રાજકોટ
News of Friday, 18th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Ed પ્રવેશ સમિતિનો સંકેલો

અઢી દાયકા જૂની પ્રવેશ સમિતિમાં ધંધાદારી લોકોનું વર્ચસ્વ વધતા : ખાનગી બી.એઙ કોલેજોના સંચાલકોની દાદાગીરી વધશે : વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી ભોગવવી પડશે : ખાનગી કોલેજોમાં જેટલા પૈસા તેટલી વધુ સુવિધા મેળવશે : ૨૪મીએ સીન્ડીકેટમાં નિર્ણય

રાજકોટ, તા. ૧૮ : સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી મુળભૂત શિક્ષણકારોને બદલે ધંધાદારી શિક્ષણકારોનું પ્રભુત્વ વધતા વિદ્યાર્થીઓની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. ભાવિ શિક્ષક તૈયાર કરતી બી.એઙની કોલેજોમાં હવે રાજકીય આગેવાનોની કોલેજોમાં પણ નીતિ નિયમોનો ઉલાળીયો કરવા બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિનો સંકેલો કરવાનો નિર્ણય લેવાઈ ગયા હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમય સુધી કાર્યરત બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિ ખાનગી - સરકારી તેમજ ગ્રાન્ટેડ બી.એઙ કોલેજમાં વિદ્યાર્થીઓના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવતો. આ પ્રવેશ સમિતિમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન, અધરધેન ડીન, ભવનના અધ્યક્ષ અને બી.એઙ કોલેજના કેટલાક સંચાલકો સ્થાન પામતા. દર વર્ષે પ્રવેશ સમિતિ અખબારોના માધ્યમથી પ્રવેશ અરજી મગાવતા. તેમાં મેરીટને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કોલેજ ફાળવવામાં આવતી.

છેલ્લા છ વર્ષથી શિક્ષણ વિદ્યાશાખામાં ભાજપના વગદાર જૂથોના સહારે કેટલાક ખાનગી કોલેજના સંચાલકોએ બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિ રદ્દ કરવા છાને ખુણે ચર્ચાઓ કરી બારોબાર બેઠક બોલાવી સંકેલો કરવાનો નિર્ણય કરી લીધો છે. આખરી નિર્ણય આગામી ૨૪મી જૂને મળનાર સીન્ડીકેટમાં નક્કી થશે.

બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિમાં કોંગ્રેસ - ભાજપના બી.એઙ કોલેજના સંચાલકોએ પોતાનું હિત સાચવવા હાથ મિલાવ્યા છે. વિદ્યાર્થીઓનું હિત કોરાણે મૂકયુ હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

અગાઉ બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિમાં જે તેજસ્વી વિદ્યાર્થીઓનું મેરીટ ઉંચુ હોય તેમને પસંદગીની કોલેજ મળતી. હવે સમિતિ રદ્દ થાય તો વિદ્યાર્થીઓએ સીધા જ મનગમતી કોલેજોમાં વધુ પૈસા આપીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થી પણ વધુ પૈસા મૂકી કોલેજ સંચાલકો પાસેથી નિયમીત હાજરીમાંથી છૂટ, આંતરીક ગુણ વધુ આપવાના સહિત અનેક બાબતોમાં બાંધછોડ કરી શકશે.

નવી પ્રવેશ પ્રક્રિયામાં બી.એઙમાં જો કોઇ વિદ્યાર્થી એકવાર બી.એઙની કોલેજમાં પ્રવેશ મેળવી લેશે તો તેવા વિદ્યાર્થીઓને બીજી કોલેજમાં જવા દેવામાં નહિં આવે. વિદ્યાર્થીઓ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લગાવવાના મૂડમાં હોય તેવું જાણવા મળે છે.

ગુજરાત રાજયની તમામ યુનિવર્સિટીઓમાં બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિ ચાલુ જ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે બી.એઙ મધ્યસ્થ પ્રવેશ સમિતિ રદ્દ કરનાર હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં આ અંગે ભારે વિરોધ વંટોળ ઉભો થનાર હોવાનું પણ ચર્ચાય છે.

(4:18 pm IST)