રાજકોટ
News of Tuesday, 19th January 2021

આજે બપોર સુધીમાં ૧૫૫ લોકોને વેકસીન અપાઇ

૮૧ વર્ષના કર્નલ ડો. આર.બી.હાપાણી, ડો. દેકિવાડિયા તેમજ આઇ.એમ.એ. હોદ્દેદારો - ફિઝીશ્‍યન એસો.ના હોદ્દેદારોને અપાઇ રસી : કોરોના સામે વેકસીન લેવી સુરક્ષિત છે : અચુક રસી મુકાવવા અપીલ

પી.ડી.યુ. હોસ્‍પિટલ કેમ્‍પસમાં કોરોના વેકસીનેશન કેમ્‍પ ચાલી રહ્યો છે. જેમાં સરકારની ગાઇડ લાઇન મુજબ આજે ૮૧ વર્ષની ઉંમરના કર્નલ ડો. આર.બી.હાપાણી તથા સિનિયર કાર્ડીયો વાસ્‍કયુલર સર્જન ડો. દેકીવાડીયા તથા પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફિઝીયાટ્રીક (એસઓડી) ડો. મુકેશ પટેલ અને આઇ.એમ.એ.ના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો, ફિઝીશ્‍યનના હોદ્દેદારોને રસીકરણ કરાયું હતું તે વખતની તસ્‍વીરમાં મ.ન.પા.ના નાયબ આરોગ્‍ય અધિકારી ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વેકસીનેશનની કામગીરી નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯ : કોરોના વાઇરસ સામે રક્ષણાત્‍મક બની રહેલ કોરોના વેક્‍સીન ગત ૧૬-૦૧-૨૦૨૧ ના રોજ દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લોન્‍ચ કરી હતી, ત્‍યારબાદ આજે તા. ૧૯-૦૧-૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરમાં ૬ સ્‍થળોએ વેક્‍સીનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધીમાં ૧૫૫ લોકોને વેક્‍સીન આપવામાં આવી છે જેમાં ગવર્નમેન્‍ટ અને પ્રાઈવેટ ડોક્‍ટરો અને પેરામેડિકલ સ્‍ટાફને વેક્‍સીન આપવામાં આવી હતી. આજની વેક્‍સીનેસનમાં કર્નલ ડો. આર.બી.હાપાણીએ પણ વેક્‍સીન લીધી હતી અને લોકોએ પણ અપીલ કરી હતી કે વેક્‍સીન સંપૂર્ણ સુરક્ષિત છે લોકોએ ડરવાની જરૂર નથી.

આજે ૬ (છ) સ્‍થળોએ વેક્‍સીનેશન કામગીરી કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્‍પિટલ ખાતે ૨ બુથ, પદ્મકુંવરબા હોસ્‍પિટલ ખાતે ૧ બુથ, સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ ખાતે ૧ બુથ, વોકહાર્ડ હોસ્‍પિટલ ખાતે ૧ બુથ અને ગીરીરાજ મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ ખાતે ૧ બુથ પર કામગીરી કરવામાં આવી રહી છે.

આજે ઇન્‍ડિયન મેડીકલ એસોસિએશનના હોદ્દેદારો, ક્રિટીકલ કેરના હોદ્દેદારો અને ફીઝીશ્‍યનના હોદ્દેદારો વિગેરે પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતેના બુથ પર વેક્‍સીનેસનમાં ભાગ લીધો હતો સાથોસાથ કર્નલ ડો. આર.બી.હાપાણી કે જેમની ઉંમર ૮૧ વર્ષ છે તેમને આજે પી.ડી.યુ. હોસ્‍પિટલ ખાતે હોશભેર ઉત્‍સાહથી કોરોનાની વેક્‍સીન લીધી હતી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કામગીરી કરતી રાજકોટ મહાનગરપાલિકાની ટીમને બિરદાવી હતી તેમજ કોરોના વેક્‍સીન લેવામાં કે લીધા બાદ કોઇપણ જાતની તકલીફ પડેલ નથી, તેમણે શહેરીજનોને અપીલ કરી હતી કે જયારે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઈલમાં કોરોના વેક્‍સીનનો મેસેજ આવે ત્‍યારે મેસેજના સ્‍થળે સુરક્ષિત સમાજ માટે અચૂક કોરોનાની વેક્‍સીન લેવી.

(3:45 pm IST)