રાજકોટ
News of Tuesday, 19th February 2019

BSNLને નબળુ પાડવા ટાવરોના લાઇટબીલના કરોડો રૂપિયા DOT આપતુ નથીઃ કર્મચારી યુનિયનનાં ગંભીર આક્ષેપો

બીજા દિવસે પણ હડતાલ સજ્જડઃ કનેકશનો કપાઇ રહયા હોય નેટવર્ક ખોરવાઇ જવાની દહેશત કરાઇ

રાજકોટ તા.૧૯: બીએસએનએલના માન્યતા પ્રાપ્ત યુનિયનો-એસોસિએશનો ઓલ યુનિયન એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએલ એયુએબી દ્વારા સરકારની ભેદભાવયુકત પોલીસી બીએસએનએલ પ્રત્યે ઓરમાયું વર્તન તથા બીએસએનએલને બંધ કરી દેવાની હિલચાલ સામે સમગ્ર દેશના ૩૬ ટેલીકમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તથા રાષ્ટ્રવ્યાપી હડતાલનો તા. ૧૮થી ૩ દિવસ માટે પ્રારંભ થઇ ચૂકયો છે જેને જબ્બરજસ્ત પ્રતિસાદ સાંપડયો છે. જમ્મુ -કાશ્મીરને બાદ કરતાં ૩૫ ટેલિકોમ સર્કલોમાં જબરજસ્ત હડતાલ પાડવામાં આવી છે.

તાજેતરમાં બીએસએનએલની નાંણાકિય પરિસ્થિતિ સારી નથી એવો રીપોર્ટ કરાવી બેએસએનએલને બંધ કરી દેવાની કોશિશના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. કર્મચારીઓ-અધિકારીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. બીએસએનએલને નબળું પાડવા મુખ્ય એકસ્ચેન્જ અગત્યના ટાવરોના લાઇટબીલના કરોડો રૂપિયા ડીઓટી દ્વારા ન અપાતા કનેકશનો કપાઇ રહયા છે. જેથી બીએસએનએલનું નેટવર્ક ખોરવાઇ જવાની પૂરી સંભાવના છે.

પગારમાંથી કરોડો રૂપિયાની રીકવરી કરી એ રિકવરીના નાંણા સોસાયટીઓ બેંકો, વીમા કંપનીને ન ચુકવતા ડિફોલ્ટર ની વ્યાખ્યામાં બીએસએનએલ આવી જાય તથા તમામ વહીવટ ઠપ્પ થઇ જવાની સંભાવના છે. બીએસએનએલને નાંણાકીય મદદ કરવાની ડીઓટી દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી રહી છે. પ્રાઇવેટ કંપનીઓને કરોડો રૂપિયાનો લોનો આપવામાં આવી રહી છે જયારે બીએસએનએલ સરકારી કંપની હોવા છતાં ફકત ગેરંટી લેટર આપવાથી લોન મળી જાય પણ લોન આપવાની ના પાડતા બીએસએનએલનાં વહીવટ ઠપ્પ થઇ જવાની સંભાવના છે. પેન્શનરોને પેન્શન ભથ્થુ ચુકવવામાં ડીઓટી દ્વારા નાંણા આપવામાં ઢીલ કરવામાં આવી રહી છે.

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ રાજકોટમાં પણ ત્રણ દિવસની હડતાલનો પ્રારંભ થઇ ગયો છે. ગઇકાલની હડતાલને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આજે બીજા દિવસે પણ હડતાલ ચાલુ રાખવામાં આવેલ છે તથા આજે સવારે ૧૧ કલાકે જયુબીલી બાગ ટેલીફોન એકસચેન્જે તમામ અધિકારીઓ કર્મચારીઓ એકત્ર થઇ વ્યાજબી માંગણીઓ માટે દેખાવો -સૂત્રોચ્ચાર કર્યા હતાં.

(4:09 pm IST)