રાજકોટ
News of Saturday, 18th September 2021

'તમારા પૈસા પડી ગયા' કહી કારમાંથી ૩ લાખ રોકડ ઉઠાવનારા રિક્ષામાં બેસી ભાગ્યાઃ ખાલી બેગ રેઢી મળી

હરિહર સોસાયટીના કારખાનેદાર પ્રજેશ દક્ષિણી માધવ કોમ્પલેક્ષમાંથી મિત્રને મળીને કારમાં બેઠા ત્યાં જ ગઠીયા ત્રાટકયા : યાજ્ઞિક રોડ પરથી જ રિક્ષામાં બેસી કોટેચા ચોક પાસે ખાલી બેગ રેઢી મુકી દીધી

રાજકોટ તા. ૧૮: ડો. યાજ્ઞિક રોડ પર હરિહર સોસાયટીના કારખાનેદાર લોહાણા યુવાનને એક શખ્સે 'તમારા પૈસા પડીગયા' કહેતાં તે રોડ પર વેરાયેલી દસ દસની ચલણી નોટો વીણવામાં રહ્યા એટલી વારમાં બીજા બે ગઠીયા બીજી તરફથી કારનો દરવાજો ખોલી અંદરથી ૩ લાખની રોકડ અને ૨૦ હજારના લેપટોપ સાથેની બેગ ઉઠાવી ભાગી ગયાની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. સીસીટીવી ફૂટેજ ચેક થતાં ઉઠાવગીરો યાજ્ઞિક રોડ પરથી રિક્ષામાં બેસી નીકળી ગયાનું અને તેને ખાલી બેગ કોટેચા ચોક કે. કે. હોટેલ સામે મુકી દીધાનું ખુલ્યું છે. છારા ગેંગના આ ઉઠાવગીરો હતાં કે કેમ? તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

પોલીસે આ બનાવમાં કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે હરિહર સોસાયટી-૧માં હરિદર્શન ખાતે રહેતાં અને લજાઇ ચોકડી પાસે પ્લાસ્ટીક બેગનું કારખાનુ ધરાવતાં પ્રજેશ કલ્પેશભાઇ દક્ષિણી (લોહાણા) (ઉ.વ.૨૪) નામના યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા સામે આઇપીસી ૩૭૯ મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રજેશ દક્ષિણીએ પોલીસને જણાવ્યું હતું કે હું શુક્રવારે સાંજે સાડા છએક વાગ્યે મારી બીએમડબલ્યુ કાર જીજે૦૯બીઇ-૫૫૦૧ લઇને યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયલ પેલેસ હોટેલ સામે માધવ કોમ્પલેક્ષમાં મારા મિત્ર બબલુ મુલચંદાણીની નવરંગ મોબાઇલ નામની દૂકાને તેને મળવા ગયો હતો. મારી કાર માધવ કોમ્પલેક્ષ બહાર રોડ પર પાર્ક કરી હતી. ડ્રાઇવર સીટની બાજુમાં કાળા કલરનું લેપટોપ બેગ રાખેલુ હતું. એ બેગમાં મારી ફેકટરીના હિસાબના રૂ. ૨ લાખ રોકડા હતાં તેમજ ૨૦ લાખનું ડેલ કંપનીનું લેપટોપ હતું. આ બેગ કારમાં જ મુકી કાર લોક કરી પોતે મિત્રને દૂકાનમાં ગયો હતો.

સાતેક વાગ્યા આસપાસ હું ફરી મારી કાર પાસે આવ્યો હતો. કારમાં બેસવા જતો હતો ત્યાં એક શખ્સ મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે 'તમારા રૂપિયા પડી ગ્યા છે, લઇ લ્યો'...આથી મેં કારની બહાર રોડ પર જોતાં રૂ. ૧૦-૧૦ની ચલણી નોટો પડેલી હતી. આ નોટો મેં ભેગી કરી લીધી હતી. જે વીસ નોટો હતી. એ પછી હું કારમાં બેઠો હતો. અંદર જોયુ તો મારી રોકડ અને લેપટોપ સાથેની બેગ જોવા મળી નહોતી. હું રોડ પરથી દસ દસની નોટો ભેગી કરતો હતો એ વખતે કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી કોઇ બેગ ઉઠાવી ગયુ હતું. હેડકોન્સ. મુકેશભાઇ કરમટાએ ઉપરોકત વિગતો પરથી ગુનો નોંધ્યો હતો.

ઘટનાની જાણ થતાં એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી. વી. ગોહિલ, એએઅસાઇ હારૂનભાઇ ચાનીયા, રામભાઇ, મેરૂભા તેમજ ડી. સ્ટાફની ટીમ અને ક્રાઇમ બ્રાંચની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણ ગઠીયા નજરે પડ્યા હતાં. જેમાં એક ગઠીયો રૂપિયા પડી ગયાનું કહી કારખાનેદારનું ધ્યાન ભંગ કરતો દેખાય છે. કારખાનેદાર નોટો વીણતા હોય છે ત્યારે બીજા બે કાર નજીક આવી બેગ ઉઠાવી જતાં દેખાયા છે. પોલીસે આગળના ફૂટેજ ચેક કરતાં ત્રણેય ઉઠાવગીરો યાજ્ઞિક રોડ પરથી રિક્ષામાં બેસીને નીકળી જતાં દેખાય છે. આ રિક્ષા કોટેચા ચોક કે કે હોટેલ સામે પહોંચે છે ત્યારે ખાલી બેગ ત્યાં મુકીને ત્રણેય આગળ નીકળી ગયાનું જણાયું છે. આગળના ફૂટેજ ચેક કરવાના બાકી છે. છારા ગેંગ કે આ રીતે ઉઠાંતરી કરતી ગેંગની સંડોવણીની શંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:59 pm IST)