રાજકોટ
News of Thursday, 18th October 2018

સ્વાઇન ફલૂએ રાજકોટમાં ૨૫મો ભોગ લીધોઃ ટંકારા પંથકના આધેડનું મોત

શહેરમાં આજે કુલ ૧૯ દર્દી સારવારમાં: સિવિલ હોસ્પિટલમાં ૩ દર્દી

રાજકોટ તા. ૧૮: સ્વાઇન ફલૂથી રાજકોટમાં ૨૫મું મોત થયું છે. ટંકારા પંથકના ૪૫ વર્ષના આધેડ ખાનગી હોસ્પિટલમાં દાખલ હતાં તેણે દમ તોડી દીધો છે.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી આજે કુલ ૧૯ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી સિવિલમાં હવે ત્રણ દર્દી છે. બાકીના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં છે. જેમાં ધોરાજી, ગોંડલ, રાજકોટ, ઉપલેટા, ભાવનગર, વીંછીયા, જામનગર, મોરબીના દર્દીઓ સામેલ છે.

ટંકારા પંથકના અમરાપર ગામના ૪૫ વર્ષના પુરૂષને સ્વાઇન ફલૂની શંકાએ રાજકોટ જીનેસીસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો.

ગત રાત્રે અગિયાર વાગ્યા આસપાસ તેમનું મોત નિપજ્યું છે. તે સાથે રાજકોટમાં સ્વાઇન ફલૂથી મોતનો આંક ૨૫ થઇ ગયો છે.

(3:35 pm IST)