રાજકોટ
News of Tuesday, 19th February 2019

સમજદારીની ગન ચલાવો તો દુશ્મનોના ફૂરચા ઉડે

બે - ત્રણ દિવસ પાકિસ્તાન વિરોધી નારા લગાવવાથી કંઇ નહિ થાય : ભારતીયોએ દુશ્મનો અને તેના સમર્થકોને ઓળખીને પરિણામલક્ષી સક્રિયતા દાખવવી પડશે

પુલવામા આતંકી હુમલા વિશે ઘણું લખાયું. કદાચ કોઈને હવે વધુ વાંચીને અહક થવા લાગે. પણ આ વાત આપણી બધાની છે, માટે જરૂરી છે. હુમલામાં હોસ્પિટલના બિછાને પડેલા એક ઘાયલ સૈનિકને શું વિચારો આવતા હશે? આપણે તો બસ કલ્પના જ કરી શકીએ.

'પુલવામા આતંકી હુમલામાં ઘાયલ એક સૈનિકના સૌ ભારતીયોને જય હિન્દ. ભારત દેશની જેમ મારી આર્મી પણ અખંડ છે કમસેકમ તેના તો ધર્મ કે જ્ઞાતિના નામે ભાગલા ના પાડો. પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી અને આવા આતંકી હુમલા સમયે લાગે કે આખો દેશ અમારી સાથે ઉભો છે અમે એકલા નથી. છાતી ફુલાઈ જાય. ખબર છે, અમને જયારે કોઈ પૂછે કે આ આર્મીની નોકરીમાં મહિને તમને શું મળે તો અમે કહીએ કે રોજની સવાસો કરોડ સેલ્યુટ, હિસાબ લગાવી લો મહિનાની કેટલી થાય. આજે શહીદ પરિવારોના ઘરોની સાથે-સાથે દેશના દરેક શહેરમાં, દરેક શેરીમાં, દરેક ઘરમાં શોક છે અને સાથે ગુસ્સો પણ છે. પણ વિચાર આવે કે આ ઉભરો દરવખતની જેમ થોડા દિવસમાં સમી જશે કે!!! વોટ્સએપ, ફેસબુકના સ્ટેટસમાં કે વધુ કોઈ ઉત્સાહી હોય તો રસ્તા પર મીણબત્ત્।ી રાખીને તેનાથી ઇતિ સિધ્ધમ માની લેવાવાળા સૌએ એક વાત સમજવી પડશે કે આ કોઈ પહેલો આતંકવાદી હુમલો નથી. આ ટેમ્પરરી દેશપ્રેમમાં વર્ષમાં બેત્રણ ઉભરા આવી જાય અને પછી હતા એના એ જ. આતંકવાદી હુમલાની જવાબદારીનું ઠીકરું પાકિસ્તાન માથે ફોડીને કે આપણી સરકારને જવાબદાર ઠેરવી આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકાય નહીં. માટે ભારતના બધા નાગરિકોએ અમુક કઠોર નિર્ણયો કરવા પડશે. જેમ કે...

સમજવું પડશે કે આ યુદ્ઘ નહિ પણ પ્રોકસી-વોર છે

પાનના ગલ્લે ઉભા રહીને માવો ચોળતા-ચોળતા, 'મોદીએ સીધે-સીધું યુદ્ઘ જ કરવું જોઈએ'- આવી સૂફીયાણી સલાહ આપવી બહુ સરળ છે. યુદ્ઘ પછી તરત જ પેટ્રોલના અને દાળના ભાવવધારા વખતે આ જ બધા લોકો બરાડા પાડીને રોડ પર આવી જશે. અને ફોજી તરીકે અમને ખબર છે કે યુદ્ઘ કેવી રીતે લડવાનું હોય. પાકિસ્તાન તો નેફા-નાડી વગરનો દેશ છે. ત્યાંના લોકોને ઘરમાં પાણી નહિ પણ બંદૂકમાં ગોળી જોઈએ છે. આવી બક્કડ પ્રજા સાથે પનારો પાડવામાં ધ્યાન રાખવું પડે. રાણા પ્રતાપની જેમ સામ-સામે યુદ્ઘ કરવાને બદલે શિવાજીની જેમ ગેરિલા પદ્ઘતિથી યુદ્ઘમાં ઉતરવું પડે તેવો સમય છે. આવા યુદ્ઘમાં એકેની એક સ્ટ્રેટેજી પાછી કામ ના આવે. સર્જીકલ સ્ટ્રાઇક સિવાયના પખતુન, બલુચિસ્તાન, ઈરાન જેવા કેટલાયે બાણ આપણા ભાથામાં પડ્યા છે. ચિંતા ના કરો. પાકિસ્તાનને તેની નાની યાદ આવી જવાની છે.ઙ્ગ

કાશ્મીર જવાનું બંધ કરો...

પુલવામા ઘટનાને અંજામ આપનાર શુ પાકિસ્તાની હતો? પાકિસ્તાની આતંકવાદી ભારતમાં આવે છે, તો શું તેને ભારતનાં ગદ્દારોની મદદ નથી મળતી?ઙ્ગ ભારતમાં જયચંદોની જમાત હજી મરી નથી પરવારી. વિચારવું પડશે કે કાશ્મીરમાં ફરવા જઈને તમારી મહેનતની કમાણી કયાંક દેશવિરોધી પ્રવૃત્ત્િ।ઓમાં તો નથી વપરાતી ને??? આઝાદી પછી ભારતના વિકાસમાં કાશ્મીરનું યોગદાન કેટલું, આ પ્રશ્ન હવે મહત્વનો બની જાય છે. છેલ્લા સીત્તેર વર્ષથી કાશ્મીર ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે. બે વર્ષ ટુરિઝમ બંધ થશે એટલે ત્યાંના સેપરેટીસ્ટોની કમર ભાંગી જશે. અને એ કદાચ ના થાય તો પણ ભારતની પ્રજાને લાગશે કે અમે પણ કંઈક કર્યું. અને તેથી અમારું એટલે કે ભારતના લશ્કરનું મનોબળ વધશે. આર્મી ચીફ માટે ગલીના ગુંડા જેવા શબ્દો કોઈ રાજકારણી વાપરશે નહીં. અમુક ટુર-ઓપરેટરોએ નુકશાની કરીને પણ કાશ્મીરના પેકેજ રદ કર્યા છે તે જાણીને સવા શેર લોહી ચડ્યું હોય તેવું લાગે છે.

અમુક બોલીવુડના કલાકારોને બ્લેકઆઉટ કરો-

ફાલતુ લવસ્ટોરી અને બાયલા જેવા ફિલ્મ-સ્ટારને જોઈ-જોઈને આપણા યુવાનો નિર્માલ્ય થતા જાય છે. અમુક બોલીવુડયાઓ નથી ઇચ્છતા કે ભારતના યુવાનો મજબૂત બને, રાષ્ટ્રભકત બને. કારણ કે તેમને પોતાની દુકાન બંધ થઇ જવાની બીક છે. અને હવે તો તેઓ ખુલ્લેઆમ દેશવિરોધી પ્રવૃત્તિ કરતા પણ અચકાતા નથી. વિશ્વમાં ભારતની બદનામી થાય તેવા વિડીયો બનવા લાગે, ભારતમાં રહેવું અનસેઈફ છે તેવું બતાવવામાં આવે. ઉરી અને મણિકર્ણિકા જેવી ફિલ્મો બને એ સમગ્ર બોલીવુડ માટે ગૌરવની વાત છે અને તે સુપરહિટ જાય તે અંધારામાં એક આશાના કિરણ સમાન છે. બાકી તો મનોરંજનના નામે અશ્લીલતા પીરસતા ટપોરીઓને આપણા બાળકોના આઇકોન બનાવવાના કે દેશ માટે મરીમીટવાની ખુમારીવાળા આર્મીના જવાનો- તે હવે ભારતના પેરેન્ટ્સ નક્કી કરે.

નોન રેસિડેન્ટ પાકિસ્તાનીને ઓળખો

અમુક લોકો ભારતનો પાસપોર્ટ ધરાવે, ભારતના પ્રામાણિક ટેકસ-પેયરના પૈસાનું જ ખાય પણ વાતો પાકિસ્તાના દલાલ જેવી કરે. ગોળી પાકિસ્તાન તરફથી આવે છે ને સાહેબ ત્યારે બીક નથી લાગતી પણ દુઃખ તો ત્યારે થાય છે જયારે આપણા દેશમાં જ ભારત તેરે ટુકડે હોંગે ના સ્લોગન લાગે. જટિલ કાયદાકીય પ્રક્રિયાને કારણે આવા લોકો થોડો સમય ખુલ્લેઆમ ફરી શકશે. અમુક રાજકારણી પોતાના વોટ પાકા કરવા માટે આવા એન્ટી-નેશનલને ફંડિંગ કરે, સ્ટેઇજ આપે તે તો સમજાય પરંતુ કાળજું તો ત્યારે કકડે કે જયારે આવા લોકો ભારતના વિભિન્ન શહેરોમાં ભાષણ કરવા જાય અને તેને સાંભળવા માટે લોકો ઉમટી પડે. આવી પ્રજાતિને એકલી પાડી દયો એટલે આપોઆપ નામશેષ થઇ                 જશે. પાણીમાં ડૂબતા હતા ત્યારે જે હાથ ખેંચીને બહાર કાઢ્યા તે હાથ જ પથ્થરબાજી માટે ઉઠે છે. આવા આસ્તીનના સાંપ ફકત કાશ્મીરમાં જ નથી, આખા ભારતભરમાં ફેલાઈ ગયા છે. બસ થોડા આંખ-કાન ખુલા રાખશું તો ઓળખાય જશે. ભલે અત્યારે તેની સંખ્યા ઓછી હોય પણ જો આ વાઇરસને રોકવામાં નહિ આવે તો બહુ મોડું થઇ જશે.

સોસીયલ મીડિયા ટેરેટિસ્ટને ખુલ્લા પાડી દો

દિલ્હીની ફાઈવસ્ટાર હોટેલમાંથી એકાદું ટ્વીટ તમારા મોબાઈલમાં આવશે કે - પથ્થરબાજી કરતા યુવાનને પગમાં પેલેટ ગન વાગી અને પરિણામે આ ભલો-ભોળો યુવાન આતંકવાદી થઇ ગયો. આદિલ અહમદ ડાર કે જેણે આતંકી હુમલો કર્યો તેના વિડીયો પરથી તો એવું લાગતું નથી. આ આતંકી પોતાની જાતને સ્વાતંત્ર્યવીર માને છે અને હિન્દુતાનને ખુલ્લેઆમ ધમકી આપે છે. પણ આ માનવાધિકારવાળી બ્રિગેડને ફકત આવા લોકોમાં જ માનવાધિકાર દેખાય છે, આર્મીના જવાનો તો માનવની વ્યાખ્યામાં જ આવતા નથી ને! બુદ્ઘિમાં ભ્રમ પેદા કરતા આવા અર્બન નકસલને તેની ભાષામાં જ જવાબ આપવો પડશે. સોસીયલ મીડિયા પર જ આવા લોકોને ખુલ્લા પાડી દો. તે કેમ કરવું તે તમને લોકોને બહુ સારી રીતે આવડે છે. દેશવિરોધી પોસ્ટ આવે એટલે એકજુટ થઇ જાઓ, ફેઇકબૂક, ટ્વીટરને આવા લોકોના એકાઉન્ટ બ્લોક કરવા પડે તેવી પરિસ્થિતિ નિર્માણ કરો.

અમુક મીડિયાકર્મીઓ, લેખકો, સાહિત્યકારોનો બોયકોટ કરો

છપ્પનની છાતી એ મુદ્દો છે પણ, ચુનાવી મુદ્દો છે. આજે સંવેદનાનો દિવસ છે. ચાલીસથી વધારે પરિવારો ઉજડી ગયા છે, તેના દુઃખે આખો દેશ દુઃખી છે. શહીદોની કાંધ પર બંધુક ફોડીને પોતાની વ્યકિતગત દુશ્મની કાઢવાની પ્રથા કદાચ આપણા દેશમાં જ હશે. જાહેર જીવનમાં રહેલા કોઈ પણ વ્યકિતને તેની ગરિમા જળવાઈ તે રીતે પ્રશ્નો પુછાવાજ જોઈએ. ચૂંટણી સુધી પણ તમારાથી રાહ નથી જોવાતી. દાવ આવે ત્યારેઙ્ગ પુરા જોશથી બેટિંગ કરજો. પાકિસ્તાની આતંકીને ભારતના મીડિયાકર્મી વ્હાલા લાગવા માંડે તો એટલું તો નક્કી થાય કે લોકશાહીના આ ચોથા સ્તંભને હવે ઉધઈ લાગવા લાગી છે. સંવાદ લિટરેચર ફેસ્ટિવલમાં હોય અને બોર્ડર પર તો ધણધણાટી જ હોય. શાંતિના કબૂતર ઉડાડવાવાળાને વિનંતી કે એક વખત કાશ્મીરની બોર્ડર પર આંટો મારી જોવો. ગોળીઓના અવાજથી કાનમાં ઘાક પડી જશે. પણ આ વખતે પાકિસ્તાનના કાનમાં એવી ધાક બેસાડવી છે કે તેની ગુંજ તેને સદીઓ સુધી સંભળાયા કરે.

ભારતીય લશ્કરી જવાનના જય હિન્દ,

ભારત માતા કી જય.....

આવી જ કાંઈક હશે ભારતીય જવાનની વ્યથા...

- ભાર્ગવ ઉનડકટ (રાજકોટ)

(3:52 pm IST)