રાજકોટ
News of Tuesday, 19th February 2019

સાંજે રાજકોટને રાષ્ટ્રભકિતના રંગે રંગશે ઓસમાણ મીર

'ન્યુઝ ૧૮ નેટવર્ક', 'ન્યુઝ ૧૮ ગુજરાતી' તથા પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'ના સંગાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં શહીદોને વીરરસથી વંદના થશે : રેસકોર્ષમાં સાંજે ૮ કલાકથી 'શૂરાંજલિ-કસુંબલ ડાયરો'માં રજૂ થશે એક એકથી ચડીયાતી રચનાઓઃ દેશ, મંદિર, ગાય વગેરે માટે હું નિમીત બનુ છું તેનો આનંદ છેઃ 'અકિલા'ના અતિથી બન્યા ઓસમાણ મીર :સાંજે ૮:૦૦ના ટકોરે રેસકોર્ષ મેદાનમાં અચૂક પહોંચી જજો

વીરોને વંદના...રેસકોર્ષ મેદાન ખાતે સાંજે 'ન્યુઝ ૧૮ ગુજરાતી' અને 'પ્રિન્ટ પાર્ટનર અકિલા' દ્વારા 'શૂરાંજલિ-કસુંબલ ડાયરો' કાર્યક્રમમાં ઓસમાણ મીર રાષ્ટ્રભકિતના રંગે સોૈ નગરજનોને રંગી નાંખશે...સંગીતની દુનિયામાં સફળતાની ટોચ પર બિરાજતા હોવા છતાં સાદગીનો સાથે જેણે છોડ્યો નથી તેવા આ નોખા-અનોખા ગાયક આજે 'અકિલા'ના અતિથી બન્યા હતાં અને 'અકિલા ફેસબૂક લાઇવ ન્યુઝ'માં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જોડાયા હતાં. આ વખતે 'અકિલા'ની વેબ આવૃતિના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા પણ ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીરોમાં ઓસમાણ મીરની જુદી-જુદી લાક્ષણીક અદાઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: 'મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે...' આ ગીત સાંભળતા જ આપણી નજર સામે એક ગાયક તરી આવે અને એ ઓસમાણ મીર જ હોય. માત્ર ગુજરાતમાં જ નહિ દેશભરમાં જે પોતાની ગાયકીને કારણે આજે સફળતાની ટોચ પર છે અને છતાં પણ સાદગીની બાબતમાં જેનો જોટો ન જડે તેવા ઓસમાણ મીર આજે સાંજે ૮ કલાકે રેસકોર્ષ મેદાન ખાતે  'શૂરાંજલિ-કસુંબલ ડાયરા'માં  રાજકોટવાસીઓને રાષ્ટ્રભકિતના રંગે રંગી નાંખશે. 'ન્યુઝ૧૮ નેટવર્ક, 'ન્યુઝ ૧૮ ગુજરાતી' આયોજીત આ કાર્યક્રમમાં  'અકિલા ડેઇલી' મિડીયા પાર્ટનર હોઇ ઓસમાણ મીર આજે 'અકિલા'ના અતિથિ બન્યા હતાં અને મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે 'અકિલા ફેસબૂક લાઇવ ન્યુઝ'માં જોડાઇને અનેક વાતો જણાવી હતી.

 દેશ માટે જેઓ પોતાના પ્રાણની આહુતિ આપીને અમર થઇ ગયા, એ શૂરવીરોની વિરગતીને દેશ કયારેય નહિ ભુલે. 'ન્યુઝ ૧૮ ગુજરાતી'  અને પ્રિન્ટ પાર્ટનર 'અકિલા'પણ આ વીરોને વંદન કરવાના હેતુથી દેશની આન બાન અને શાન એવા શહિદોને સૂરોથી સલામી આપવા જઇ રહ્યું છે. ન્યુઝ ૧૮ ગુજરાતી દ્વારા આજે ૧૯મીએ સાંજે ૮ કલાકે રેસકોર્ષ મેદાનમાં 'શૂરાંજલિ-કસુંબલ ડાયરો' એવા શિર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં લોકલાડીલા ગાયક ઓસમાણ મીર સૂરોથી વીર શહિદોને અંજલી આપશે. રાષ્ટ્રભકિતના રંગે રંગાવવા માટે રાજકોટવાસીઓને ઉમટી પડ્યા ન્યુઝ ૧૮ ગુજરાતીના એડિટર રાજીવ પાઠકે આહવાન કર્યુ છે.

સાંજે આઠ કલાકથી શરૂ થનારા કાર્યક્રમમાં ઓસમાણ મીર પોતાની આગવી છટામાંં વીરજવાનોને સૂરોથી અંજલી આપી દેશભકિતનો માહોલ ખડો કરશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ માટે વિનામુલ્યે પાસ છ સ્થળોએથી નગરજનો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓસમાણ મીર  'અકિલા'ના અતિથી બન્યા હતાં અને તેમણે તરેહ-તરેહની વાતો જણાવી વચ્ચે વચ્ચે પોતાના જાદુઇ કંઠથી ઝવેરચંદ મેઘાણીજીની અને બીજી પંકિતઓ ગાઇને સોૈને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. પોતે કઇ રીતે સંગીતના ફિલ્ડમાં આવ્યા ત્યારથી માંડીને કઇ રીતે બોલીવૂડમાં પ્લેબેક સીંગર તરીકે કામ મળ્યું? તે સહિતની વાતો ઓસમાણ મીરે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા 'અકિલા'ની ઇન્ટરનેટ આવૃતિના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સમક્ષ વાગોળી હતી.

ઓસમાણ મીરએ જણાવ્યું હતું કે નાનપણમાં મને તબલાનું જ્ઞાન મારા પિતા તરફથી મળ્યું હતું. પણ પિતાને નાની ઉમરે જ મેં ગુમાવી દીધા પછી મને ગુરૂ તરીકે ઇસ્માઇલજી મળ્યા હતાં. તેઓ ખુબ સારા બેન્જોવાદક હોઇ મને સંગીતની બારીકાઇના ગુણ તેમની પાસેથી જાણવા મળ્યા. સોૈ પહેલા હું તબલા જ શીખ્યો હતો. પરંતુ સમય જતાં ગાયન ક્ષેત્રે મેં મહેનત કરી અને સખ્ત પરિશ્રમ બાદ મને તેમાં સફળતા મળી હતી.   એક વખત પુ. મોરારીબાપુના કાર્યક્રમમાં હું ગુજરાતભરના અનેક કલાકારો સાથે હાજર હતો ત્યારે પુ. મોરારીબાપુના દિકરા પાર્થિવભાઇએ બાપુને કહ્યું કે ઓસમાણભાઇ તબલા તો સારા વગાડે જ છે, સાથોસાથ ગાયન પણ સારું છે. બસ એ જ રાત્રે પુ. બાપુનો આદેશ થયો અને મને દસ મિનીટ માટે ભૈરવી સંભળાવવા કહેવાયું. બાપુને ખુબ જ ગમે છે એવું સુફી ગીત મેં રજૂ કર્યુ અને વાતાવરણ એવું થઇ ગયું કે બાપુની આંખમાં હરખના આંસુ આવી ગયા...બસ અહિથી જ મારી ગાવાની યાત્રા શરૂ થઇ અને મને અનેક મિત્રોએ પછી મને સહકાર આપ્યો. જેમાં અમદાવાદના પ્રદિપ દવે (બકાભાઇ)એ મારો પહેલો લાઇવ શો યોજ્યો અને ત્યાંથી મારી સંગીતક્ષેત્રે, ગાયન ક્ષેત્રે યાત્રા અવિરત ચાલી રહી છે.

ઓસમાણ મીરે આજ સાંજે રેસકોર્ષમાં યોજાનારા શૂરાંજલિ કાર્યક્રમમાં હું વીરશહીદોને ખાસ શ્રધ્ધાંજલિ આપીશ. આ ઉપરાંત મારા જાણીતા ગીતો પણ રજૂ કરીશ. પણ સોૈથી વધુ ભાર શહીદોને અંજલી આપવા તરફ જ હશે. કવિઓ અને કલાકારો વર્ષોથી જવાનોને બીરદાવતા આવ્યા છે. આજના કાર્યક્રમમાં પણ મેઘાણીસાહેબની રચનાઓ, તથા દેશ ભકિતની બીજી રચનાઓ રજૂ કરીશ.

'અકિલા લાઇવ ન્યુઝ'માં ઓસમાણ મીરએ કવિ દાદબાપુની રચના 'ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળીયા થઇને રે પુજાવું રે ઘડવૈયા મારે...' રજૂ કરી હતી. એ પછી દેશ ભકિતનું ગીત 'જહાં ડાલ ડાલ પે સોને કી ચિડીયા કરતી હૈ બસેરા' રજૂ કર્યુ હતું. ઓસમાણ મીરે આગળ કહ્યું હતું કે અમે લગભગ દરેક કાર્યક્રમમાં આપણા દેશના જવાનોને યાદ કરતાં હોઇએ છીએ. પણ જ્યારે દેશભકિતની વાત આવે ત્યારે એક જોમ જુસ્સો લોકોમાં આવી જતો હતો. દેશભકિતનો આવો જ જોમ જુસ્સો આજે સાંજે રેસકોર્ષ મેદાનમાં ઉપસ્થિત રહેનારા તમામમાં આવી જશે. તેમ ઓસમાણ મીરએ જણાવ્યું હતું. છેલ્લે તેમણે 'જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ' એ પંકિતઓ રજૂ કરી હતી.

આજના યુવાનો તાલિમ વગર સંગીત ક્ષેત્રે ન આવેઃ રિયાઝ કરો અને રાજ કરો એ સફળતાનો મંત્ર

. ઓસમાણ મીરએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે સંગીત ક્ષેત્રે આજે રોજબરોજ અસંખ્ય લોકો કારકિર્દી બનાવવા આવતાં હોય છે. ખાસ કરીને યુવાનો આ ક્ષેત્રે વધુ આકર્ષિત થયા છે. પરંતુ આજના યુવાનોને મારે એ ખાસ કહેવું છે કે અહિ તાલિમ અને મહેનત વગર સફળતા મળતી નથી. આજના યુવાનોને બધુ ઝડપથી મેળવી લેવાની ઘેલછા હોય છે, પરંતુ એ શકય નથી હોતું. અહિ આવતાં પહેલા ખાસ જાણકાર ગુરૂ પાસે તાલિમ લો અને સખ્ત મહેનત કરો. તેણે કહ્યું હતું કે સંગીતના ક્ષેત્રમાં મારો એક જ ગુરૂમંત્ર છે કે-રિયાઝ કરો અને રાજ કરો. જો તમે રિયાઝ કરશો તો તમે ચાલીસ દિવસ આ ક્ષેત્રમાં આગળ વધી જશો અને એક દિવસ પણ રિયાઝ નહિ કરો તો ચાલીસ દિવસ પાછળ ધકેલાઇ જશો.

સંજય લીલા ભણશાલીએ ટેકસીમાં મારું ગીત સાંભળ્યું અને ડ્રાઇવર પાસેથી માહિતી મેળવી...

ને મને તેમની ફિલ્મ મળી

. સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે ઓસમાણ મીરને કામ મળ્યું તેની પાછળની કથા પણ રસપ્રદ છે. સંજય રાજકોટથી જામનગર જવા એક ટેકસીમાં બેઠા હતાં. તેના ડ્રાઇવર કે જે ભુજના હતાં તેણે કારમાં મારું ગીત વગાડ્યું હતું. જે સાંભળીને સંજય લીલા ભણશાલીએ  'આ કોણ છે?' તેવું પુછ્યું હતું એ પછી તેમણે મુંબઇ જઇ મારી સાથે એકાદ મહિના સુધી વાતચીત કરી હતી. પહેલા તો મને એમ હતું કે કોઇ મજાક કરતું હશે. પણ છેલ્લે આદિત્ય નારાયણે મને ફોન કરી તમને સંજય લીલા ભણશાલીએ મુંબઇ બોલાવ્યા છે તેમ કહ્યું અને હું મુંબઇ પહોંચ્યો પછી મને તેમની ફિલ્મ મળી હતી.

સારા કામોમાં હું નિમિત બનું છું તેનો અનહદ આનંદ હોય છે...

. ઓસમાણ મીર આજે સફળતાની ટોચ પર છે. ગીત, ગઝલ હોય કે બોલીવૂડના સોંગ હોય, ઓસમાણ મીર બધે જ છવાયેલા છે. રામલીલા ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચુકેલા આ ગાયકની બીજી બે ત્રણ હિન્દી ફિલ્મો પણ આવી રહી છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે. આ તમામ ગીતો લગભગ સુપરહિટ છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાહેબમાં પણ તેમનું ગીત છે. ઓસમાણ મીરે કહ્યું હતું કે હું ગાયો, મંદિરોના લાભાર્થે જે કાર્યક્રમો થતાં હોય છે તેમાં ખાસ હાજરી આપુ છું. મને ખુશી એ બાબતની છે કે હું આવા સેવાના કામોમાં નિમીત બની શકું છું. તાજેતરમાં નવસારીમાં મંદિરના જીર્ણોધ્ધાર માટેના કાર્યક્રમમાં ૬૦ થી ૭૦ લાખ એકઠા કરવાની આયોજકોની નેમ હતી. પણ માત્ર ત્રણ કલાકમાં જ સાડા ત્રણ કરોડ રૂપિયા એકઠા થઇ ગયા હતાં. આ જાણીને મને ખુદને અચરજ થઇ હતી. મેં ઉપરવાળાનો ઉપકાર માન્યો હતો કે હું આમાં નિમીત છું.

સલિમ સુલેમાન સાથેનું ગીત આવી રહ્યું છે

. ગુજરાતી ઉપરાંત હિન્દી ગીતો અને ગઝલોમાં પણ ઓસમાણ મીર નામના મેળવી ચુકયા છે. તેમની બોલીવૂડની બે ત્રણ નવી ફિલ્મો આવી રહી છે તો આગામી સમયમાં સલિમ સુલેમાન સાથેનું એક ગીત પણ આવી રહ્યાનું તેણે જણાવ્યું હતું.

આ છ સ્થોળએથી મળશે ફ્રી પાસ

(૧) જોહર કાર્ડસ યાજ્ઞિક રોડ, (૨) ન્યુઝ ૧૮ ગુજરાતી રાજકોટની ઓફિસ-ધનરજની કોમ્પલેક્ષ-૮૦૫, યાજ્ઞિક રોડ, (૩) જીવરાજાની ટીવીએસ-વોકહાર્ટ હોસ્પિટલ પાસે (૪) હાલ્ડા કોમ્પ્યુટર્સ-ડો. યાજ્ઞિક રોડ, પરિમલ પ્રકાશ સામે, (૫) જડ્ડુસ રેસ્ટોરન્ટ-પ્રેમ મંદિરની સામે કાલાવડ રોડ તથા (૬) કૃતિ ઓનેલા, ૧૫૦ ફુટ રીંગરોડ, ફોર્ચ્યુન હોટેલની સામે. એમ છ સ્થળોએ સંપર્ક કરવાનો રહેશે.

(4:12 pm IST)