રાજકોટ
News of Wednesday, 19th February 2020

મેસવાડામાં માતાજીના ભુવા મેરાભાઇ સાંગડીયાની હત્યાના પ્રયાસમાં કોળી પિતા - પુત્રની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે ખીમજી બાવળીયા અને પુત્ર કાનજી ઉર્ફે હકાને બેટી ગામ પાસેથી દબોચ્યા

રાજકોટ તા. ૧૯: કુવાડવાના મેસવડામાં રહેતા અને દૂધની ડેરી ચલાવી ખેતી કરી ગુજરાન ચલાવતા તેમજ ભરવાડ કુટુંબના મેલડી માતાજીના ભુવા મેરાભાઇ નાથાભાઇ સાંગડીયા (ઉ.વ. પ૦) ને છરી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનારા કોળી પિતા-પુત્રની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ કુવાડવાના મેસવાડામાં રહેતા મેરાભાઇ સાંગડીયાની હત્યાના પ્રયાસમાં તેના પુત્ર નવઘણ મેરાભાઇ સાંગડીયા (ઉ.વ. ર૩) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં મેસવાડાના જ હકકા ખીમજી બાવળીયા તથા તેના પિતા ખીમજી વીરજીભાઇ બાવળીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. નવઘણે ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગામમાં શ્રી મેસવડા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ડેરી ચલાવે છે. પરમ દિવસે સાંજે ડેરીએ હતો ત્યારે પારસ દેવાભાઇ સાંગડીયા અને કાળુ જહાભાઇ સાંગડીયા દૂધ ભરાવવા આવ્યા હતા આ વખતે ગામનો હકો બાવળીયા ડેરીની સામે આવ્યો હતો અને અગાઉ એક મહિના પહેલા પોતાની ડેરીએ મહિલા ગ્રાહકો દૂધ લેવા આવેલી ત્યારે અપશબ્દો બોલ્યો હોઇ, જેથી પોતાના કાકા વાલાભાઇ નાથાભાઇ સાંગડીયા એ તેને ઠપકો આપ્યઇો હતો. તેનું મનદુઃખ રાખી પોતાની ડેરીની સામે ઉભા રહીને પથ્થરોના ઘા કરવાનું ચાલુ કરતા કોમ્પ્યુટર અને વજન કાંટો તુટી ગયા હતા અને કાકા કાળુભાઇને પીઠના ભાગે લાગ્યો હતો. દેકારો થતા પોતાના પિતા મેરાભાઇ નાથાભાઇ સાંગડીયા દોડી આવ્યા હતા. તેને રોકવા જતા હકાએ તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેના પિતા ખીમજીએ પણ ત્યાં ઉભા હતા. હુમલો કરી બંને ભાગી ગયા હતા.

આ બનાવ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી રવી મોહન સૈનીએ આ બનાવ અંગે આરોપીઓને પકડવા માટેની સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બીપીનદાન ગઢવી, હેડ કોન્સ. સંતોષભાઇ મોરી, જયંતીભાઇ, અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ મારૂ અને સંજયભાઇ ચાવડા તથા અશોકભાઇ ડાંગર સહિતે મેસવાડાના ખીમજી વીરજીભાઇ બાવળીયા (ઉ.વ. પપ) મઅને તેના પુત્ર કાનજી ઉર્ફે હકાભાઇ ખીમજી બાવળીયા (ઉ.વ. ૩પ) બહારગામ ભાગે તે પહેલા જ અમદાવાદ હાઇવે બેટી ગામ પાસેથી પકડી લીધા હતા.

(3:59 pm IST)