રાજકોટ
News of Monday, 18th November 2019

ક્રાંતિકારી સંત પારસમુનિ મ.સા.ના સાનિધ્યે

રાજકોટમાં સૌપ્રથમવાર કાલે ગોમતીચક્ર ભાવપૂજનઃ રોયલપાર્ક ઉપાશ્રયે આયોજન

રોયલપાર્ક ઉપાશ્રયમાં ગોમતીચક્ર ભાવપૂજન કરાવાશેઃ જૈન- જૈનેતરોને લાભ લેવા અનુરોધ

રાજકોટ,તા.૧૮: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યારત્ન પૂ.પારસમુનિ મ.સા. સુમંગલ સાનિધ્યે રાજાણીનગરી રાજકોટના પ્રચંડ પુણ્યોદયે સૌપ્રથમવાર ગોમતીચક્રનું ભાવપૂજન તા.૧૯ને મંગળવારે સવારે ૭ થી ૯ કલાક શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ સી.એમ.શેઠ પૌષધશાળામાં આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા તમામ જૈન- જૈનેતરોને આમંત્રણ પાઠવ્યુ છે.

ગોમતીચક્ર એક દુર્લભ પ્રાકૃતિક અને આધ્યાત્મિક પથ્થર છે. જે ગોમતી નદીમાંથી પ્રાપ્ત થાય છે. ગોમતીચક્ર અનેક રીતે ફાયદારૂપ છે. જૈન સાધુ- સાધ્વીજીઓ પણ સ્થાપનાજી  પૂજનમાં તેમજ આચાર્યરૂપે તેનો ઉપયોગ કરે છે. જો વિધિવત ગોમતીચક્રનું પૂજન કરીને ગોમતીચક્ર ધારણ કરવામાં આવે કે પાસે રાખવામાં આવે તો મનુષ્ય માટે ખૂબ ફાયદા કારક બને છે. ગોમતીચક્ર ભાવપૂજનનો લાભ ખારા પરિવાર પિતાશ્રી ગિરિશભાઈ પ્રાણલાલ ખારા હસ્તે પારસભાઈ, જયભાઈ ખરાએ લીધેલ છે. ગોમતીચક્ર ભાવપૂજન બાદ નવકારશીનો લાભ માતુશ્રી રમીલાબેન હરકીશનભાઈ બેનાણી પરિવાર હસ્તે ધારા જીતેન્દ્રભાઈ બેનાણી પરિવારે લીધો છે.

આ અવસરે ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.એવં પૂ.પ્રભાભાઈ મ.સ.આદિ ઠાણા, પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા, પૂ.સુનિતાબાઈ મ.સ.આદિ, પૂ.હીરાબાઈ મ.સ.આદિ, પૂ.ઉષા- વીણાબાઈ મ.સ.આદિ તથા જશ- ઉત્તમ- પ્રાણ સંઘાણી, અજરામર સંપ્રદાયના સતીરત્નો પધારશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગોમતીચક્ર લક્ષ્મીદાયક, ભાગ્યોદય કારક, વિધ્નનાશક, શત્રુનાશક, પિતૃદોષનાશક, કાલસર્પદોષનાશક, ચંદ્ર- રાહુ દોષ નિવારક છે. આ ભાવ પૂજનમાં આવનાર દરેક સાધકને ગોમતીચક્ર ફ્રી માં આપવામાં આવશે.

ડુંગરસિંધુ સ્વામી અને તપસ્વી માણેકચંદજી સ્વામીના મંત્રથી યુકત સૂર્ય અને ગુરૂના યંત્રથી યુકત યંત્રરૂપ લોકેટ ૬:૪૫ સુધી આપવામાં આવશે.

પૂ.પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે આજની યુવા પેઢી વ્યસન અને ફેશનથી મુકત બને. સાંસારિક કાર્યોની વચ્ચે થોડો સમય સત્સંગમાં પસાર કરે તો તેનું જીવન ધન્ય બની શકે છે. સંતો જીવન જીવવાની કળાનું માર્ગ દર્શન આપી શકે છે. પરંતુ તેનું આચરણ કરવું તે સાધકના પોતાના પર નિર્ભર છે.

રાજકોટના જૈન સમાજની વિનંતી હતી કે રાજકોટમાં ગોમતીચક્ર પૂજન આરાધના હે ગુરૂદેવ! આપ કરાવો અને અમોને આરાધનાનો અમૂલ્ય લાભ આપો. જૈન સમાજની વિનંતીને ધ્યાનમાં રાખીને તા.૧૯ મંગળવારે આવતીકાલે ભવ્ય ગોમતીચક્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગોંડલ ગાદી ઉપાશ્રયમાં દાદા ડુંગરગુરૂના સાનિધ્યમાં સંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી જેવા સનિષ્ઠ સુશ્રાવકની આગેવાનીમાં ગોંડલનું ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરીને પૂ.ગુરૂદેવ રાજકોટમાં પધારતા જ ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા.જૈન સંઘ દ્વારા ભવ્ય નગર પ્રવેશ થયો અને શ્રમજીવીમાં કિશોરભાઈ કોરડીયાએ પૂ.ગુરૂદેવના પાવન પગલા કરાવ્યા.

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ સી.એમ. શેઠ પૌષધશાળામાં ભવ્ય સ્વાગત સમારોહ નેમનાથ વીતરાગ સ્થા.જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા.જૈન સંઘમાં ભવ્ય સ્વાગત યાત્રા સહપ્રવચન નવકારશી અને રોયલપાર્ક સંઘમાં ભવ્યાતિભવ્ય ગોમતી ચક્રપૂજન, શેઠ ઉપાશ્રયમાં યુવા શિબિર આદિ પૂ.ગુરૂદેવનું રાજકોટમાં આગમન થતા જ સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ નલિનભાઈ ઝવેરી, અનિલભાઈ દેસાઈ એડવોકેટ, કમલેશભાઈ શાહ એડવોકેટ, પિયુષભાઈ મહેતા (જૈન અગ્રણી), વિભાશભાઈ (જૈન અગ્રણી), મેહુલભાઈ દામાણી, જીતુભાઈ કોઠારી, સુજીત ઉદાણી, સેજલ કોઠારી, મયુર શાહ, ધીરેન ભરવાડા, તરૂણ કોઠારી આદિ જૈન અગ્રણીઓ ગુરૂદેવના દર્શન- વંદન અને સેવામાં સતત ઉપસ્થિત રહ્યા રોયલપાર્ક સંઘ તથા નેમિનાથ વિતરાગ સંઘ દ્વારા ચાતુર્માસ આપવામાં આગ્રહભરી વિનંતીઓ કરવામાં આવી.

પૂ.ગુરૂદેવની અલૌકિક સાધના, અદ્ભૂત પ્રભાવ, પરમગુરૂ કૃપા અને સર્વ પ્રત્યે સદ્દભાવના, પ્રેમ, વાત્સલ્ય, જૈન- જૈનતરો પૂ.ગુરૂદેવના દર્શન કરીને પાવન થઈ રહ્યા છે. પૂ.ગુરૂદેવે નાની ઉંમરમાં ઉચ્ચ સાધના દ્વારા દિવ્ય ઉર્જા અને આભા પ્રાપ્ત કરી છે.

(10:58 am IST)