રાજકોટ
News of Friday, 18th September 2020

વ્યાજખોરીનાં દૂષણમાં પીડાતી બહેનો માટે 'મહિલા ઉત્કર્ષ યોજના' આર્શિવાદ સમાન : વિજયભાઇ રૂપાણી

યોજનાનાં ઇ-લોન્ચીંગ વખતે મુખ્યમંત્રીએ રાજકોટમાં શાકભાજી વેચતી મહીલાઓ વ્યાજે પૈસા લઇ વેપાર કરતી હોવાની ઘટનાને યાદ કરી બહેનો પ્રત્યે અનુકંપના વ્યકત કરી

રાજકોટ,તા. ૧૮: રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૦ લાખ મહિલાઓને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણ આપવા માટે 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નું આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું. રાજય સરકારશ્રીના આ ઈ-લોન્ચિંગ કાર્યક્રમનો રાજકોટ ખાતેનો લાઈવ પ્રોગ્રામ પેડક રોડ પર સ્થિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાયો.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, સૌપ્રથમ તો ગુજરાતની સમગ્ર જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિન નિમિતે શુભકામના પાઠવતા જણાવેલ કે, ભારત મહાસત્ત્।ા બને, આત્મનિર્ભર બને અને તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ શકય બને આપણું રાષ્ટ્ર સોળેકળાએ અને દશે દિશાએ પ્રગતિ કરે નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રી તરીકેનો ૧૩ વર્ષનો શાસનકાળ એક દીર્ધદ્રષ્ટા અને નિષ્ઠાવાન મુખ્યમંત્રીનો કાર્યકાળ હતો તેમણે મહિલા અને યુવા વર્ગ માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચિંગ કરેલ છે તેના પાયામાં રાજકોટની ભૂતકાળની એક દ્યટના યાદ આવે છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની પરાબજાર શાખાની બહાર છુટક શાકભાજી અને ફળફળાદિનો વેપાર કરતી બહેનો બેસે છે. આ બહેનોનું દૈનિક ટર્નઓવર ૩-૪ હજારનું હોય છે પરંતુ તેની પાસે પૂરતા રોકડ રૂપિયા ન હોવાથી દૈનિક ૫% જેટલા ઉંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી તેઓ પૈસા લેતા આ વ્યાજખોરીનું દુષણ નાથવા સરકાર દ્વારા  આ યોજના અમલી બનાવી છે.

કૈલાશધામ સખી મંડળ, ઉત્કર્ષ સખી મંડળ, વતન સખી મંડળ, જીયા સખી મંડળ તથા સુહાના સખી મંડળને અનુક્રમે કેનેરા બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોન મંજુરીના પત્રો અર્પણ કરવામાં આવેલ. આ કાર્યવાહીમાં રાજકોટ મહાનગરપાલિકાને લીડ બેંક એસ.બી.આઈ.ના મેનેજર શ્રી આર.જે.ઠાકર તરફથી ઉત્સાહવર્ધક સંકલન અને સહકાર પ્રાપ્ત થયા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન શહેરની બાઈસાહેબબા ગર્લ્સ સ્કુલની વિદ્યાર્થીની કલ્પના અગ્રાવતે પોતાની આગવી ભાષામાં નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાળથી શરૂ કરી અત્યારસુધી સ્ત્રી સશકિતકરણ અને નારી સુરક્ષા માટે તેઓએ જે જે કાર્યો કર્યા છે તે વર્ણવી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણીઆર તેમજ કમલેશભાઈ મિરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, નીતિનભાઈ ભારદ્વાજ – પ્રદેશ અગ્રણી, ભાજપ, અરવિંદભાઈ રૈયાણી – ધારાસભ્ય, લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્ય, અશ્વિનભાઈ મોલીયા – ડે.મેયર, ઉદિત અગ્રવાલ – મ્યુનિસિપલ કમિશનર, દલસુખભાઈ જાગાણી – નેતા, શાસક પક્ષ, અજયભાઈ પરમાર – દંડક, શાસક પક્ષ, નરેન્દ્રસિંહ ઠાકુર – ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રૂપાબેન શીલુ – ચેરમેન, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ, કિશોરભાઈ રાઠોડ - રાજકોટ શહેર ભાજપ મહામંત્રી તથા જુદી જુદી કમીટીના ચેરમેને તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહેલ.

(2:32 pm IST)