રાજકોટ
News of Thursday, 18th October 2018

'મારી ગાડી અહિંયાજ રહેશે' કહી કાર ચાલક નિલેશ ઠુમ્મરે પોલીસ સાથે ડખ્ખો કર્યો

સર્વેશ્વર ચોક પાસે ટ્રાફીકને અડચણરૂપ પડેલી કારને સાઇડમાં લેવાનું કહેતા માથાકુટ કરીઃ પટેલ શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ તા. ૧૮: યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક પાસે ટ્રાફીકને અડચણ રૂપ પડેલી કારને પોલીસે સાઇડમાં લેવાનું કહેતા કાર ચાલકે માથાકુટ કરતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ મથકની પીસીઆર વેનમાં ઇન્ચાર્જ તરીકે પીએસઆઇ આર. સી. રામાનુજ તથા કોન્સ. ક્રિપાલસિંહ ઝાલા તથા મહાવિરસિંહ જાડેજા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા ત્યારે મોડી રાત્રે યાજ્ઞીક રોડ પર સર્વેશ્વર ચોક પાસે એક જી.જે. ૩ કેએચ-૧પ૮૪ નંબરની વોકસ વેગન કાર વાહનોને અડચણરૂપ રોડ પર પાર્ક કરેલ હોઇ ત્યાં પહોંચી કાર માલીક બાબતે આસપાસ તપાસ કરતા કાર માલીક ત્યાં આવતા પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નિલેષ નાનજીભાઇ ઠુમ્મર જણાવ્યું હતું અને તેને પોતાની કાર સાઇડમાં પાર્ક કરવાનું કહેતા નીલેષે ઉશ્કેરાઇને 'મારી ગાડી અહિંયાજ રહેશે' તમારે થાય તે કરી લ્યો' તેમ કહી ઉધ્ધતાભર્યું વર્તન કરવા લાગેલ અને દેકારો કરવા લાગેલ પીસીઆર ઇન્ચાર્જ પીએસઆઇ રામાનુજે તેને ઉંચા અવાજે બોલવાની ના પાડતા નીલેષે ઉશ્કેરાઇને પોલીસ સ્ટાફ સાથે માથાકુટ કરી ગાળો બોલતા જાણ કરતા ડીસ્ટાફના પીએસઆઇ એસ. વી. સાખરા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ, હાર્દિકસિંહ સહિતે સ્થળ પર પહોંચી નિલેષ નાગનજીભાઇ ઠુમ્મર (ઉ.વ. ર૯) (રહે. તપન સ્કુલની સામે, ૮૦ ફુટ રોડ, શિવ દ્રષ્ટી સોસાયટી-૩) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

(3:35 pm IST)