મૈં તેરે પ્યાર મેં પાગલ...અજય ચોૈહાણની અજબ પ્રેમકહાની...
વારાણસીથી પ્રેમિકાને મળવા મેટોડા આવેલા યુવાનને પ્રેમિકાના ભાઇએ છરીના ઘા ઝીંકયા
પ્લેનમાં અમદાવાદ પહોંચ્યો અને ત્યાંથી રાજકોટ થઇ રાતે મેટોડા આવ્યો ત્યાં જ હુમલો થયો
રાજકોટ તા. ૧૮: ઉત્તરપ્રદેશના વારાણસીના જનપુર ગામે રહેતો એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા છેક ત્યાંથી રાજકોટના મેટોડામાં આવતાં અને ગત મોડી રાત્રે પ્રેમિકાને મળવા પહોંચતા તેણીના ભાઇ સહિતના જોઇ જતાં છરીના ઘા ઝીંકી દેવાતાં સારવાર માટે હોસ્પિટલના બિછાને ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વારાણસીના જેનપુરમાં રહેતો અને લાદીકામની મજૂરી કરતો અજય વિજયસિંગ ચોૈહાણ (ઉ.૨૫) નામનો યુવાન રાત્રીના ત્રણેક વાગ્યે મેટોડા ગેઇટ નં. ૩માં એસટી મોટર્સ નજીક હતો ત્યારે મુળ યુપીના સુખદેવ તથા તેની સાથેના રવિ અને સુજીતે મળી ઢીકા-પાટુનો માર મારી છાતી અને બગલમાં છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે લોધીકા પોલીસને જાણ કરી હતી. અજયના કહેવા મુજબ તેને બે વર્ષથી સુખદેવની પિત્રાઇ બહેન સાથે પ્રેમસંબંધ છે. ગત નવેમ્બર માસમાં પ્રેમિકા યુપી જનપુરથી મેટોડા આવી તેના ભાઇ સુખદેવ સાથે રહે છે. જો કે બંને દરરોજ બે-ત્રણ વખત ફોન, મેસેજ કરી એકબીજાના સંપર્કમાં હતાં. કેટલાક દિવસથી પ્રેમિકા ગમે તેમ કરીને પોતાને મળવા આવવાનું કહેતી હોઇ અને જો મળવા નહિ આવે તો પોતે કંઇક કરી બેસશે તેમ પણ કહેતી હોઇ પોતે વારાણસીથી બાય પ્લેન ગઇકાલે સાંજે અમદાવાદ આવ્યો હતો અને ત્યાંથી રાજકોટ થઇ મોડી રાત્રે મેટોડા પહોંચ્યો હતો. પ્રેમિકા સાથે હજુ તો વાતચીત શરૂ કરી હતી ત્યાં જ તેનો ભાઇ સુખદેવ અને સાથેના બે શખ્સોએ પકડી લઇ હુમલો કરી દીધી હતો. લોધીકા પોલીસે અજયની ફરિયાદ પરથી ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી અને ત્રણ હુમલાખોરોને રાઉન્ડઅપ કરી લીધા હતાં.