શનીવારીમાં ડખ્ખા કરતાં શખ્સોની અટકાયતઃ ૮ શંકાસ્પદ વાહનો કબ્જે
ગઇકાલે રિક્ષાચાલક યુવાનને છરી ઝીંકનાર દિલો દેવીપૂજક પણ ઝડપાયોઃ તાલુકા પોલીસે તમામની આગવી ઢબે પુછપરછ કરી
રાજકોટઃ કાલાવડ રોડ મોટા મવા પાસે ભરાતી શનીવારી બજારમાં દર શનીવારે ડખ્ખા કરવાની ટેવ ધરાવતાં શખ્સો સામે આજે તાલુકા પી.આઇ. વણઝારાની રાહબરી હેઠળ ડી. સ્ટાફના પી.એસ.આઇ. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, વી.એમ. જાડેજા સહિતે ધોંસ બોલાવી ચાર શખ્સો દેવશી ખીમાભાઇ સામડીયા (ઉ.૨૮), કરસન ઉમરભાઇ સાડમીયા (ઉ.૩૫), બાબુ રવજીભાઇ સાડમીયા (ઉ.૩૭) અને કમલેશ ખીમરાજભાઇ સાડમીયા (ઉ.૨૪)ની સામે ૧૫૧ હેઠળ અટકાયતી પગલા લીધા છે. આ તમામની આગવી ઢબે પુછતાછ કરવામાં આવી હતી. તેમજ ગઇકાલે રિક્ષાચાલક રાજુ કૃષ્ણમુરારી યાદવને છરી ઝીંકનાર દિલો ઉમાભાઇ સાડમીયાને પણ પકડી લેવાયો છે. પોલીસે શનિવારી બજાર પાસે જ રહેતાં અને દર શનિવારે ડખ્ખાની ટેવ ધરાવતાં શખ્સોના છ બાઇક, એક બોલેરો અને એક છકડો રિક્ષા સહિતના વાહનો શંકાસ્પદ કાગળો વગરના જણાતાં હોઇ ડિટેઇન કર્યા છે.