રાજકોટ
News of Tuesday, 19th February 2019

શિવનગરમાંથી ૧૩ વર્ષનો માનસિક અસ્વસ્થ બાળક રામશંકર ગૂમ

'સોમવારી ભરાય છે ત્યાં રહુ છું'...એટલુ જ બોલી શકે છેઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. ૧૮: મુળ બિહારના બહારટ તાબેના ટપાટી ગામના અને હાલ કોઠારીયા સોલવન્ટ પાસે સિતારામ સોસાયટી પાછળ શિવનગરમાં રહેતાં જાનકીદેવી શ્યામસુંદર મંડલ (ઉ.૪૨)નો ૧૩ વર્ષનો માનસિક અસ્વસ્થ પુત્ર રામશંકર તા. ૧/૨ના રોજ ગૂમ થતાં પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. જાનકીદેવીએ પોલીસને જણાવ્યું છે કે પોતે કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં રામશંકર (ઉ.૧૩) બીજા નંબરનો છે. તે માનસિક અસ્વસ્થ જેવો છે. તા. ૧ના પતિ તથા પોતે કામે ગયા હતાં. ત્યાંથી ઘરે આવ્યા ત્યારે દિકરો રામશંકર જોવા ન મળતાં તપાસ કરતાં શોધખોળ કરી હતી. પરંતુ કયાંય દેખાયો નહોતો. રામશંકર ગુમ થયો ત્યારે  રૂ. પ૦૦ની નોટ પણ ઘરમાં રાખેલા પાકીટમાંથી ગૂમ હતી. તે અર્ધપાગલ હોઇ માત્ર 'સોમવારી ભરાય છે ત્યાં રહુ છું' એટલુ જ બોલી શકે છે. તેના જમણા હાથે ત્રિશુલ અને નાગના ચિત્રો ત્રોફાવેલા છે. તે વતન બિહારમાં પહોંચ્યો હશે તેમ સમજી તપાસ કરાવાઇ હતી પરંતુ ત્યાં પણ મળ્યો નથી.

આજીડેમ પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ આર.વી. કડછા અને કેતભાઇએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં દેખાતો બાળક કોઇને દેખાય તો આજીડેમ પોલીસને મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮  ઉપર જાણ કરવા જણાવાયું છે.(૧૪.૭)

(11:33 am IST)