રાજકોટ
News of Tuesday, 19th January 2021

ગ્રીનલેન્ડ ચોકડીએ સગાને નાસ્તો આપ્યા બાદ ૨૩ વર્ષની ખુશ્બુ ઢળી પડીઃ મોત

વલસાડથી નીકળેલા મહેમાનને તલપાક સહિતનો નાસ્તો આપવા પિતા સાથે આવી હતી ત્યારે અચાનક ચક્કર આવી ગયાઃ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક : એક વર્ષ પહેલા લગ્ન થયા'તાઃ સાતેક માસથી માવતરે હતી

રાજકોટ તા. ૧૯: મોરબી રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૩માં રહેતી ખુશ્બુ સુરેશભાઇ ભુવા (ઉ.વ.૨૩) રાતે નવેક વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ સગાને મળવા પોતાના પિતા સુરેશભાઇ ભુવા સહિતની સાથે ઉભી હતી ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરી હતી. પિતા સુરેશભાઇ ભુવા મશીનરી પાર્ટસનું કામ કરે છે. તેના કહેવા મુજબ રાતે સગા આવ્યા હોઇ તેની સાથે વાત કરવા અમે ગ્રીનલેન્ડ ચોકડીએ ગયા હતાં. ત્યારે અચાનક જ ખુશ્બુને ચક્કર આવી ગયા હતાં અને પડી ગઇ હતી. અમે તુરત હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.   યુવાન દિકરીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વી.એસ. નિનામાએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. એચ. જે. જોગડા સહિતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ ખુશ્બુબેનના લગ્ન એક વર્ષ પહેલા શિવરંજનીમાં રહેતાં મોહિત બીપીનભાઇ સંઘાણી સાથે થયા હતાં. જો કે તેણી સાતેક મહિનાથી માવતરે રહેતી હતી. એકાદ બે દિવસમાં જ છુટાછેડાની તજવીજ પરિવારજનો કરવાના હતાં. ત્યાં આ બનાવ બની ગયો હતો.

(3:11 pm IST)