રાજકોટ
News of Wednesday, 19th February 2020

રાજકોટમાં ત્રણ સહિત રાજયભરમાં ર૬ સ્થળે GST દરોડા : સુરતમાં ૧પ સ્થળે તંત્ર ત્રાટકયું

પાર્ટી પ્લોટ-કેટરર્સના ધંધાથીઓ ઝપટે : ફલાઇંગ સ્કવોડના ડાયરેકટર પઠાણનું ઓપરેશન

રાજકોટ, તા. ૧૯ : આજ બપોરથી રાજયના જીએસટી વિભાગની ફલાઇંગ સ્કવોડે રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા સહિતના શહેરોમાં ધોંસ બોલાવી હોવાનું હાઇલેવલ અધિકારી સૂત્રોએ જણાવ્યું છે.

રાજકોટમાં-૩ ઉપરાંત સુરત-અમદાવાદ-વડોદરાના બે ડઝન ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવાઇ છે. સુરતમાં એકી સાથે ૧પ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરતમાં બે પાર્ટીપ્લોટ-કેટરર્સને ત્યાં પણ દરોડા પડયા છે. મોટા ભાગના આ પ્રકારના ધંધાર્થીઓ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. આ દરોડા અંગે રાજકોટના અનવેષણ સહિત કોઇ ડીવીઝનની હાલ મદદ લેવાઇ નથી. ફલાઇંગ સ્કવોડના ડાયરેકટરશ્રી પઠાણ અને તેમની ટીમોએ આ ઓપરેશન હાથ ધર્યાનું જાણવા મળે છે. ડાયરેકટરશ્રી પઠાણનો સંપર્ક કરતા તેમનો-મોબાઇલ સ્વીચઓફ જણાતો હતો. લેન્ડ લાઇન નંબર સતત રીંગ વગાડતો હોય, દરોડા અંગે વધુ કોઇ વિગતો પ્રાપ્ય બની ન હતી.

(3:59 pm IST)