રાજકોટ
News of Thursday, 18th October 2018

ધંધાની મંદીથી કંટાળી કુવાડવાનો પટેલ યુવાન સાગર ઢોલરીયા ઝેરી દવા પી ગયો

મોટા ભાઇ સાથે નિવેદ કરવા જવા બાબતે બોલચાલી થતાં દશરથ ભરવાડે ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૮: કુવાડવામાં સરકારી દવાખાના સામે રહેતાં સાગર ચકુભાઇ ઢોલરીયા (ઉ.૨૨) નામના પટેલ યુવાને પોતાની વાડીએ રાત્રે બે વાગ્યે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. સાગર બે ભાઇમાં મોટો અને કુંવારો છે. તે ખેતી કરવા ઉપરાંત ઇલેકટ્રીક કામની દૂકાન પણ ધરાવે છે. ધંધાની મંદીથી કંટાળી જઇ દવા પી લીધાનું તેણે પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું.

 અન્ય બનાવમાં સાધુ વાસવાણી રોડ પરિમલ સ્કૂલ પાછળ આવાસ કવાર્ટરમાં રહેતાં અને લાઇટ ડેકોરેશનનું કામ કરતાં દશરથ લાખાભાઇ બોળીયા (ઉ.૩૧) નામના ભરવાડ ફિનાઇલ પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. તેને પરિવારજનો સાથે નિવેદ કરવા બહારગામ જવાનું હતું. પણ કામ હોઇ ન જઇ શકતાં મોટાભાઇ સાથે તે બાબતે બોલાચાલી થતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યુ હતું.

ગાંધીગ્રામ અને ગાંધી વસાહતના બે યુવાન ફિનાઇલ પી ગયા

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ લાભદીપ સોસાયટી પાસે આવાસ કવાર્ટરમાં રહેતો  અશોક હરિભાઇ સાગઠીયા (ઉ.૨૧) નામનો વણકર યુવાન ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાયો હતો. ચોથા બનાવમાં મોરબી રોડ ગાંધી વસાહતમાં રહેતો આકાશ હરેશભાઇ મકવાણા (ઉ.૨૨) ઝેર પી જતાં સિવિલમાં ખસેડાયો હતો. પણ રાત્રે જ રજા લઇ લીધી હતી. (૧૪.૫)

(11:47 am IST)