રાજકોટ
News of Friday, 18th September 2020

રાજકોટની વોર્ડ પુનઃરચના સામે ૭ વાંધા - સૂચનો : ૨૧મીએ સુનાવણી

કોંગ્રેસે વોર્ડ વિભાજન અંગેના નકશાનો અભ્યાસ કર્યો : શાસક પક્ષ ભાજપે અનામત બેઠકોની ફાળવણી સામે વાંધા ઉઠાવ્યા : નવી અનામત બેઠકોની ફાળવણીમાં ભાજપના અનેક મોટા માથાઓને માઠી અસર પહોંચે તેમ હોવાથી શાસકો ફેરફાર કરાવે તેવી શકયતા

રાજકોટ તા. ૧૮ : શહેરની મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ સરકારે કરી લીધી છે જેના ભાગરૂપે તાજેતરમાં જ રાજકોટમાં ભેળવાયેલા પાંચ નવા ગામો સહિત સમગ્ર શહેરના વિસ્તારોની વોર્ડ પુનઃ રચના અને તેની સામાન્ય તથા અનામત બેઠકોની ફાળવણી સહિતનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકીય પક્ષો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા હતા. જે અનુસંધાને મહાનગરપાલિકાને ૭ જેટલા વાંધા સૂચનો મળ્યા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરકારે શહેરના વર્તમાન ૧૮ વોર્ડની રચના યથાવત રાખી અને આ ૧૮ વોર્ડમાં જ રાજકોટની હદમાં નવા ભેળવાયેલા મનહરપુર, માધાપર, ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા વગેરે ગામોનો સમાવેશ કરી વોર્ડ પુનઃ રચનાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

નવી વોર્ડ રચના મુજબ માધાપર - મનહરપુરને વોર્ડ નં. ૩માં, ઘંટેશ્વરને વોર્ડ નં. ૧માં, મુંજકાને વોર્ડ નં. ૯માં તેમજ મોટા મવાને વોર્ડ નં. ૧૦માં સમાવી દેવાયા છે.

આ વોર્ડની રચના મુજબ અનામત બેઠકોની ફાળવણીનું જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરી દેવાયું છે અને તેના વાંધા સૂચનો મંગાવાયા છે.

સત્તાવાર સૂત્રોના જણાવાયા મુજબ બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ - કોંગ્રેસ સહિત કુલ ૭ વાંધા સુચનો આ વોર્ડ પુનઃ રચના માટે આવ્યા છે. જેમાં મોટાભાગના અનામત બેઠકો બાબતના છે.

જાણવા મળ્યા મુજબ શાસકપક્ષ ભાજપે એસ.સી.એસ.ટી. બેઠકો સહિતની કેટલીક અનામત બેઠકોમાં થયેલા ધરખમ ફેરફારો સામે વાંધા - સુચનો કર્યા છે. કેમકે નવી અનામત બેઠકોનો અમલ થાય તો ભાજપના કેટલાક મોટામાથાઓ કાંતો ચૂંટણી ન લડી શકે અથવા વોર્ડ ફેરવવા પડે તેવી સ્થિતિ છે.

જ્યારે કોંગ્રેસે વોર્ડ વિભાજનના વિસ્તારોના નકશાનો અભ્યાસ કરી અને તે બાબતના વાંધા સૂચનો તૈયાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. ૨૧ સપ્ટેમ્બરે વીડિયો કોન્ફરન્સ યોજી આ વાંધા સૂચનોની સુનાવણી હાથ ધરાશે ત્યારબાદ જ વોર્ડ પુનઃ રચના અને અનામત બેઠકો ફાઇનલ કરવામાં આવશે.

(3:46 pm IST)