રાજકોટ
News of Friday, 18th September 2020

પૂ.નમ્રમુની મ.સા.નો ૫૦ મો જન્મદિન માનવતા -જીવદયાના પ્રકલ્પો સાથે 'પરમોત્સવ' તરીકે ઉજવાશે

દરેક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ઓનલાઇન માધ્યમો દ્વારા કરાશે : તા. ૨૫-૨૬-૨૭ ત્રિદીવસીય આયોજન : જ્ઞાનોત્સવ, પરમ ભકિત ઉત્સવ-પરમ એવોર્ડ, પરમ સેવા ઉત્સવ યોજાશે : પૂ. ગુરૂદેવના શ્રીમુખેેથી ઉજસગ્ગહરં સ્ત્રોતની જય સાધનાનો મહામુલો લાભ

રાજકોટ : હજારો મૂંગા -અબોલ જીવો જેમના આધારે જીવનનો શ્વાસ શ્વસી રહ્યા છે. હજારો લાચાર દુઃખી માનવોની આંખોના આંસુ જેમની કરૂણા ભાવનાથી સ્મિતમાં પરિવર્તિત થઇ રહ્યા છે. એવા હજારો જીવોના જીવન આધાર, જરૂરિયાતમંદોના મસીહા, માનવતાના અવતાર, કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦મા જન્મોત્સવ નિમિતે આયોજન કરવામાં આવેલા ત્રિદિવસીય 'મહા-માનવતા મહોત્સવ પરમોત્સવ'માં જોડાઇ જવા દેશ-વિદેશના હજારો ભાવિકો થનગનાટ કરી રહ્યા છે.

દર વર્ષે પરમ ગુરૂદેવના જન્મોત્સવ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહાર સ્તોત્રની દિવ્ય સિધ્ધિદાયક જપ સાધના કરાવવામાં આવતી હોય છે. એમ આ વર્ષે પણ પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે લયબધ્ધ સ્વરૂપે વિશેષ પ્રકારની ગતિએ આ સ્ત્રોતની મહાસિધ્ધિદાયક જપ સાધના સાથે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૫,૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના દિને આયોજિત કરવામાં આવેલ પરમોત્સવ અંતર્ગત તા. ૨૫ સપ્ટેમ્બર શુક્રવાર સવારના ૮:૩૦ કલાકે 'પરમ જ્ઞાનોત્સવ'નેું આયોજન કરવામાં આવ્યું છે. પરમ ગુરૂદેવની પ્રેરણાથી ચાલતા લુક એન લર્ન જૈન જ્ઞાનધામ, શાસન પ્રભાવના ગ્રુપ, ગ્લોબલ આગમ મિશન જેવા અનેક મિશન્સ દ્વારા હજારો બાળકો, વડીલો અને યુવાનો પ્રભુના જ્ઞાન સંસ્કારથી જ્ઞાન સમુધ્ધ બન્યા છે. અને આજે પણ બની રહ્યા છે. પરમ ગુરૂદેવ દ્વારા ૫૦ વર્ષમાં લાખો જીવો પર કરેલ જ્ઞાન ઉપકારની, ઉપકાર અભિવ્યકિત આ અવસરે અનેક ભાવિકો કરશે. અનેક વિધ રસપ્રદ પ્રસ્તુતિઓ સાથે પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મની પ્રસ્તુતિ કરવામાં આવશે.

તા. ૨૬ સપ્ટેમ્બર, શનિવાર પરમોત્સવના દ્વિતીય દિવસે, સવારે ૮:૩૦ કલાકે 'પરમ ભકિત ઉત્સવ'નું મંગલ આયોજન કરવામાં આવ્યું છે. સમાજ અને સંઘ માટે શ્રેષ્ઠ યોગદાન આપીને જીવન સાર્થક કરનારા એવા શ્રેષ્ઠ ભાવિકોને આ અવસરે, 'પરમ એવોર્ડ' એનાયત કરીને એમના યોગદાનનું બહુમાન કરવાની સાથે અન્ય અનેક રચનાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવશે.

તા. ૨૭ સપ્ટેમ્બર રવિવાર, પરમોત્સવના તૃતીય દિવસે સવારના ૮:૨૦ કલાકે 'પરમ સેવા ઉત્સવ'નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પરમ ગુરૂદેવના શ્રીમુખેથી વિશેષ પ્રકારના મંત્રોચ્ચાર સાથે ત્રણ તબક્કામાં શ્રી ઉવસગ્ગહર સ્ત્રોત્રની જપ સાધના કરાવવામાં આવશે. તેમજ માનવતા અને જીવદયાના મહાસત્કાર્યના પ્રકલ્યોની ઘોષણા અને અનેકવિધ કાર્યક્રમોની પ્રસ્તુતી કરવામાં આવશે.

દેશ-વિદેશ લાખો ભાવિકો માટે પરમોત્સવના દરેક કાર્યક્રમ લાઇવ પ્રસારણના માધ્યમે ઝૂમ, યુટયૂબ, ફેસબુક અને પારસ ચેનલ પર દર્શાવવામાં આવશે.

(4:38 pm IST)