રાજકોટ
News of Tuesday, 18th June 2019

સ્માર્ટ સીટી પ્રોજેકટઃ રાજકોટનો ડીજીટલ નકશો બનાવવાનું શરૂ

ઉપગ્રહમાંથી સમગ્ર શહેરનાં તમામ વિસ્તારોનાં ફોટા પાડી 'જીઓ ટ્રેકીંગ' સસ્ટમનો નકશો બનશેઃ પાણી-ડ્રેનેજની લાઇનો-ટી.પી.નાં અનામત પ્લોટ અને બાકીવેરો-ગેરકાયદે બાંધકામો સહિતની માહિતી માત્ર એક 'કલીક' માં મળશેઃ બી.એસ.એન.એલ.નો કોન્ટ્રાકટ અપાયોઃ આજથી અધિકારીઓને ટ્રેનીંગ શરૂ

રાજકોટ તા. ૧૭ :.. સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ રાજકોટનો ડીજીટલ નકશો બનાવવાનો પ્રારંભ થઇ રહ્યો છે. જે અંતર્ગત આજથી મ્યુ. કોર્પોરેશનનાં કેટલાક ચૂનંદા અધિકારીઓને ટ્રેનીંગ આપવાનું શરૂ થયું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ સ્માર્ટસીટી પ્રોજેકટ હેઠળ સમગ્ર રાજકોટ શહેરનો ડીજીટલ નકશો બનાવવા માટે બી. એસ. એન. એલ. કંપનીને કોન્ટ્રાકટર અપાયો છે.

આ ડીજીટલ નકશો ઉપગ્રહ મારફત સમગ્ર શહેરનાં દરેક વિસ્તારો-શેરી-ગલીઓ મકાનો-મેદાનોનાં ફોટાઓ પાડી તમામની વિગતોનું ડીજીટાઇઝન કરાશે. તેમજ શહેરમાં આવેલું. પાણીનું નેટવર્ક તથા ડ્રેનેજ લાઇનનું નેટવર્ક વગેરેનો નકશો પણ તૈયાર થશે.

આ ડીજીટલ નકશો તૈયાર થશે એટલે કોઇપણ મકાનનાં મિલ્કતવેરો કેટલો છે ? કેટલો બાકી છે. વગેરે વિગતો માત્ર નકશામાં જે તે મકાનનાં ફોટા ઉપર કલીક કરવાથી મળી જશે. તેવી જ રીતે ગેરકાયદે દબાણો, કોર્પોરેશનની માલીકીનાં પ્લોટો વગેરે સહિતની માહીતી આ ડીજીટલ નકશાની 'જીઓ ટ્રેકીંગ' સીસ્ટમ થકી મળી જશે.

આજે બપોરના ડીજીટલ નકશા અંગે અધિકારીઓને ટ્રેનીંગ આપવાનો પ્રારંભ થયો છે.

ર લાખ લોકોએ વળતર  યોજનાનો લાભ લીધોઃ ૧૦૩ કરોડની આવક

દરમિયાન હાલમાં ચાલી રહેલી મકાન વેરાની ૧૦ થી પ ટકાની વેરાવળતર યોજનામાં આજે ૧૭ જૂન સુધીમાં ર લાખ લોકોએ આગોતરો વેરો ભરીને તંત્રની તિજોરીમાં ૧૦૩ કરોડ ઠાલવી દીધા છે.

(3:07 pm IST)