રાજકોટ
News of Wednesday, 18th July 2018

ત્રંબા ગામે થયેલ ખુની હુમલો અને તોડફોડના ગુનામાં આરોપીઓનો છૂટકારો

રાજકોટ તા.૧૮: ત્રંબા ગામે થયેલ હત્યાનો પ્રયાસ તથા મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે તા.૧૦-૧૨-૨૦૧૫ના રોજ ત્રંબા ગામે વડાળી રોડ પર બાપા સીતારામના ઓટો પાસે આ કામના ફરીયાદી હકાભાઇ પરબતભાઇ બાવળીયા અને આ કામના આરોપીઓ જીજ્ઞેશ અરવિંદભાઇ ગુજરાતી, વિનોદભાઇ અરવિંદભાઇ ગુજરાતી,અને અશ્વીન મહેશભાઇ ગુજરાતી વચ્ચે વોટસેપમાં ફોટા મુકવા બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ આ ફરીયાદી હકાભાઇ પરબતભાઇ બાવળીયાને છરી વડે પેટના તથા છાતીના ભાગે તેમજ ડાબા પગના સાથળમાં જીવલેણ ગંભીર પ્રકારની ઇજાઓ કરી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો આપેલ અને ફરીયાદીના ભાઇ સંજયભાઇના ધરમાં ગુન્હાહિત પ્રવેશ કરી ઘરવખરીની તોડફોડ કરી નુકશાન કરેલ હતુ.

આ અંગેની ફરીયાદ હકાભાઇ પરબતભાઇ બાવળીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરેલ અને આ કામમાં ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ અને ચાર્જશીટ કરેલી.

આ કામના આરોપીઓ જીજ્ઞેશ, વિનોદ, તથા અશ્વીન વતી તેમના એડવોકેટ તરીકે રઘુવીરસિંહ આર.બસીયા દલીલ તેમજના હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ તેમજ તમામ હકીકતોને તથા સંજોગોને ધ્યાનમાં લઇ આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી રઘુવીરસિંહ આર.બસીયા, તેમજ ડી.એલ.ચાવડા રોકાયેલ હતા.(૭.૨૪)

(3:54 pm IST)