રાજકોટ
News of Tuesday, 19th January 2021

રાજકોટના બે યુવા વકીલોએ પોલીસ સામે મોરચો માંડ્યો

ઈ મે-મેમાને લઈને લોકોમાં રોષ : પોલીસને દંડ વસૂલવાની કોઈ સત્તા છે જ નહીં, છ મહિના સુધી કેસ ના થાય તો ઈ-મેમો આપોઆપ રદ્દ થયો ગણાય

રાજકોટ,તા.૧૬ : રાજકોટ શહેરમાં ઠેર-ઠેર ગોઠવવામાં આવેલા કેમેરા દ્વારા લોકોના ઘરે મોકલવામાં આવતા ઈ-મેમો વિરુદ્ધ રાજકોટના બે યુવા વકીલોએ મોરચો માંડ્યો છે. તેમનો સીધો આક્ષેપ છે કે, પોલીસને દંડ વસૂલવાની સત્તા છે જ નહીં. વળી, કેમેરાનો ઉપયોગ ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે માત્ર પ્રજાજનો અને વાહનચાલકોને દંડ ફટકારવા માટે જ થઈ રહ્યો છે. વાહનચાલકથી જરાક ચૂક થાય એટલે સીધા ૫૦૦ કે ૧૦૦૦ કે તેથી વધુની રકમના ઈ-મેમો ઘરે આવી જાય છે. જો કે, દંડ વસૂલવા માટે પોલીસે નવા નુસ્ખા અપનાવવાનું ચાલું કર્યું છે. જો વાહનચાલક દંડ ન ભરે તો તેનું વાહન જપ્ત તેમજ તેની ધરપકડ સુધીની પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આડેધડ ઈ-મેમો ફટકારીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવાની પોલીસતંત્રની કાર્યવાહી સામે રાજકોટ યૂથ લોયર્સ ગ્રુપ દ્વારા અવાજ ઉઠાવાયો છે.

આ સંદર્ભે વકીલ કિરીટ નકુમે વાતચીતમાં જણાવ્યું કે, 'ગુજરાતની પ્રજા ઈ-મેમોથી ત્રાહિમામ થઈ ગઈ છે. રાજ્યમાં આઈ-વે પ્રોજેક્ટ જે છે એ લોકોના રક્ષણ માટે નાખવામાં આવ્યો હતો. એટલે કે, રોડ પર થતાં અકસ્માત, ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનાઓ થાય છે તેમાં ઈન્વેસ્ટિગેશનમાં સરળતા રહે તે માટે કોર્પોરેશન અને પોલીસ બંને સંયુક્ત ઉપક્રમે પૈસાના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે, હવે આ લોકોને રક્ષણને બદલે ભક્ષણનું કાર્ય કરી રહ્યા છે. ૧૦૦૦, ૧૫૦૦ રૂપિયાના મેમો આપે છે. રાજકોટમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં મેમો નહીં હોય.

આ પ્રશ્ન માત્ર રાજકોટ જ નહીં પરંતુ આખા ગુજરાતમાં છે. કિરિટ ભાઈએ વધુમાં જણાવ્યું કે, '૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ કેમેરા લગાડવામાં આવ્યા હતા. ગત મહિના સુધી ૧૧૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ઘણા કિસ્સામાં તો એવું છે કે, લોકોને સવારે ૮ વાગ્યાના વન-વેના મેમો આપે છે. ખરેખર વન-વેના બોર્ડ ૯થી ૯ના હોય છે. લોકોને આ અંગે ગાઈડલાઈન પણ આપી નથી. આવા ઘણા પ્રશ્નો હોવાથી અમે પ્રજા વતી લડત આપી રહ્યા છીએ. કાયદાની જોગવાઈઓ મુજબ દંડની સત્તા કોર્ટ પાસે હોય છે. પોલીસને જો પ્રજાજનો વિરુદ્ધ ગુનો થતો હોય તો એ સંદર્ભે ગુનો નોંધીને મેમો કોર્ટને હવાલે કરી દેવા જોઈએ. પછી શું કરવું તે કોર્ટ નક્કી કરે. પરંતુ એના બદલે આ લોકો સમાધાન શુલ્કના નામે મોટી રકમ વસૂલી રહ્યા છે.

(9:04 pm IST)