રાજકોટ
News of Tuesday, 19th January 2021

ગુરૂવારે આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણઃ ૩ ફલાયઓવરની ખાતમુર્હૂત વિધી

મુખ્‍યમંત્રી ૪૮૯ કરોડના વિકાસકામોને લીલીઝંડી આપશે : સવારે ૯: ૩૦ કલાકે તિરૂપતિ હેડ વર્કસ કોઠારિયા રોડ ખાતે અન્‍ય વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્‍યમંત્રીના હસ્‍તે કરાશે : રૈયા રોડ આમ્રપાલી રેલ્‍વે ક્રોસીંગ ખાતેના અન્‍ડરબ્રિજનું લોકાર્પણ : કેકેવી ચોક, જડુસ ચોક, નાના મવા ચોક અને રામદેવપીર ચોકમાં નિર્માણ પામનાર ફલાય ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત : કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ : રૂા. ૧૦૫ કરોડના ખર્ચે ઉપલબ્‍ધ બનેલી સુવિધાનો ૧.૭૫ લાખ લોકોને મળશે લાભ

રાજકોટ,તા ૧૯: રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના  હસ્‍તે  તા. ૨૧ના ગુરૂવારે તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે ૦૯ : ૩૦ વાગ્‍યે  લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો  મુખ્‍યમંત્રીના હસ્‍તે કમ્‍પ્‍યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે તેમજ ‘હેકેથોન -2021 - Year of Idea' સ્‍પર્ધાનું આયોજનનો તથા આવાસ યોજનાના લાભાર્થીઓને ‘પ્રોપર્ટી સ્‍માર્ટ કાર્ડ' પાઇલોટ પ્રોજેક્‍ટનો પણ શુભારંભ કરવામાં આવશે તેમજ  મુખ્‍યમંત્રીશ્ર દ્વારા કિશાનપરા ચોક ખાતે ‘પબ્‍લિક બાઈક શેરીંગ' પાઈલોટ પ્રોજેક્‍ટનું લોકાર્પણ થશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્‍ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા અને ગુજરાત મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષ ધનસુખભાઈ ભંડેરી ઉપસ્‍થિતિ રહેશે.

 

RMCના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલ્‍વે ક્રોસીંગ ખાતે અન્‍ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.

વોર્ડ ન.-૩, પોપટપરા વિસ્‍તારમાં રૂપિયા ૪૩ લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલક્રિંડાંગણનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્‍તાર માટે રૂ. ૧૦૫ કરોડના ખર્ચે પીવાના પાણી માટે ઈ.એસ.આર., જી.એસ.આર. પમ્‍પિંગ મશીનરી અને ડી.આઈ. પાઈપલાઈનના કાર્યો પૂર્ણ કરવામાં આવેલ છે. વોટર વર્કસની ઉપલબ્‍ધ બનેલી આ સુવિધાનો લાભ આશરે ૧.૭૫ લાખ લોકોને લાભ પ્રાપ્ત થશે. જેમાં ગોકુલ પાર્ક, તિરૂપતિનગર, ભોમેશાવ્રી, શ્રી રામ રણુજા, રણુજા ધામ, પીર વાડી, શિવધારા, સત્‍યમ બંગ્‍લોઝ, અક્ષરાતીત ૧-૨-૩, ખોડલધામ રૂષિપ્રસાદ સોસાયટી, વેલ્‍નાથપરા વગેરે, ઉપરાંત વાવડી મુખ્‍ય ગામતળ, ગૌતમ બુધ્‍ધનગર, વિશ્વકર્મા સોસાયટી, ભારતનગર, મહામદી બાગ, શક્‍તિનગર, બરકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા, રસૂલપરા, તેમજ જિલ્લા ગાર્ડન હેડ વર્કસ અને નારાયણનગર હેડ વર્કસ હેઠળના અનેક વિસ્‍તારોને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે.

'અમૃત' યોજનાં અંતર્ગત, વોર્ડ નં.૭ અને ૧૪ જીલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્‍લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્‍લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્‍તારમાં વોટર સપ્‍લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા, નારાયણનગરપાસે, વોટર સપ્‍લાય હેડવર્કસનાં સિવિલ કામ સહીત કુલ રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે હેડવર્કસના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

‘અમૃત' યોજનાં અંતર્ગત વોર્ડનં.૧૨માં વાવડી હેડવર્કસ હેઠળ આવતાં વિસ્‍તારમાં ડી.આઈ.  ડીસ્‍ટ્રીબ્‍યુશન પાઈપ લાઈન નાખવાના કામનું, વોર્ડ નં.૭ અને ૧૪ માં જિલ્લા ગાર્ડન હેડવર્કસ આધારીત ડી.આઇ પાઇપ લાઇન નાખવાના કામનું, વોર્ડ નં.૧૮માં કોઠારીયા તિરૂપતીનગર  હેડવર્કસ હેઠળ આવતાં વિસ્‍તારમાં ડી.આઈ. ડીસ્‍ટ્રીબ્‍યુશન પાઈપ લાઈન નાખવાના કામનું, વોર્ડનં.૧૮માં કોઠારીયા નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્‍તારમાં ડી.આઈ.  ડીસ્‍ટ્રીબ્‍યુશન પાઈપ લાઈન નાખવાના કામ સહીત કુલ રૂપિયા ૮૨.૫૨ કરોડના ડી.આઈ.પાઈપલાઈનના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.‘અમૃત' યોજનાં અંતર્ગત, વોર્ડ નં.૭ અને ૧૪ જીલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્‍લાય હેડવર્કસના પમ્‍પીંગ મશીનરીનું, વોર્ડ નં.૧૮ કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્‍લાય હેડવર્કસનાં પમ્‍પીંગ મશીનરીનું, વોર્ડ નં.૧૨ વાવડી વિસ્‍તારમાં વોટર સપ્‍લાય હેડવર્કસનાં પમ્‍પીંગ મશીનરીનું કામ, વોર્ડ નં.૧૮ કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્‍લાય હેડવર્કસનાં પમ્‍પીંગ મશીનરી સહીત કુલ રૂપિયા ૫.૯૨ કરોડના પમ્‍પીંગ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવશે.

સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત ITMS પ્રોજેક્‍ટ હેઠળ રૂપિયા ૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્‍માર્ટ બસ સ્‍ટોપ(૧૦)નું લોકાર્પણ કરવામાં આવશે.

     આમ, કુલ રૂપિયા ૧૩૨.૨૩ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્‍તે કરવામાં આવશે.

મ.ન.પા.નાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

કાલાવડ રોડ, ૧૫૦'રીંગ રોડ જંક્‍શન (કે.કે.વી.ચોક) પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (૨+ ૨) ફ્‌લાય ઓવર બ્રીજ રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક તથા રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રીજ (૨ +૨) સ્‍પ્‍લીટ ફ્‌લાય ઓવર બ્રીજ રૂપિયા ૮૨.૩૪ કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ઉપરાંત રોડ વર્કસના રૂપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચે, ડ્રેનેજ વર્કસના ૫૬ લાખના ખર્ચે, પેવિંગ બ્‍લોક વર્કસના ૩.૨૦ કરોડના અને કમ્‍પાઉન્‍ડ તથા રીટેઇનીંગ વોલ વર્કસ કુલ ૮૩ લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આમ, કુલ રૂપિયા ૨૫૪.૫૦ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત રાજયના માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્‍તે કરવામાં આવશે.

શહેરી વિકાસ સત્તામંડળના કામોના ખાતમુહૂર્ત

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કન્‍સ્‍ટ્રકશન ઓફ રીંગરોડ-૨ ફેઝ-૪ ફ્રોમ ભાવનગર રોડ( કાળીપાટ વિલેજ) ટુ અમદાવાદ રોડ (માલીયાસણ વિલેજ)ના કામનું રૂપિયા ૧૯.૬૧ કરોડના ખર્ચનું, કન્‍સ્‍ટ્રકશન ઓફ ૯૦.૦મી ડી.પી રોડ ફ્રોમ RMC બાઉન્‍ડ્રી ટુ AIIMS હોસ્‍પીટલ ઇન રૂડા એરીયાના કામનું રૂપિયા ૯.૯૩ કરોડના ખર્ચનું, કન્‍સ્‍ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-૨ ફેઝ-૪ એટ ચે.૬૦૬૦ના કામનું રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચનું, કન્‍સ્‍ટ્રકશન ઓફ ૩૦.૦મી ડી.પી રોડ ફ્રોમ RMC બાઉન્‍ડ્રી ટુ ૯૦.૦મી ડી.પી રોડ કનેકટીંગ AIIMS હોસ્‍પીટલ ઇન રૂડા એરીયાના કામનું રૂપિયા ૪.૯૫ કરોડના ખર્ચનું તેમજ કન્‍સ્‍ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-૨ ફેઝ-૪ એટ ચે.૮૭૮૦ના કામનું રૂપિયા ૪.૮૮ કરોડના ખર્ચ સહીત કુલ ૪૬.૧૯ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ખાલી રહેલા ૪૧૬ આવાસોનો ડ્રો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વેસ્‍ટ ઝોન ખાતે નવી આવાસ યોજના (MIG)ના કુલ યુનીટ ૧૨૬૮ પૈકી ૨૧૦ આવાસો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્‍માર્ટ ઘર ૧,૨,૩ (EWS) કુલ યુનીટ ૨૧૭૬ પૈકી ૧૦૪ આવાસો, મુખ્‍યમંત્રી આવાસ યોજના (EWS) કુલ યુનીટ ૩૮૦૬ પૈકી ૧૦૨ આવાસો સહીત ૫૬.૫૮ કરોડના કુલ ૪૧૬ આવાસોનો કમ્‍પ્‍યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે.

‘હેકાથોન' સ્‍પર્ધા અને ‘પ્રોપર્ટી સ્‍માર્ટ કાર્ડ' પ્રોજેક્‍ટનો શુભારંભ

રાજકોટ મહાનગરપાલિકા (રાજકોટ સ્‍માર્ટ સિટી ડેવલોપમેન્‍ટ લિ.) ‘હેકાથોન' સ્‍પર્ધા ‘હેકાથોન-૨૦૨૧ - Year of Idea' સ્‍પર્ધાનું આયોજન તેમજ આવાસ યોજના વિભાગ (વહીવટી) ‘પ્રોપર્ટી સ્‍માર્ટ કાર્ડ' આવાસ યોજનાના લાભાર્થીઓને ‘પ્રોપર્ટી સ્‍માર્ટ કાર્ડ' પાઇલોટ પ્રોજેક્‍ટનું શુભારંભ કરવામાં આવશે.

‘પબ્‍લિક બાઈક શેરીંગ' પાઈલોટ પ્રોજેક્‍ટનું લોન્‍ચિંગ

પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે ‘પબ્‍લિક બાઈક શેરીંગ' પાઈલોટ પ્રોજેક્‍ટનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્‍થળોએ પહોંચવા માટે ‘માઈ બાઈક' એજન્‍સી મારફત ‘પબ્‍લિક બાઈક શેરીંગ' સ્‍ટેશન મારફત પાઈલોટ પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવનાર છે.

(4:08 pm IST)