રાજકોટ
News of Friday, 18th June 2021

કોરોનાને કારણે લોકો શેરબજાર તરફ વળ્યા ઓનલાઇન ટ્રેડીંગઃ ડિમેટ ખાતામાં પ૦ લાખનો વધારો

સારી કવોલિટીના શેરમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં જબરો ઉછાળો...

રાજકોટ તા. ૧૮: કોરોનાને કારણે ઘરની ચાર દિવાલોમાં પુરાઇ રહેલા લોકો શેરબજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવામાં પડી જતા છેલ્લા એક વર્ષમાં જ ડિમેટ એકાઉન્ટ ધારકોની સંખ્યા ૩.પ૯ કરોડથી વધીને ૪.૦૮ કરોડ થઇ ગયા છે. આમ ડિમેટ એકાઉન્ટમાં પ૦ લાખનો વધારો જોવા મળ્યો છે.

આગળના વર્ષમાં ૪૦ લાખ નવા ડિમેટ એકાઉન્ટ વધ્યા હતા. આ વધારો અંદાજે રર ટકાનો છે. સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડના ડેટા પરથી આ હકીકત ફલિત થઇ રહી છે.

શેર બજારમાં શેર્સમાં કે બ્રોન્ડમાં રોકાણ કરવા માટે ડિપોઝિટરીમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. સિકયોરિટીજ હવે ડિમેટ એકાઉન્ટમાં જમા આપવામાં આવે છે. જોકે ર૦ર૦ની સાલમાં માર્કેટ ખાસ્સું તુટયું હતું. બેન્ચમાર્ક સેન્સેકસમાં ર૩.૮ ટકાની અને નિફટીમાં ર૮.૦૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેને પરિણામે બજારમાં રોકાણ કરવાની નવી તક મળી છે.

કોરોનાના કાળમાં લોકોએ ઘરે બેસી રહેવાની નોબત આવી હોવાથી નવી આવક ઉભી કરવા માટે પણ ઘણાં લોકોએ શેરબજારમાં એન્ટ્રી લીધી હોવાનું માનવામાં આવે છે. બજારમાં કરેકશન આવતા તદ્દન નવા જ રોકાણકારોએ બજારમાં એન્ટ્રી લીધી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે શેર્સની રિટેઇલ ખરીદીમાં નવું જંગી રોકાણ આવી રહ્યું છે.સારી કવોલિટીના શેર્સમાં રોકાણ કરનારાઓની સંખ્યા પણ વધી જ છે. કવોલિટી સ્ટોકમાં કરવામાં આવેલું નવું રોકાણ બજાર માટે તંદુરસ્ત નિર્દેશ આપી રહ્યો છે. બજારમાં સારી શાખ ધરાવતી કંપનીઓના શેર્સમાં રોકાણ વધી રહ્યું છે, હવે શેર્સની સલામતી અને પૈસાની સલામતીને પ્રાધાન્ય આપતા થઇ ગયા છે.

(4:27 pm IST)