વિનાયકનગરનો નામચીન સાગર લોખીલ સ્કોર્પિયોમાં દારૂની બોટલ સાથે પકડાયો
હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનામાં સંડોવણી : દારૂ પી કાર લઇ નીકળેલો હરિદ્વાર સોસાયટીનો સંજય કુંભાર પકડાયો
રાજકોટ તા. ૧૮: હત્યા, હત્યાની કોશિષ, ખંડણી, અપહરણ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલા નામચીન સાગર ઉર્ફ પંકજ રાણાભાઇ લોખીલ (ઉ.૩૧-રહે. વિનાયકનગર-૨૦/૫, મવડી રોડ, જય મુરલીધર)ને સ્કોર્પિયો ગાડીમાં દારૂની બોટલ સાથે નીકળતાં પોલીસે પકડી લીધો હતો.
માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, ભાવેશભાઇ ગઢવી, દિલીપસિંહ જાદવ, રાહીદભાઇ, ઇન્દ્રજીતસિંહ, મયુરસિંહ, હરપાલસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અંકુરનગર મેઇન રોડ પર સંસ્કૃતિ વિદ્યાલય પાસેથી જીજે૩સીએ-૪૮૭૯ નંબરની સ્કોર્પિયોમાં સાગર લોખીલ નીકળતાં શંકાને આધારે અટકાવી તલાશી લેવામાં આવતાં દારૂની એક બોટલ મળતાં ધરપકડ કરી પાંચ લાખની ગાડી કબ્જે કરાઇ હતી. બે મહિના પહેલા જ આ શખ્સ હત્યાના ગુનામાં જામીન મુકત થયો હતો. એ પહેલા પણ અનેક ગુનામાં સંડોવાઇ ચુકયો છે.
જ્યારે કોઠારીયા સોલવન્ટ પાસે હરિદ્વાર સોસાયટી-૨માં રહેતો સંજય કેશુભાઇ લાઠીયા (કુંભાર) (ઉ.૩૦) દારૂ પીધેલી હાલતમાં જીજે૩બીવી-૪૨૨૦ નંબરની કાર હંકારી ૧૫૦ રીંગ રોડ પર પાટીદાર ચોકમાંથી નીકળતાં તાલુકાના એએસઆઇ એ. એમ. જાડેજા, કિરણભાઇ બાલાસરા સહિતે પકડી લીધો હતો.