રાજકોટ
News of Saturday, 18th August 2018

યાજ્ઞિક રોડ વિસ્તારમાં અવેડો, કેબીન, છાપરા, ઓટલા સહિતના દબાણોનો કડુસલોઃ પાર્કિંગ - માર્જીનની જગ્યા ખુલ્લી કરાવાઇ

રાજકોટઃ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત યાજ્ઞિક રોડ વિસ્તારમાં બિલ્ડીંગ,કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગે ૬ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરી છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગનસ સમસ્યાને અંતર્ગત કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭ના યાજ્ઞિક રોડ પર વનડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ૬ સ્થળોએથી દબાણો-ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જેમાં રામકૃષ્ણ આશ્રમ પાછળ રોડ પર બનાવવામાં આવેલ અવેડો, રાજપાલ નામની કેબીન, ભાટિયા મોબાઇલ, રૂહાનીબુટિક, યુનાઇટેડ કલર્સ ઓફ બેનેટન સહિતના ૬ સ્થળોએથી હોર્ડિંગ્સ બોર્ડ, છાપરૂ, ઓટા સહિતનાં દબાણો દૂર કરી માર્જિન તથા પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી.પટેલ, આઇ.યુ.વસાવા, તુષાર લીંબડીયા, દિલીપ પંડયા સહિત તમામ ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખાના આસિ. મેનેજર શ્રી બી.બી.જાડેજા તથા તેમનો સ્ટાફ તથા  આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટ વિજીલન્સ શાખાનો સ્ટાફ તથા ટ્રાફીક શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. ઉપરોકત તસ્વીરમાં પાર્કીંગ તથા ર્માજીનમાં થયેલ ગેરકાયદે દબાણ હટાવવામાં  આવ્યા તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અશોક બગથરીયા)

(3:37 pm IST)