રાજકોટ
News of Monday, 19th March 2018

કોઠારીયા સોલવન્‍ટ શુભમ્‌ સોસાયટીના ભાવેશભાઇ ગઢીયા (ઉ.૪૩) ૧૩/૧થી ગાયબ

પ્રજાપતિ યુવાન ત્રણ માસથી ગૂમ...પોલીસે સ્‍વજનોને કહ્યું ‘તમને મળે તો અમને કહેજો!'

રાજકોટ તા. ૧૯: પોલીસ સ્‍ટેશનોમાં મે આઇ હેલ્‍પ યુ...હું તમને મદદ કરી શકુ?' એવું સુત્ર લખેલુ હોય છે. પરંતુ ઘણા કિસ્‍સામાં અરજદાર થાકી જાય ત્‍યાં સુધી તેને મદદ મળતી નથી. કોઠારીયા સોલવન્‍ટ પાસે શુભમ્‌ સોસાયટી-૧માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાન ભાવેશભાઇ બાબુલાલ ગઢીયા (ઉ.૪૩) તા. ૧૩/૧/૧૮ના રોજ ઘરેથી બાઇક લઇને નીકળ્‍યા બાદ ગૂમ થઇ જતાં તેના પુત્ર ધવલ ગઢીયા (ઉ.૧૮)એ આજીડેમ પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી. જો કે આ વાતને આજે ત્રણ મહિના થઇ ગયા છતાં કોઇ તપાસ થઇ નથી. ઉલ્‍ટાનું ધવલ રજૂઆત કરવા જતાં એવું કહેવામાં આવ્‍યું કે, ‘તમને જાણ થાય કે મળી જાય તો અમને કહેજો!'

ભાવેશભાઇ સેન્‍ટીંગ કામ કરે છે અને બે ભાઇ તથા એક બહેનમાં મોટા છે. તેમના પત્‍નિનું નામ પ્રજ્ઞાબેન છે. સંતાનમાં એક પુત્ર ધવલ છે. પુત્ર ધવલના કહેવા મુજબ પિતા ૧૩મીએ સવારે કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ નજીકના ડિલક્‍સ પાન ખાતેથી તેનું બાઇક મળ્‍યું હતું. તેઓ પાનવાળાને કહેતાં ગયા હતાં કે આ બાઇક મારો દિકરો ધવલ લઇ જશે. અમે ઠેર-ઠેર શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં ૨૬/૧ના રોજ પોલીસ મથકમાં જાણ કરી હતી. પિતાનો મોબાઇલ પણ સતત બંધ આવે છે. પોલીસે ગૂમની યાદી લઇ મારું નિવેદન નોંધ્‍યુ હતું. પરંતુ પિતાને શોધવા માટે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.

જુવાનજોધ કંધોતર ગૂમ થઇ જતાં વૃધ્‍ધ પિતા બાબુલાલ ગઢીયા સહિતના સ્‍વજનો ચિંતામાં ગરક છે. તસ્‍વીરમાં દેખાતા ભાવેશભાઇ કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૬૮૭૮ ૧૧૯૩૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:50 am IST)