે.

ફોર્મ સ્વિકારવા  ના વારા માટે ૧ થી ૧૫ માં પોતાનો નંબર આવી જાય તે માટેઅરજદારો વહેલી સવારે ૪ વાગ્યાથી લાઇનમાં ઉભા રહી જાય છે. બિમાર વૃધ્ધો, મહિલાઓ માટે આ પ્રક્રિયા ખુબ જ કંટાળાજનક અને ત્રાસદાયક રહે છે.

ઉપરાંત આવી સ્થિતીના કારણે અમુક જગ્યાએએજન્ટો પણ ફુટી નીકળ્યા છે, જેઓ ૧૦૦-૧૫૦ રૂ. લઇને વહેલો વારો લેવડાવી આપેછે. સ્ટર્લીગ હોસ્પીટલ પાછળના મનપાના દવાખાના પાસે આવા એજન્ટોના ધામા હોય છે, અને એજન્ટના સંંપર્ક વિના અરજદારોને કામ કરાવવા ધોળે દિવસે તારા દેખાઇ જાય છે.

આ અંગે તાત્કાલીક તપાસ કરાવી યોગ્ય વ્યવસ્થા કરવા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ કમિશ્નરનેરજુઆત કરેલ છે.

(11:38 am IST)