રાજકોટ
News of Thursday, 18th October 2018

કાલે 'કંકણ' દ્વારા 'કે ગરબો રમણે ચઢયો રે લોલ..'

હેમુ ગઢવી નાટ્યગૃહમાં પરંપરાગત-કલાત્મક રાસ-ગરબા-રાસડા મન મોહશે... :ઘંટારવ ગરબો, માંડવડી ગરબો, ચપટી ગરબો, આદિવાસી રૂમાલ રાસ વગેરે કૃતિઓ જમાવટ કરશે :લતાજી-આશાજીના ગીતો પર રાસની રમઝટ બોલશે : સરગમ, ગેલેકસી ગ્રુપ, સુરક્ષા સેતુ સહઆયોજકઃ યાદગાર કાર્યક્રમ

રાજકોટ તા.૧૮: સૌરાષ્ટ્ર-ગુજરાતના કલાત્ત્મક કામણગારા, ગરબા-રાસ-રાસડાઓને વિશ્વ ફલક પર ગોરવાન્નિત કક્ષાએ પ્રસ્થાપિત કરનાર, આઇસીસીઆર માન્ય આંતરરાષ્ટ્રીય કલા સંસ્થા ''કંકણ'' આવતીકાલે તા. ૧૯-૧૦-૧૮ શુક્રવારના દશેરાના સપરમાં દિવસે હેમુગઢવી હોલ ખાતે રાત્રીના ૯.૦૦ કલાકે '' કે ગરબો રમણે ચડયો રે લોલ..'' શીર્ષક અંતર્ગત રાસ ગરબાનો ભવ્ય અને જાજરમાન કાર્યક્રમ પ્રસ્તુત કરનાર છે. આ કાર્યક્રમમાં પારંપારિક, પ્રાચીન, અર્વાચીન, પ્રયોગાત્ત્મક, શાસ્ત્રીય તેમજ નાવીન્યસભર ગરબા ગરબી રાસ રાસડાઓ રૂપી ગુર્જરી ભાતીગળ કલા સંસ્કૃતિનું મનોરમ્ય પ્રસ્તુતિકરણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું નિર્માણ શ્રી હંસ એજયુ.ટ્રસ્ટ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. આ કલાત્ત્મક કાર્યક્રમનું આયોજન સરગમ કલબ રાજકોટ, ગેલેકસી ગ્રુપ્સ સ્કૂલ્સ રાજકોટ તેમજ પોલીસ સુરક્ષા સેતુ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે.

''કંકણ'' પ્રસ્તુત '' કે ગરબો રમણે ચડયો રે લોલ..'' કાર્યક્રમનું દિપ પ્રાગટય શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે તેમજ દિપ પ્રાગટય- આરતી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલના વરદ્દ હસ્તે થનાર છે. સમગ્ર કાર્યક્રમને કંકણના પ્રેરણાસ્ત્રોત શ્રી હંસદેવજી સાગઠિયા, સદ્દભાગના હોસ્પિટલના ડો. ઘનશ્યામ જાગાણીના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. પુર્વ સહનિયામક યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના મનોજભાઇ શુકલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા, શ્રી કિરણભાઇ પટેલ, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ફિલ્ડમાર્શલના શ્રી અરવિંદભાઇ પટેલ જહેમત ઉઠાવી રહયા છે. શકિત આરાધનાના આ કાર્યક્રમના ગરબાપ્રેમી શકિત આરાધકોને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા એડમીનીસ્ટ્રેટર શ્રી કેતન મહેતા, શ્રી નિલેશ ભોજાણી, શ્રી સંજય સાગઠિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

પ્રસ્તુત થનાર ગરબા -રાસ કૃતિઓ...

'કે ગરબો રમણે ચડયો રે લોલ' અંતર્ગત કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત ઘંટારવ ગરબો, માંડવડી ગરબો, માથા પર માટીના ગરબા સાથે તાલી ચપટી ગરબો, દિવા-દિવા જાગઝવેરા-ધુપેડીયા ગરબો, રામસાગર -કરતાર-મંજીરા, ભકિત રાસડા-બેડા રાસ, મટ્ટકી રાસ, ઘડુલીયો, કૃષ્ણ હાલરડા રાસડો, વિંઝણા રાસ, આદિવાસી રૂમાલ રાસ તેમજ ચીરમી ગરબા જેવા વૈવિધ્યસભર કૃતિઓની ધમાકેદાર રજુઆત થનાર છે.

ઉપરોકત કાર્યક્રમનું સંચાલન જ્ઞાન અને ગમ્મત માટે જાણીતા હાસ્ય કલાકાર તેમજ અમદાવાદ દુરદર્શનના કાર્યક્રમ નિર્માતા શ્રી  સંજયકુમાર હંસદેવજી સાગઠિયા તેમની આગવી શૈલીમાં કરનાર છે. કંકણના રણકાર સમા કલાકારો, ટવીંકલ જાગાણી, ઉર્વી ભાગ્યોદય, યશા કિકાણી, ઝલક પંડયા, શુભશ્રી આચાર્ય, સ્તુતિ પંડયા, શીવાંગી પટેલ, નિકિતા મહેતા, અંજલી બારોટ, હિરલ લોટીયા, ઇશા દવે, જુહિ ભોજાણી, રિદ્ધિ ભોજાણી, દિપાલી વડાલીયા, મીમાંશા રૂપારેલીયા, મીરવા સગપરીયા, વર્ષા ટહેલયાણી, એકતા પાણખણીયા, રાધિકા બથવાર, યશ્વી શાહ, રીયા ખાડેસરા, જીનલ ચંદારાણા, પૂજા જાડેજા, જહાનવી ભટ્ટ, દ્રષ્ટિ ત્રિવેદી, ખ્યાલી કિકાણી, હિરલ જોબનપુત્રા, ધ્રુવી કોટક, શ્રેયા બારોટ, પ્રીશા વસાવડા, કાવ્યા જાની, મનાલી પોપટ, નિધી ગોસ્વામી, મેઘા રાયચુરા, જીયા કક્કડ ગરબા કલાના કામણ પાથરશે. સમગ્ર કાર્યક્રમનું સહ નૃત્ય નિર્દેશન ઝલક પંડયા તેમજ ઉર્વી ભાગ્યોદયએ કર્યું છે. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંકલન, કલ્પન નૃત્ય નિર્દેશન કંકણ સંચાલીકા ટવીંકલ જાગાણી તેમજ કંકણ સંસ્થાપિકા અને નૃત્ય નિર્દેશિકા સુ.શ્રી. સોનલ હંસદેવજી સાગઠિયાએ કર્યું છે.

''કે ગરબો રમણે ચડયો કાર્યક્રમ''ના પ્રવેશ કાર્ડ શકિત આરાધકોએ આજે તા.૧૮-૧૦-૨૦૧૮ના રોજ રાત્રે (નવ) ૯.૦૦ કલાકે શાસ્ત્રી મેદાન સામે, શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, જે.જે. કુંડલીયા કોલેજ ખાતે થી મેળવી લેવાનું કંકણ સંસ્થાની યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમમાં ૮ વર્ષથી નાના બાળકોને પ્રવેશ મળશે નહિ તેમજ કાર્યક્રમ દરમ્યાન ફોટોગ્રાફી તેમજ શુટીંગની મનાઇ ફરમાવવામાં આવી છે. મોબાઇલને વાઇબ્રેટ મોડ પર રાખવા તેવું ફરજીયાત જણાવાયું છે. કાર્યક્રર્મમાં A થી J  શ્રેણી માત્ર  VIP માટે આરક્ષિત કરાઇ છે.

કાર્યક્રમ શરૂ થયા પૂર્વે ૧પ મીનીટે સ્થાન ગ્રહણ કરી લેવા જણાવવામાં આવેલ છે. કાર્યક્રમ શરૂ થયાની ૧પ મીનીટ બાદ નિયત સીટ પર કોઇ હકક રહેશે નહીં. જેની નોંધ લેવા સંસ્થા સંચાલકોએ ખાસ જણાવેલ છે.

ગરબા જગતને વિંઝણા રાસની નાવિન્યસભર ભેટ સૂફી રામસાગર-કરતાલમા તેરાતાલ મંજીરાનો પ્રવેશ નવવાટી દિવીઓમાં બંગાળી ઘુનૂચીનૂ સાયુજય ઘંટારવમાં કથ્થક-ભરતના નાટયમની જુગલબંધી દિવા જાગમા ભવાઇના પગલાનું સંયોજન ગોરસમટકી-ઘડો-બેડાનો ત્રિવેણી સંગમ આશા ભોંસલે લત્તા મંગેશકર સ્વરીત ગુજરાતી ગીતો પર ગરબા રાસ રમઝટ માણવા મળશે.

(3:41 pm IST)