રાજકોટ
News of Tuesday, 19th February 2019

હત્યાના ગુનામાં ૮ માસથી ફરાર ગુલમહમદ ઉર્ફ ગુલીયો સંધી અને બે સાગ્રીત ઝડપાયા

ગુલીયાએ પોતાની કૌટુંબી ભત્રીજીના પ્રેમી ભગવતીપરાના અકબરનું અપહરણ કરી બેફામ ધોકાવી હત્યા નિપજાવી હતી : ગુલીયા પર દારૂ, મારામારી, રાયોટીંગ, ખંડણી, ધાડના ૧૮ ગુનાઃ સાગ્રીત સિકંદર ઉર્ફ સીકા સામે આઠ ગુનો : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. મહેશભાઇ મંઢની ચોક્કસ બાતમીને આધારે ભચાઉથી ત્રણેયને ઝડપી લેવાયા

પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા, એમ.એસ. મહેશ્વરી અને ટીમ તથા ઝડપાયેલા ત્રણેય શખ્સો

રાજકોટ તા. ૧૯: આઠ મહિના પહેલા ભગવતીપરાના મુસ્લિમ યુવાનનું અપહરણ કરી તેની હત્યા નિપજાવવાના ગુનામાં ફરાર નામચીન ગુલમહમદ ઉર્ફ ગુલીયો અને તેના બે સાગ્રીતને ઝડપી લેવાયા છે. ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. મહેશભાઇ મંઢની બાતમી પરથી ગુલમહમદ ઉર્ફ ગુલીયો ઇબ્રાહીમભાઇ મોડ (સંધી) (ઉ.૩૫-રહે. ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર-૧૪) તથા તેના બે સાગ્રીત સિકંદર ઉર્ફ સિકો મહેબુબભાઇ મીર (ઉ.૩૨-રહે. આશાબા પીરની દરગાહ પાસે ભગવતીપરા) અને ઇમ્તિયાઝ અબ્દુલભાઇ બોદર (ઉ.૩૫-રહે. આકાશવાણી ચોક, ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટર નં. ૬૧/૩૬૯)ને ભચાઉથી ભુજ જતાં રસ્તા પર મોરગર ગામના પાટીયા પાસે આવેલી નેશનલ હોટેલ પાસેથી ઝડપી લેવાયા છે.

ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં અનિશભાઇ ફૈઝમહમદભાઇના ભાઇ અકબર (ઉ.૨૧)ને ગુલમહમદ ઉર્ફ ગુલીયાની કૌટુંબીક ભત્રીજી સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતનો ખાર રાખી આઠ મહિના પહેલા ગુલમહમદ, તેના સાગ્રીતો જીતુ ડાંગર, સલિમ ઉર્ફ સલુ, સદામ, સિકલો અને ત્રણ અજાણ્યાએ મળી અકબર તથા તેના મિત્ર અજય ઉર્ફ ટીટાને કાર અને બાઇકમાં ઉઠાવી જઇ બેફામ માર માર્યો હતો. જેમાં અકબરનું મોત નિપજતાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ગુલમહમદ અને સાગ્રીતો ફરાર હતાં. દરમિયાન એવી બાતમી મળી હતી કે ગુલમહમદ, સિકલો અને ઇમ્તિયાઝ કેટલાક દિવસથી ભચાઉ-ભુજ આસપાસ ફરતા રહે છે. તેના આધારે   ક્રાઇમ બ્રાંચની ટૂકડી એ તરફ રવાના થઇ હતી. ત્યાં આ ત્રણેય ભચાઉથી ભુજના રસ્તે નેશનલ હોટેલ પાસે હોવાની ચોક્કસ માહિતી મળતાં ત્યાં વોચ રાખી ત્રણેયને દબોચી લેવાયા હતાં.

ગુલમહમદ ઉર્ફ ગુલીયા વિરૂધ્ધ દારૂ, મારામારી, લૂંટ, તોડફોટ, ધમકી, દારૂ, રાયોટીંગ સહિતના ૧૮ ગુના નોંધાયા છે. તો સિકંદર ઉર્ફ સિકા મીર સામે પણ જુદા-જુદા પોલીસ મથકમાં મારામારી, રાયોટીંગ, ધમકી, દારૂના આઠ જેટલા ગુના નોંધાયા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ એ.એસ. સોનારા, પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

(4:24 pm IST)