રાજકોટ
News of Thursday, 18th July 2019

કાન ફાડી નાંખતા એરહોર્ન-મ્યુઝિકલ હોર્ન વાહનોમાંથી હટાવવા માટે ટ્રાફિક પોલીસની ઝુંબેશઃ ૫૧ કેસ કરાયા

રાજકોટઃ શહેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા રોજબરોજ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુસર જુદી-જુદી ડ્રાઇવ યોજવામાં આવે છે. હવે પોલીસે અવાજનું પ્રદુષણ ફેલાવતાં કર્કશ એરહોર્ન અને મ્યુઝિકલ હોર્ન વાહનોમાંથી હટાવવા માટે ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. તે અંતર્ગત ટ્રાફિક બ્રાંચના એસીપી બી. એ. ચાવડાની રાહબરીમાં  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, કેકેવી ચોક, હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી સહિતના મુખ્ય પોઇન્ટ પર સમજુ દેશી સંસ્થાના સભ્યો સંજીવ જાની સહિતને સાથે રાખી ડ્રાઇવ યોજવામાં આવી હતી. કાન ફાડી નાંખે તેવા એર હોર્ન, મ્યુઝિકલ હોર્ન લગાડીને નીકળેલા ૫૧ વાહન ચાલકોને અટકાવી ૫૧ હજારનો દંડ વસુલ કર્યો હતો. તેમજ હોર્ન દુર કરાવ્યા હતાં. આ ઉપરાંત આવા હોર્નથી થતાં નુકસાન બાબતે સમજુ દેશી સંસ્થાના સભ્યોએ વાહન ચાલકોને સમજ આપી હવે પછી આવા હોર્ન ફીટ નહિ કરાવવા સમજ આપી હતી. લોકો જાતે જ આવા હોર્ન દુર કરી પોલીસની કામગીરીમાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ ડ્રાઇવ હજુ ચાલુ જ રાખવામાં આવી છે.

(3:26 pm IST)