રાજકોટ
News of Saturday, 18th August 2018

ગંજીવાડામાં ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપ થયું: સિકયુરીટી ગાર્ડ મુકેશ રાઠોડનું મોત

વણકર યુવાન ઝનાના હોસ્પિટલથી નોકરી પુરી કરી ઘરે જતો'તો ને કાળ ભેટ્યોઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટીઃ ગંજીવાડામાં રખડતા ઢોરનો ભારે ત્રાસ હોવાનો મૃતકના સ્વજનોનો આરોપ

રાજકોટ તા. ૧૮: શહેરમાં રસ્તે રઝળતા ઢોર અનેક વખત અકસ્માતનું કારણ બન્યા છે. વધુ એક બનાવમાં ગંજીવાડામાં અચાનક ગાય રસ્તા પર દોડી આવતાં વણકર યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં પોતે ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગંજીવાડામાં રહેતો અને સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો મુકેશભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.૩૫) નામનો વણકર યુવાન રાત્રે સાડા નવેક વાગ્યે નોકરી પુરી કરીને બાઇક હંકારી ઘરે જતો હતો ત્યારે  ગંજીવાડા મહાકાળી ચોકમાં ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપ થતાં મુકેશભાઇ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મુકેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના પત્નિનું નામ ગીતાબેન છે. સંતાનમાં બે પુત્રો પ્રભાત (ઉ.૧૫) અને ગોૈતમ (ઉ.૧૩) છે. પિતા હયાત નથી. માતાનું નામ જમુનાબેન છે. મુકેશભાઇના સ્વજનોના કહેવા મુજબ ગંજીવાડા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધ્યો છે. આને કારણે બબ્બે બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(2:23 pm IST)