ગોંડલ રોડ પરથી વિવેક ચૌહાણ ચોરાઉ લેપટોપ સાથે પકડાયો
યુપીના શખ્સે મનહર પ્લોટમાં હોસ્ટેલમાંથી લેપટોપ ચોરી કર્યાની કબુલાત
રાજકોટ,તા. ૧૯: શહેરના ગોંડલ રોડ પર સુર્યકાંત હોટલ પાસેથી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે યુપીના શખ્સને ચોરાઉ લેપટોપ સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એક શખ્સ ચોરાઉ લેપટોપ લઇને ઉભો હોવાની એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. હારૂનભાઇ ચાનીયા તથા કોન્સ.નરેશભા ઝાલાને બાતમી મળતા પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એમ.ભટ્ટ, એ.એસ.આઇ ભરતસિંહ ગોહીલ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ. વી.ડી.ઝાલા, હારૂનભાઇ, મૌલીકભાઇ, મેરૂભા ઝાલા, નરેશભાઇ ઝાલા, રામભાઇ તથા જગદીશભાઇ વાંક સહિતે ગોંડલ રોડ પર સુર્યકાંત હોટલ પાસેથી વિવેક બિરેન્દ્રસિંહ ચૌહાણ (ઉવ. ૩૫) (રહે. ભુતખાના ચોક રોયલ કોમ્પ્લેક્ષ મુળ ધાટમપુર, ઉત્તરપ્રદેશ) ને રૂ. ૩૦ હજારની કિંમતના ચોરાઉ લેપટોપ સાથે પકડી લીધો હતો. પુછપરછ તેણે થોડા દિવસ પહેલા મનહરપ્લોટમાં આવેલી હોસ્ટેલના રૂમમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.