રાજકોટ
News of Friday, 18th October 2019

ઇકબાલ કંડીયાની હત્યામાં વધુ બે ઝડપાયા

સંજય ઉર્ફે રૂડી પકડાયા બાદ નામ ખુલતા દિપક ઉર્ફે રાણો, કિશોર સોલંકીને કુવાડવા પોલીસે દબોચ્યાઃ બંનેએ ઇકબાલની લાશને રીક્ષામાં નાખી કાગદડી પાસે ફેંકી દીધી'તી

પોલીસ કમિશનર કચેરી ખાતે માહિતી આપતા ડીસીપી રવીમોહન સૈની તથા એસીપી એસ. આર. ટંડેલ તથા કુવાડવા પોલીસ મથકના પીઆઇ પરમાર સ્ટાફ સાથે નીચે હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણ શખ્સો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. દૂધ સાગર રોડ પર ફરૂકી સોસાયટી-૧ માં રહેતા રિક્ષા ચાલક ઇકબાલભાઇ બાબુભાઇ કંડીયા (ઉ.૪પ) ની હત્યામાં સંજય ઉર્ફે રૂડીને ઝડપી લીધા બાદ કુવાડવા પોલીસે વધુ બે શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ પર ફારૂકી સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ બાબુભાઇ કંડીયા (ઉ.૪પ) ની હત્યા કરાયેલી લાશ કાગદડીની સીમમાંથી ૧૪ મીએ મળી આવી હતી. આ હત્યામાં તેના જ મિત્ર હાલ રખડતુ ભટકતુ જીવન જીવતા સંજય ઉર્ફે રૂડી જીવરાજભાઇ સરીયા (કોળી) (ઉ.૩૦) (રહે. માંડાડુંગર હરસિધ્ધી પાર્ક) નામના શખ્સે હત્યા કર્યાનું ખુલતા તેને થોરાળા પોલીસે પકડી લઇ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા ઝડપાયેલા સંજય ઉર્ફે રૂડીએ રટણ કર્યુ હતું કે, ઇકબાલભાઇ પોતાના મિત્ર હતાં. તે મારી પાસેથી પૈસા માગતો હતો. અને પૈસા પરાણે લઇ પણ લેતા હતો. ૧૪ મીએ સાંજે પણ ચુનારાવાડ ચોક મેલડી માતાના મંદિર નજીક રાજમોતી મીલ સામે હતા ત્યારે ઇકબાલભાઇએ પૈસા માંગતા મારી પાસે ન હોઇ મેં ના પાડતા તેણે બોલાચલી કરતા મને ગુસ્સો આવતા મેં છરીનો ઘા ઝીંકી દીધો હતો. અને હું ભાગી ગયો હતો. આ બનાવ વખતે પોતાની સાથે દિપક ઉર્ફે રાણો અને કિશોર પણ હતાં. તેવી કેફીયત આપતા. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવી મોહનની સુચનાથી એસીપી એસ. આર ટંડેલ તથા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ. આર. પરમારના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એમ. કે. ઝાલા, પીએઆઇ આર. એલ. ખટાણા, હેડ કોન્સ. હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ ભરવાડ, મનીષભાઇ ચાવડા, અજીતભાઇ લોખીલ, હરેશભાઇ સારદીયા,  દીલીપભાઇ બોરીચા, તથા રઘુવિરદાન ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. મનીષભાઇ, દિલીપભાઇ અને અજીતભાઇ લોખીલને મળેલી બાતમીના આધારે માજોઠી યુવાનની હત્યામાં સામેલ કિશોર ખીમજીભાઇ સોલંકી (ઉ.૩૮) (રહે. ચામુંડા સોસાયટી રણછોડદાસ બાપુના આશ્રમ પાસે), અને દિપક ઉર્ફે રાણો ઉર્ફે ઘેલો રામજીભાઇ પરમાર (ઉ.૩ર) (રહે. બેડીપરા ચોરાવાળી શેરી નદીના કાંઠા પાસે) ને પકડી લઇ જીજે-૩ બીયુ-૯૩૮૦ નંબરની રીક્ષા અને છરી કબ્જે કરી હતી. પોલીસે બંનેએ જણાવ્યું હતું કે ઇકબાલભાઇ અમારા ત્રણેયના મિત્ર હતાં. તા. ૧૪ મીએ ભાવનગર રોડ પર આર. એમ. સી.ની  ઓફીસ સામેના રસ્તે આવેલ બગીચા પાસે ભેગા થયા હતાં. દરમ્યન ઇકબાલભાઇ ત્યાં આવ્યા હતાં. અને તેણે સંજય ઉર્ફે રૂડી પાસે રૂપિયા માંગ્યા  અને સંજયે ઉર્ફે રૂડીએ ના પાડતા ઇકબાલભાઇએ ગાળો આપતા દિપક ઉર્ફે રાણાએ છરી આપતા સંજય ઉર્ફે રૂડીએ ઇકબાલભાઇને છરી ઝીંકી દીધી હતી. બાદ તે ભાગી ગયો હતો. ત્યારબાદ દિપક ઉર્ફે રાણો તથા કિશોર અમો બંને દિપક ઉર્ફે રાણાની રીક્ષામાં ઇકબાલભાઇને પાછળ બેસાડી દીધા હતાં. તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજયુ હોઇ તેથી તેની લાશને કાગદડી નજીક કાચા રસ્તે ફેંકી ભાગી ગયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)