રાજકોટ
News of Tuesday, 19th January 2021

શુક્રવારે યોજાનાર ખેડૂત સંમેલનની તડામાર તૈયારીઃ કમીટીની બેઠક યોજાઇ

રાજકોટ, તા.૧૯: ગઇકાલે રાજકોટ ખાતે ગુજરાત કિસાન સંદ્યર્ષ સમિતિ રાજકોટ ઝોનની કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક શ્રી ડાયાભાઇ ગજેરાના અધ્‍યક્ષસ્‍થાને તા.૨૨ની ખેડૂત મહાસભાને સફળ બનાવવાની તૈયારી માટે યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરેન્‍દ્રનગર ભાવનગર, કચ્‍છ, મોરબી અમરેલી ગીર સોમનાથ અને બોટાદના ૬૫ જેટલા ખેડૂત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ આગેવાનોએ જણાવેલ કે ૫૫ દિવસથી દિલ્‍હીની બધીજ બોર્ડરો ઉપર ચાલતા, ત્રણ કૃષિ કાયદા તથા નવા ઇલેકટ્રીસીટી બિલ પાછા ખેંચવાની માંગણી સાથેના શાંત અને મક્કમ આંદોલનમાં ૬૦ ખેડૂતો શહીદ થયાં તેને એક શબ્‍દમાં પણ બી. જે. પી. નેતાઓ કે વડા પ્રધાન સહિતના નેતાઓ શ્રધ્‍ધાંજલિ કે દુઃખ વ્‍યક્‍ત કરયું નથી. તે જ બતાવે છે કે સરકાર ને ખેડૂતો પ્રત્‍યે કેટલી કેવી લાગણી છે. અત્‍યાર સુધીના ખેડૂત આંદોલનને તોડીપાડવાના સરકારના તમામ પ્રયત્‍નો નિષ્‍ફળ ગયા છે. અને દેશના ખેડૂતોએ મક્કમ એકતા સરકારને બતાવી દીધી છે. આંદોલન હવે પંજાબ, હરિયાણા, યુ. પી. સુધી મર્યાદિત રહયુ નથી અને દેશ વ્‍યાપી બની ગયું છે. કાયદાઓ દેશના તમામ રાજયોને અને તમામ ખેડૂતોને લાગુ પાડવાના છે અને આ કાળા કાયદાઓ થી માત્ર ખેડૂતોજ નહીં પરંતુ દેશની જનતાનું ભારે નુકશાન કરનારા હોવાનું ખુલ્લું પડી જતા આ આંદોલનમાં સમાજના તમામ વર્ગો ટેકો આપી રહયા છે અને ગુજરાતના ખેડૂતો પણ દેશના ખેડૂતો સાથે ખભાથી ખભા મિલાવીને આંદોલનમાં જોડાઈ ગયા છે. અને હવે આ આંદોલન જનતાનું આંદોલન બની ગયું છે તેમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલીયા, અરુણ મહેતા, ઇન્‍દ્રનિલભાઈ રાજયગુરુ, હેમેન્‍તભાઈ વિરડાએ બેઠકને સંબોધતા જણાવેલ છે.

 ઉપરોક્‍ત આગેવાનોએ વધુમાં જણાવેલ છે કે તા. ૨૨ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર ખેડૂત સભામાં સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિશાલ સંખ્‍યામાં જોડાવા અપીલ કરેલ છે. તેમજ આ સભામાં ખેડૂતો ઉપરાંત કામદારો, યુવાનો, મહિલાઓ, સ્‍વેચ્‍છિક સંગઠનો, સખી મંડળો, સહકારી ક્ષેત્રના આગેવાનો, જ્ઞાતિના મંડળો, ધાર્મિક સંસ્‍થાઓ, યાર્ડના વ્‍યાપારી મંડળોનું સમર્થન મળી રહયુ છે. તેમજ અલગ અલગ તાલુકાઓમાં કામ કરતા સંગઠનો, વિવિધ સમુદાયોના સંગઠનો, યુનિયનો, યુવક મંડલોનો ને ગુજરાત કિસાન સંદ્યર્ષ સમિતિના બેનર તળે કાળા કાયદા વિરુદ્ધ ની લડતમાં જોડાવા જાહેર નિમંત્રણ આપેલ છે. ખેડૂત સભા તા.૨૨ને શુક્રવારે રેડિયસ પાર્ટી પ્‍લોટની બાજુમાં લાઈન વોટરપાર્ક સામે, ૧૫૦ રિંગરોડ-૨ મુંજકા રાજકોટ બપોરે ૧૨ વાગે યોજાશે તેમ ગુજરાત કિશાન સંઘર્ષ સમીતીની યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)