રાજકોટ
News of Saturday, 19th January 2019

સોમવારથી આખું અઠવાડીયું ઠંડીનો રાઉન્ડ

જમ્મુ કાશ્મીરમાં આ મહિનાના અંત સુધી બરફવર્ષા ચાલુ જ રહેશેઃ ૨૩મીથી શિયાળુ પવન ફુંકાશેઃ તા. ૨૨,૨૫,૨૬ પવનનું ઝોર વધુ રહેશે

રાજકોટ તા.૧૯: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ કાશ્મીરના વિસ્તારમાં હિમવર્ષા જોવા મળશે. તા. ૧૯થી ૨૭ સુધી જમ્મુ કાશ્મીરમાં સતત બરફ વર્ષા થશે અને આગામી સમયમાં જમ્મુ કાશ્મીરમાં મધ્યમ ભારે થી અતિભારે રેકોર્ડબ્રેક હિમવર્ષા થવાની શકયતા છે.

હિમાચલ, ઉત્તરાખંડમાં પણ હળવી મધ્યમ, ભારે હિમવર્ષા જોવા મળશે. અલગ અલગ દિવસે ઉતર ભારતના મોટાભાગના રાજ્યના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે. કયાંક કરાનો વરસાદ પણ જોવા મળશે. ટુંકમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉતર પ્રદેશ, રાજસ્થાન, એમ.પી.માં અમુક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે તેવી શકયતા છે.

દરમિયાન સૌરાષ્ટ્રમાં ગઇકાલે મહતમ આજે અને આવતીકાલે બપોરનું તાપમાન વધુ ઉંચુ જોવા મળ્યું છે. હજુ પણ બપોરનું તાપમાન ઉંચુ રહેશે. બપોરે થોડી ગરમી જણાશે. જયારે ઠંડીમાં પણ સામાન્ય ઘટાડો થયો છે. હજુ ઠંડી બે દિવસ ઘટાડા તરફ જશે.

તા. ૨૧ના સોમવારથી ઠંડીનુ પ્રમાણ વધશે. બાદમાં બંન્ને તાપમાન વિસ્તાર પ્રમાણે નોર્મલ આસપાસ, નોર્મલ કે તેથી નીચે જશે. તા. ૨૧થી ૨૭ જાન્યુ. ઉચ્ચતમ તાપમાન ઘટાડા તરફ જશે. સોમવારથી ઠંડી વધતી જશે હાલ કરતા ઘણી સારી ઠંડી જોવા મળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં તા. ૨૦ થી ૨૩ (રવિ થી બુધ) સવાર સુધી પવનો પશ્ચિમ, ઉતર પશ્ચિમ થવાની શકયતા છે એટલે સવારમાં ભેજનું પ્રમાણ વધશે. અમુક વિસ્તારમાં ઝાકળ થવાની શકયતા છે. અમુક અમુક દિવસે પવનની વધઘટ જોવા મળશે.

તા. ૨૨,૨૫,૨૬ પવનનું જોર પણ વધુ રહે તેવી શકયતા છે. આગામી સમયમાં પવન ફર્યા રાખશે. ૨૩મીથી ઉતરના પવનો એટલે કે શીયાળુ પવનો સક્રિય થશે. તા. ૨૧ થી ૨૩ વાતાવરણમાં હળવી અસ્થિરતા જોવા મળશે. અમુક અમુક દિવસોમાં વાદળો છવાશે.(૧.૯)

(10:30 am IST)