રાજકોટ
News of Thursday, 18th August 2022

સાળીને ભગાડી ગયેલા આદિવાસી યુવાનનું પકડાઇ ગયા બાદ ભેદી મોતઃ હત્‍યાની શંકા

ધ્રોલના સગાડીયા ગામે રહેતાં નાનકાને સસરા સહિતના પકડીને જોડીયાના રસનાળ ગામે લાવ્‍યા બાદ મોતઃ સસરાએ કહ્યું ઝેર પી ગયો, પરિવારજનોનો હત્‍યાનો આક્ષેપઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૮: ધ્રોલના સગાડીયા ગામે વાડીમાં રહી મજૂરી કરતો મુળ એમપીનો આદિવાસી યુવાન રક્ષાબંધન બાદ પોતાની સાળીને ભગાડીને લઇ ગયો હતો. આ યુવાનને સસરા સહિતના લોકોએ અમરેલી તરફના ખીજડીયા ગામેથી પકડી લીધો હતો અને બાદમાં સસરા જ્‍યાં રહે છે તે જોડીયાના રસનાળ ગામ નજીક લઇ આવવામાં આવ્‍યો હતો. એ પછી તેનું બેભાન હાલતમાં ભેદી મોત થયું હતું. સસરાએ એવું કહ્યું હતું કે તે ઝેર પી ગયો છે. પરંતુ મૃતકના પરિવારજનોએ હત્‍યા થયાની શંકા દર્શાવતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ સગાડીયા ગામે પત્‍નિ, બાળકો, ભાઇ સહિતના પરિવાર સાથે જયેશભાઇની વાડીમાં રહી મજૂરી કરતો નાનકો બંદરસિંગ બુંદેવીયા (ઉ.૨૫) રક્ષાબંધનના તહેવાર બાદ ગયા શનિવારે જોડીયાના રસનાળ ગામેથી સાળી અનિતાને ભગાડી ગયો હતો. એ પછી સસરા, સાળા સહિતના લોકોએ શોધખોળ બાદ નાનકાને સાળી સાથે અમરેલીના ખીજડીયા નજીકથી ગઇકાલે શોધી કાઢયો હતો. બંનેને રસનાળ તરફ લઇ આવવામાં આવ્‍યા બાદ નાનકાનું મોત નિપજ્‍યું હતું.

તે પકડાઇ જતાં ગભરાઇને ઝેરી દવા પી ગયાનું સાસરિયા પક્ષે કહ્યું હતું. પરંતુ પરિવારજનોને નાનકાની હત્‍યા થયાની શંકા હોઇ પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. નાનકો સાત બહેન અને ત્રણ ભાઇમાં બીજો હતો. તેની પત્‍નિનું નામ સંતરી છે અને સંતાનમાં એક પુત્ર તથા ત્રણ પુત્રી છે. જોડીયા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ યુવાન જાતે દવા પી ગયાનું હાલ બહાર આવ્‍યું છે.

(12:27 pm IST)