રાજકોટ
News of Friday, 18th September 2020

કોવિડના દર્દીનો વિડીયો વાયરલ કરવામાં એમ્બ્યુલન્સ સંચાલક, ડ્રાઇવર, મહિલા પ્યુન સામે અટકાયતી પગલા

ડો. કયાડાએ લેખિત ફરિયાદ કરીઃ ૯મીએ નોકરી પર રહેલી મહિલા પ્યુન પ્રવિણાબેને વિડીયો ઉતાર્યો હતોઃ તેણે એમ્બ્યુલન્સ ડ્રાઇવર નિતીનને આપ્યો હતોઃ નિતીન દ્વારા રાજૂ ગોસ્વામીને વિડીયો મળ્યોઃ રાજૂએ વાયરલ કર્યોઃ હોસ્પિટલે તપાસ કમિટી નીમી : એમ્બ્યુલન્સ ડ્રાઇવરના દાદીમા ગુજરી જતાં તેને કોવિડ સેન્ટરમાં જવા નહિ દેવાતાં જુનો વિડીયો વાયરલ કર્યો'તો

રાજકોટ તા. ૧૮: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં એક દર્દીને સ્ટાફ દ્વારા મારકુટ કરવામાં આવતી હોય તેવો જુનો વિડીયો વાયરલ કરવાના પ્રકરણમાં સિવિલ કોવિડ સેન્ટરના એડી. સુપ્રિ. ડો. કયાડાએ પ્ર.નગર પોલીસમાં લેખિત ફરિયાદ કરતાં    પોલીસે તેના આધારે ત્રણની સામે અટકાયતી પગલા લીધા છે. વિડીયો રેકોર્ડ કરનાર મહિલા પ્યુન, તથા વિડીયો વાયરલ કરનારા એમ્બ્યુલન્સ સંચાલક અને એક ડ્રાઇવર સામે પગલા લેવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

ગઇકાલે કોવિડ સેન્ટરમાં એક કોરોનાગ્રસ્ત દર્દીને સ્ટાફ દ્વારા મારકુટ થઇ રહી હોવાના હોબાળા સાથેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ કારણે સિવિલ કોરોના હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. પરંતુ આ વિડીયોની હકિકત કંઇક જુદી જ હોવાનું સામે આવ્યું હતું. તા. ૯ સપ્ટેમ્બરનો જુનો વિડીયો ગઇકાલે ૧૮મીએ વાયરલ થયો હોવાની સ્પષ્ટતા કરતાં તબિબી અધિક્ષક ડો. પંકજ બુચે વિગતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે દર્દી પ્રભાશંકરભાઇ પાટીલ સનેપાતની બિમારી ધરાવતાં હતાં. તે વોર્ડમાં દોડાદોડી કરતાં હતાં. નાકમાંથી રાઇલ્સ ટ્યુબ પણ કાઢી નાંખતા હતાં. પોતાને કે બીજાને નુકસાન પહોંચાડી દે તેમ હતું. આ કારણે તેમને કોઇપણ જાતની ઇજા પહોંચાડ્યા વગર રિસ્ટ્રેનીંગની કાર્યવાહી થઇ હતી અને સાઇકયાટ્રીસ્ટ વિભાગની સારવાર પણ અપાઇ હતી.

બીજા દર્દી માટે જોખમ ઉભુ ન કરે એ માટે કાબુમાં લેવાયેલઃ રાહુલ ગુપ્તા

રાજકોટ કોવિડના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ પણ સ્પષ્ટતા કરી હતી કે દર્દીને કાબુમાં કરવા પડ્યા હતાં. તેની સાથે મારામારી નથી થઇ. તે બીજા માટે જોખમ ઉભુ ન કરે તે માટે સિડેટ કરવા ઇન્જેકશન અપાયું હતું. દર્દીનું મોત થતાં ડેથ ઓડિટ કમિીટીનો રિપોર્ટ પણ મંગાવ્યો હતો. જેમાં કમિટીએ દર્દીની કિડની ડેમેજ હોવાનો અને ડાયાબિટીસ તેમજ સેપ્ટિસિમિયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ કો-મોર્બિડ કંડીશનથી મોત થયાનો રિપોર્ટ છે. જે તે વખતે એટલે કે ૯મીએ ર્દીએ ગંદી ભાષાનો પ્રયોગ કર્યો હતો અને ઉગ્ર થઇ જઇ મેડિકલનો સામાન ફગાવી દીધો હતો. કપડા કાઢવા માંડ્યા હતાં આ કારણે ડો. મોનાલી માકડીયાએ સિકયુરીટી સ્ટાફ અને માનસિક વિભાગના રેસિડેન્ટ ડોકટરને બોલાવ્યા હતાં. જે કાર્યવાહી થઇ હતી તે દર્દીને કાબુમાં લેવાની હતી.

આ બનાવ સંદર્ભે ગઇકાલે રાતે કોવિડના એડી. સુપ્રિ. ડો. કયાડાએ પ્ર.નગર પોલીસમાં લેખિત ફરિયાદ કરતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તોફાને ચડેલા દર્દીને કાબુમાં લેવાની કાર્યવાહીને મારકુટની ગણાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોઇ તપાસ થતાં આ વિડીયો સિવિલ હોસ્પિટલના એક ખાનગી એમ્બ્યુલન્સના સંચાલક રાજુ ગોસ્વામીએ વાયરલ કર્યાનું સામે આવતાં પોલીસે તેને બોલાવી અટકાયત કરી પુછતાછ કરતાં પોતાને આ વિડીયો પોતાના ડ્રાઇવર નિતીન ગોહેલ મારફત મળ્યાનું કહેતાં પોલીસ તેને પણ લઇ આવી હતી.

નિતીને પુછતાછમાં આ વિડીયો સિવિલ કોવિડમાં ૯મીએ પ્યુનની નોકરી પર રહેલા પ્રવિણાબેન ઇટોલીયાએ આપ્યાનું કહેતાં તેને પણ પોલીસ મથકે બોલાવી પુછતાછ થઇ હતી. પ્રવિણાબેને કહ્યું હતું કે ૯મીએ દર્દીને બધા પકડી રહ્યા હતાં ત્યારે પોતે વિડીયો બનાવી લીધો હતો. કયારેક પોતાને કામ આવશે એમ સમજી વિડીયો રાખ્યો હતો. ૧૮મીએ એમ્બ્યુલન્સ ડ્રાઇવર નિતીન ગોહેલના દાદીમાં કોરોના વોર્ડમાં ગુજરી જતાં તેને સિકયુરીટી ટીમે નિયમ મુજબ ઉપર જવાની ના પાડતાં નિતીને પોતે સિકયુરીટીને બદનામ કરશે તેવી વાત કરી હતી અને પોતાની પાસેથી વિડીયો મેળવ્યો હતો. બાદમાં આ વિડીયો તેણે રાજુ ગોસ્વામીને આપ્યો હતો. રાજુએ બીજા લોકોને આપ્યાનું સામે આવતાં ત્રણેય સામે અટકાયતી પગલાની કાર્યવાહીની તજવીજ થઇ રહી છે.

મારકુટના આક્ષેપોની તપાસ

માટે તબિબોની કમિટી

દરમિયાન કોરોનાના દર્દીને મારકુટ થયાના આક્ષેપો થયા હોઇ તેની તપાસ માટે ડો. કયાડાના વડપણ હેઠળ એક કમિટી બનાવવામાં આવી છે. તેના તબિબો આ અંગેની તપાસ કરી રહ્યા છે. પ્રારંભીક તપાસમાં સિકયુરીટીના સ્ટાફે આ કમિટીને જણાવ્યું છે કે જે રીતે ડોકટરે ગભરાઇને ફોન કર્યો હતો તે જાણી તુરત જ સિકયુરીટીનો સ્ટાફ પહોંચ્યો હતો અને દર્દીને શાંત પાડવા ઇન્જેકશન આપવાનું હોઇ તે કાર્યવાહીમાં મદદ કરી હતી.

(3:52 pm IST)