રાજકોટ
News of Tuesday, 19th January 2021

ડી.ડી.ઓ. રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ વણથંભ્યો વિકાસ

રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં કાર્યક્રમો, ૧૯૦ કરોડના ખર્ચે કુલ ૪૭ કામો

ગઇકાલે જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૯ : જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં એક-એક વિકાસલક્ષી સમારંભ યોજવાનું શરૂ થયું છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ગઇકાલથી પાંચ અલગ-અલગ દિવસોએ તાલુકા મથકો પર રસ્તા, આંગણવાડી, ચેકડેમ વગેરેને લગતા વિકાસકામોના લોકાર્પણ થઇ રહ્યા છે. જુદા-જુદા ૫ દિવસોમાં ૪૭ કરોડના ખર્ચે ૧૯૦ જેટલા વિકાસકામોનો શુભારંભ થઇ રહ્યો છે. કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ વગેરે ઉપસ્થિત રહે છે.

તા.૧૮/૦૧/૨૦૨૧ ના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે જિલ્લા પંચાયત - રાજકોટ હેઠળની વિવિધ શાખાઓ વિકાસ શાખા, આઈ.સી.ડી.એસ. શાખા, બાંધકામ શાખા, સિંચાઈ શાખા વગેરે હેઠળના કુલ રકમ રૂ.૨૪.૫૦ લાખના ૯ લોક ઉપયોગી કામોનું લોકાર્પણ કરવામાં આવેલ તેમજ કુલ રકમ રૂ. ૭૫૬ લાખના ૮ લોક ઉપયોગી કામોનું શુભારંભ કરી ખાતમુહુર્ત પણ કરવામાં આવેલ. તેમજ તાલુકા પંચાયત કચેરી, જેતપુર જિ. રાજકોટ આયોજીત ૧૦૦ ચો. વાર મફત પ્લોટ સનદ વિતરણ કાર્યક્રમ અંતર્ગત કુલ ૩૧ સનદોનું લાભાર્થીઓને વિતરણ જયેશભાઈ રાદડીયા, કેબીનેટ મંત્રીશ્રી, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, ગુજરાત રાજય, ગાંધીનગરના કર કમળ દ્વારા કરવામાં આવેલ. જેમા અન્ય મહાનુભાવોશ્રી  મનસુખભાઈ ખાચરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ તથા ગોરધનભાઈ ધામેલીયા, ચેરમેન, જિલ્લા ડેરી રાજકોટ તથા માજી. જિલ્લા પંચાયત સદસ્ય આર. કે. રૈયાણી તથા પી. જી. કિયાડા ઉપસ્થીત રહેલા હતા.

ઉકત સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા અનિલ રાણાવસીયા (IAS), જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ તથા નિર્ભય એમ. ગોંડલીયા (GAS), નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જેતપુર ખાતે રામદેવસીંહ જે. ગોહીલ (GAS), નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટ તથા એન. ડી. કુગસીયા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત જેતપુરની તમામ ઢીમ દ્વારા આજ રોજના કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જ જહેમત ઉઠાવેલ છે.

(3:09 pm IST)