રાજકોટ
News of Thursday, 18th October 2018

કુંવરજીભાઇએ સમાજ સેવામાં જાત ઘસી છે, કોઇના હાથા બની એની સામે કાદવ ન ઉછાળાય

નિવેદન કરનાર મહિલા સામાજિક કાર્યકર છે નહિ, બની બેઠા છેઃ મગનભાઇ સહીતના અગ્રણીઓની સાફ વાત

કુંવરજીભાઇ આગે બઢોઃ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ મગનભાઇ મેટાળીયા (જિલ્લા પંચાયત), રાજકોટ જિલ્લા પ્રમુખ રમેશભાઇ પરમાર, જિલ્લા યુવા પ્રમુખ મહેશભાઇ રાજપરા, ઉપપ્રમુખ વિનોદભાઇ પરમાર, રાજકોટ શહેર પ્રભારી શૈલેષભાઇ જાદવ, શહેરના ઉપપ્રમુખ હિતેષભાઇ સરવૈયા, સદસ્ય હરીભાઇ માયાણી, દીપકભાઇ બારૈયા, મનસુખભાઇ જાદવ, પ્રદેશ કારોબારી સભ્ય સવજીભાઇ સોરાણી, અગ્રણી ગોબરભાઇ બાવળીયા, રવજીભાઇ સોરાણી વગેરેએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ કુંવરજીભાઇ બાવળીયાની સમાજ સેવા વિશે વાત કરેલ અને તેમની સામે નિવેદન કરનાર મહિલાની ઝાટકણી કાઢી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૮: કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સામે નિવેદન દ્વારા શાબ્દીક કાદવ ઉછાળવાનો પ્રયાસ કરનાર મહિલાને જિલ્લા પંચાયતની બાંધકામ સમીતીના અધ્યક્ષ મગનભાઇ મેટાળીયા, કોળી સમાજના જિલ્લા પ્રમુખ રમેશભાઇ પરમાર, યુવા પાંખના પ્રમુખ મહેશ રાજપરા વગેરેએ બની બેઠેલા સામાજીક કાર્યકર ગણાવી જડબાતોડ જવાબ આપ્યો છે.

કોળી સમાજના અગ્રણીઓએ અકિલા કાર્યાલય ખાતે જણાવેલ કે સામાજીક કાર્યકર અને બની બેઠેલ મહિલા માંધાતા સંગઠન તરીકે પોતાની જાતને ઓળખાવતા જલ્પા કુમરખાણીયા પોતાનું સંભાળે સમાજ કરતા પ્રથમ ઘરની ચિંતા કરે કોઇના હાથા બની કામ ન કરે. કોઇના ભાણાની માખ ઉડાડવા કરતા પોતાના ભાણાની પ્રથમ માંખ ઉડાડે. જસદણ-વિછીંયા વિસ્તાર અને સમાજ માટે કુંવરજીભાઇ બાવળીયાએ શું કર્યુ છે. તે વિસ્તાર અને સમાજની જનતા જાણે છે. આવા લોકોના પ્રમાણપત્ર આપવાની જરૂર નથી.

જસદણ વિસ્તારમાંથી પાંચ-પાંચ ટર્મ ધારાસભ્યમાંથી અને એક વખત લોકસભાના સભ્ય તરીકે ચુંટાયા જેમણે જાહેર જીવનમાં અને સમાજ સેવામાં પોતાની જાત ઘસી નાંખી છે તેવા એક વખત ગુજરાત પ્રદેશ કોળી સમાજના અધ્યક્ષ અને આજે અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેવા સજ્જન પ્રમાણીક અને નિષ્ઠાવાન વ્યકિત વિશે કોઇના હાથા બની કાદવ ઉછાળવો તે કેટલા અંશે વ્યાજબી છે? જસદણ-વિંછીયા વિસ્તારના તમામ સમાજને સાથે રાખી કુંવરજીભાઇએ કામ કર્યુ છે ને કરતા આવે છે. વિસ્તારના મતદારો અને કામ કરવાની કુનેહ સમાજની સેવા કરવા ભારતીય જનતા પક્ષે કેબીનેટ કક્ષાનું સ્થાન આપેલ છે. ત્યારે સમાજના કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે. તેવા લોકો કોઇના હાથા બનીને કાદવ ઉછાળવાનું બંધ કરે સમાજની ચિંતા કરવાવાળા એક તો તે કુંવરજીભાઇ બાવળીયા છે તેમ કોળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતુ

અમે કુંવરજીભાઇની સાથે છીએઃ મગનભાઇ મેટાળિયા

જિલ્લા પંચાયતના કોંગી સભ્યનું સ્પષ્ટ વલણ

રાજકોટ, તા., ૧૮: જિલ્લા પંચાયતમાં બાગી જુથમાં ગણાતા કોંગી સભ્ય, બાંધકામ સમીતીના ચેરમેન મગનભાઇ મેટાળીયા આજે કોળી સમાજના જસદણ એકમના પ્રમુખ તરીકે ભાજપ સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની તરફેણમાં ખુલ્લુ બોલ્યા છે. અકિલા કાર્યાલયની મુલાકાત વખતે આ બાબતે પુછતા મગનભાઇએ સ્પષ્ટ જણાવેલ કે કુંવરજીભાઇ મંત્રી બન્યા પછી વિકાસના અનેક નવા કામો શરૂ થયા છે. તેઓ ખુબ સમાજ સેવા કરી રહયા છે તેઓ જયાં હોય ત્યાં અમે તેમની સાથે જ છીએ.

(3:49 pm IST)