રાજકોટ
News of Tuesday, 18th June 2019

છ મહિના બાદ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થશે કે...દેકારા?

આવતીકાલે સવારે ૧૧ કલાકે મ્યુ.કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા : ભાજપ-કોંગ્રેસના ર૧ કોર્પોરેટરો દ્વારા ૪૧ પ્રશ્નો રજુ કર્યાઃ આવાસ યોજનાનું નામકરણ, જમીન સહીતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ, તા., ૧૮: મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ આવતીકાલે તા.૧૯ના સવારે ૧૧ વાગ્યે યોજાનાર છે. જેમાં જમીનની ૫ જેટલી દરખાસ્તો સહિત કુલ ૯ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાના છે. તેમજ આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરોએ પુછેલા ૧૫ જેટલા અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ પુછેલા ૨૬ જેટલા એમ કુલ ૨૧ કોર્પોરેટરો પુછેલા ૪૧ પ્રશ્નોની ચર્ચા થનાર છે. જો કે બોર્ડમાં પ્રશ્નોત્તરીનો સમય માત્ર એક કલાક હોય છે. આથી સૌ પ્રથમ રજુ થયેલ જગ્યા રોકાણ તથા ગાર્ડનને લગતા પ્રશ્નોની ચર્ચા થઈ શકશે.

આ અંગે એજન્ડામાં પ્રસિદ્ધ થયેલ વિગત મુજબ  આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં પોપટપરામાં આવાસ યોજનાનુ નામકરણ, કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળની આવાસ યોજનાનું નામકરણ, રૈયા ચોકડી બ્રીજનું નામકરણ કરવા, ભાવનગર રોડ કપાતના ૩ અસરગ્રસ્તોને વૈકલ્પીક વળતર આપવા, ગાંધી મ્યુઝિમય માટે બનાવાયેલ ખાનગી કંપનીમાં બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણૂક કરવા, મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા અને સફાઈ કામદારોની ભરતીના નિયમો સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

દરમિયાન કોર્પોરેટરોએ પ્રજાના કુલ ૪૧ પ્રશ્નો જનરલ બોર્ડમાં રજુ કર્યા છે. જેમાં (૧) રૂપાબેન શીલુએ જગ્યા રોકાણ (૨) ઘનશ્યામસિંહ જાડેજાએ બાગબગીચા (૩) સંજય અજુડીયાએ અને નિતીન રામાણીએ બાંધકામ તથા વોટર વર્કસ (૪) જાગૃતિબેન ડાંગરે ફાયર બ્રિગેડ (૫) જયમીન ઠાકરે આવાસ યોજના (૬) જયાબેન ટાંક ટ્રાફીક (૭) મનસુખ કાલરીયા પાણી વિતરણ (૮) અંજનાબેન મોરઝરીયા શોપ વિભાગ (૯) અશ્વિન ભોરણીયા ભૂગર્ભ ગટર (૧૦) મુકેશ રાદડીયા અને વિજયાબેન વાછાણીએ ટાઉન પ્લાનીંગ (૧૧) શિલ્પાબેન જાવીયા આરોગ્ય (૧૨) મનીષ રાડીયા સાંસ્કૃતિક વિભાગ (૧૩) મીનાબેન પારેખ સ્ટ્રીટ લાઈટ (૧૪) ડો. દર્શિતાબેન શાહ આરોગ્ય (૧૫) માસુબેન હેરભા બાંધકામ-વેરા વસુલાત (૧૬) જ્યોત્સનાબેન ટીલાળા રોશની (૧૭) ઉર્વિશાબા જાડેજા વેરા વસુલાત (૧૮) અતુલભાઈ રાજાણી ફાયર બ્રિગેડ વગેરે  પ્રશ્નોની ચર્ચાઓ  થશે.

અત્રે નોંધનીય છે કે ૧૮ ડિસેમ્બર-ર૦૧૮ના મળેલ જનરલ બોર્ડમાં પ્રજાના વિવિધ પ્રશ્નો નગર સેવકો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

(3:51 pm IST)