રાજકોટ
News of Friday, 18th June 2021

ટ્રી-ગાર્ડના ટેન્ડરમાં મેયરની અવગણના : પ્રદિપ ડવ લાલઘુમ

ઓછા વજનના અને ઓછા ખર્ચના ટેન્ડરો પ્રસિધ્ધ કરવા સુચન કરેલ છતાં જુની પધ્ધતિ મુજબ ટેન્ડરો પ્રસિધ્ધ કરી નંખાયાઃ હવે ટેન્ડરમાં સુધારો કરી ફરી શોર્ટ નોટીસ ટેન્ડરો પ્રસિધ્ધ થશેઃ મેયરે ટ્રી-ગાર્ડની નવી ટેકનીકલ ડીઝાઇન માપ-સાઇઝ પણ અધિકારીને આપ્યા

રાજકોટ તા. ૧૮ : ચોમાસામાં શહેરમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તે માટે દર વર્ષે મ.ન.પા. કોર્પોરેટરોની ગ્રાન્ટના માધ્યમથી વૃક્ષ પ્રેમી નાગરિકોને ટ્રી-ગાર્ડ વિતરણ કરે છે. ઉપરાંત કોર્પોરેટરો પણ વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરે છે પરંતુ વર્ષોથી ચાલતી આ પધ્ધતિમાં અત્યાર સુધીમાં હજારો વૃક્ષો રોપાયા છતાં વૃક્ષો ઉછરતા નથી. આમ, તંત્રનો ટ્રી-ગાર્ડ પાછળનો લાખો - કરોડોનો ખર્ચ એળે જાય છે કેમકે તેનું પરિણામ જોઇએ તેવું મળતુ નથી. આથી યુવા મેયર પ્રદિપ ડવે આ વર્ષે ટ્રી-ગાર્ડના ટેન્ડરથી પધ્ધતિમાં અને વૃક્ષારોપણ ઝુંબેશની પધ્ધતિમાં ફેરફારો કરવા અધિકારીઓને સુચન કર્યા હતા.

જેમાં ટ્રી-ગાર્ડનું વજન ઘટાડવું અને ખર્ચ ઘટાડવો જરૂર મુજબ જ ટ્રી-ગાર્ડના ઓર્ડરો આપવા વગેરે સુચનો કરાયેલ પરંતુ અધિકારીઓએ આ સુચનોની અવગણના કરી અને વર્ષો જુની ટેન્ડર ડીઝાઇન મુજબ ટ્રી-ગાર્ડના ટેન્ડરો પ્રસિધ્ધ કરી દીધા આ બાબત મેયર પ્રદિપ ડવના ધ્યાને આવતા તેઓએ આજે જવાબદાર અધિકારીનું કડક ભાષામાં ધ્યાન દોરીને ફરીથી સુધારા સાથે શોર્ટ ટેન્ડર પ્રસિધ્ધ કરવા સુચનાઓ આપી હતી.

આ અંગે મેયરશ્રીએ જણાવેલ કે, ટ્રી-ગાર્ડનું વજન જરૂરીયાત કરતા વધુ હોવાથી તેનો ખર્ચ બમણો થાય છે. આથી ઓછા વજનના ટ્રી-ગાર્ડનો ખર્ચ અર્ધો થઇ જાય છે તેથી જે ખર્ચમાં ૧ ટ્રી-ગાર્ડ આપી શકીએ તે જ ખર્ચમાં બમણા ટ્રી-ગાર્ડ આપી વૃક્ષારોપણને પ્રોત્સાહન આપી શકાય.

નોંધનિય છે કે હાલમાં ૧૩ કિલો વજનના અને ૨.૨૫ એમ.એમ. જાડાઇના તેમજ ૪૫ એમ.એમ. વ્યાસ ધરાવતા ટ્રી-ગાર્ડ પ્રતિ ટ્રી-ગાર્ડના અંદાજે રૂ. ૧૧૦૦ લેખે ૫ હજાર ટ્રી-ગાર્ડ ખરીદવા ૫૫ લાખનું ટેન્ડર પ્રસિધ્ધ થયું છે.

તેમાં વજન ઘટાડી - ઓછા ખર્ચના શોર્ટ નોટીસ ટેન્ડરો ૧૮ થી ૨૬ જુન સુધીમાં પ્રસિધ્ધ કરવા મેયરશ્રીએ અધિકારીઓને સુચવ્યું છે.

રાજકોટ : આ વર્ષે હકીકતમાં વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનો ઉછેર થાય તે માટે મેયર પ્રદિપ ડવે કટીબધ્ધતા વ્યકત કરી છે અને આ માટે વૃક્ષારોપણની પધ્ધતિમાં થોડા ફેરફારો કરી આડેધડ ટ્રી-ગાર્ડ વિતરણને બદલે ખરેખર જ્યાં જરૂર હોય ત્યાં અને જે કોઇ વ્યકિત કે સંસ્થા વગેરેને વૃક્ષ ઉછેરની જવાબદારી સાથે જ ટ્રી-ગાર્ડ આપવા નિર્ણય લેવાયો છે.

મેયરશ્રીએ જાહેર કર્યું હતું કે, આ વર્ષ ચોમાસા દરમિયાન ૧ લાખ વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક છે. જેમાં આજી ડેમે નિર્માણ થઇ રહેલ રામવન (અર્બન ફોરેસ્ટ)માં ૬૦ હજાર વૃક્ષો તેમજ શહેરમાં અન્ય સ્થળોએ ૪૦ હજાર વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ છે.

મેયરશ્રીએ ભારપૂર્વક જણાવેલ કે, આ વખતે કોઇને આડેધડ ટ્રી-ગાર્ડ નહી અપાય જે સંસ્થા કે વ્યકિત વૃક્ષ ઉછેરવાની જવાબદારી અને યોગ્ય સ્થળે જ વૃક્ષ ઉછેરશે તેને જ ટ્રી-ગાર્ડ અપાશે. મેયરશ્રીએ જાહેર કરેલો પ્રત્યેક કોર્પોરેટરને ૭૫ ટ્રી-ગાર્ડ અને સંસ્થા કે સોસાયટીને પ્રતિ ટ્રી-ગાર્ડના રૂ. ૫૦૦ના ચાર્જથી ૧૦ ટ્રી-ગાર્ડ અપાશે.

કોર્પોરેટરોને પણ વૃક્ષ ઉછેરવાની જવાબદારી સુપ્રત થશે. મેયર ખુદ પણ પોતે રોપેલ વૃક્ષોનો કાળજીપૂર્વક ઉછેર કરી આવતા વર્ષે ઉછરેલા વૃક્ષોના ફોટા સાથેના પુરાવા જાહેર કરશે તેમ આ તકે તેઓએ જણાવ્યું હતું.

(3:27 pm IST)