રાજકોટ
News of Thursday, 18th October 2018

રાષ્ટ્રીયશાળા સંચાલીત 'તેલઘાણી'નો ખોડલધામનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલના હસ્તે શનિવારે પ્રારંભ

રાજકોટઃ રાષ્ટ્રીયશાળાની સ્થાપના સને ૧૯ર૧માં કરવામાં આવી હતી. ત્યારથી લઇને આજ સુધી ગાંધી વિચાર દ્વારા પુ. ગાંધીજીએ સુચવેલ વિવિધ રચનાત્મક કાર્યો ચાલી રહયા છે. જેના ભાગરૂપે સને ૧૯૩પ થી તેલઘાણી ચાલુ કરવામાં આવેલ. જેમાં ખાસ કરીને તલનું તેલ કાઢવામાં આવતું હતું. શરૂઆતમાં બળદો દ્વારા ઘાણી ચલાવવામાં આવતી હતી. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટર દ્વારા ઘાણી ચલાવવામાં આવતી હતી.

જયારથી તેલઘાણી શરૂ કરવામાં આવેલ ત્યારથી આજ સુધી રાજકોટના શહેરીજનોને તલનું તેલ શુધ્ધ મળી રહેતું હતું. પરંતુ સંસ્થાની આર્થિક પરિસ્થિતિને કારણે છેલ્લા બે વર્ષથી તેલઘાણી બંધ કરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે બિલ્ડીંગ મરામતની ખાસ જરૂરીયાત હતી. તેમજ નવી એક ઘાણી પણ વસાવવાની તાતી જરૂરીયાત હતી. આ તબક્કે સંસ્થાની વહારે આવીને ખોડલધામનાં પ્રમુખ અને રાષ્ટ્રીયશાળાના ટ્રસ્ટી શ્રી નરેશભાઇ પટેલનાં રૂ. પ,૦૦,૦૦૦ના માતબર  અનુદાનથી બિલ્ડીંગની મરામતનું કાર્ય તેમજ નવી ઘાણી પણ ખરીદી છે. જેમાં તલનું તેલ ઉપરાંત શહેરની જનતાને મગફળીનું અને કોપરેલ તેલ તાજુ મળી રહે તે હેતુથી તલની સાથે સાથે કોપરેલ તેમજ મગફળીનું તેલ પણ તેલઘાણી ખાતેથી મળી રહેશે. જેનો લાભ લેવા જનતાને અનુરોધ છે.

આ તેલઘાણીનું ઉદઘાટન શ્રી નરેશભાઇ પટેલના વરદહસ્તે તા.ર૦ શનિવારના રોજ સવારના ૧૧.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા સહુ શહેરીજનોને પધારવા રાષ્ટ્રીયશાળાના માનદમંત્રી શ્રી જીતુભાઇ ભટ્ટની યાદીમાં હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. (૪.૧)

(11:45 am IST)