રાજકોટ
News of Friday, 18th September 2020

સોૈરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલની કોવિડમાં ૧૭૭ બેડ ઓકિસજન સુવિધાથી સજ્જઃ ૧૨૬ દર્દી દાખલઃ ૨૬ સાજા થતાં રજા

મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયેલી હોસ્પિટલમાં બે વેન્ટીલેટર અને ૪૫૦૦ લિટર ઓકિસજનની વ્યવસ્થા

રાજકોટ તા. ૧૮ : રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરાયેલી અદ્યતન સુવિધાથી સજજ ૨૦૦ બેડની કોવિ઼ડ હોસ્પિટલમાં ૧૨૬ જેટલા દર્દીઓ હાલ સારવાર મેળવી રહ્યા છે તેમજ ૨૬ જેટલા કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કોવિડ હોસ્પિટલનું ગાંધીનગર ખાતેથી ઈ-લોકાર્પણ કર્યું હતું.

મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.અંજન ત્રિવેદીએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલ સમી તમામ આધુનિક સુવિધા અહિંયા ઉપલબ્ધ છે. ૧૭૭  જેટલા બેડ ઓકિસજનની સુવિધાથી સજ્જ છે. ઉપરાંત ૫૫ જેટલા ઓકિસજન સિલિન્ડર અને ૪૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ઓકિસજનના ટેંક અહીંયા રાખવામાં આવેલ છે. તેમજ ઈમરજન્સી જરૂરિયાત ઉભી થાય તેવા સમયે અને દર્દીઓની સલામતીના ભાગરૂપે બે વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે. આ વેન્ટિલેટરને ઓપરેટ કરવા માટે નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે.  

પીપીઈ કીટ, એન-૯૫ માસ્ક, અન્ય જરૂરી દવાઓ અને ઈન્જેકશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, હોસ્પિટલમાં સાફ-સફાઈનું યોગ્ય સ્તર જળવાઈ રહે અને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે માટે પૂરતી તકેદારી લેવામા આવે છે. ખાસ કરીને અહિંયા કેન્સર અને કોવિડ હોસ્પિટલની  એન્ટ્રી-એકિઝટની તદ્દન અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી સંક્રમણને ફેલાતુ અટકાવી શકાય. અહીંયા કોરોના સંક્રમિત દર્દીઓને બે વખત પોષણયુકત ભોજન, સવારે ગરમ નાસ્તો, સાંજે હળદરવાળું દૂધ તેમજ ચા-કોફી દર્દીઓને સમયસર અને નિયમિત રીતે આપવામાં આવે છે. દર્દીઓના સગા સંબંધીઓને બેસવા માટે ડોમ, અને દર્દીઓને કપડા, નાસ્તો વગેરે જીવન જરૂરિયાત સામાન પહોંચાડવા માટે કલેકશન સેન્ટર, વીડિયો કોલિંગ સહિતની સેવા હેલ્પ ડેસ્ક ખાતે ઉપલબ્ધ કરાવવામા આવી છે.

(3:42 pm IST)