રાજકોટ
News of Monday, 18th June 2018

'ફાધર્સ ડે'ના દિવસે જ ૮૬ વર્ષના બાપુજીને દિકરાએ ઘુસ્તાવી નાંખ્યા!

મોટી ટાંકી પાસેના મહાવીર એપાર્ટમેન્ટમાં બનાવઃ સુથાર વૃધ્ધ હોસ્પિટલના બિછાનેઃ ફલેટ માટે પુત્રએ મારકુટ કર્યાનું વૃધ્ધનું પોલીસ સમક્ષ કથનઃ ફરિયાદ નોંધવા તજવીજ

રાજકોટ તા. ૧૮: ગઇકાલે ફાધર્સ ડે હતો. પિતા પ્રત્યેના પ્રેમ, લાગણીને વ્યકત કરવાના આ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ હતી. સોશિયલ મિડીયા પર પિતાને સંબોધીને અનેક પ્રકારના લાગણીથી છલોછલ સંદેશા, તસ્વીરો વહેતા થયા હતાં. આવા સમયે શહેરના મોટી ટાંકી ચોકમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક ૮૬ વર્ષના પિતાને દિકરા તરફથી પ્રેમ મળવાને બદલે ઘુસ્તા-પાટાનો માર મળ્યો હતો. ગઇકાલે તો જેમ તેમ કરી સહન કરી લીધું, પણ આજે મારનો દુઃખાવો સહન ન થતાં આ પિતા હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતાં.

મોટી ટાંકી પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતાં બચુભાઇ ધરમશીભાઇ પેશાવરીયા (ઉ.૮૬) નામના સુથાર વૃધ્ધ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં અને પોતાને રવિવારે સાંજે ચારેક વાગ્યે પુત્ર પરેશભાઇએ ઢીકા-પાટુનો માર માર્યાનું જણાવતાં પોલીસ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ આ વૃધ્ધનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.

બચુભાઇએ જણાવ્યું હતું કે તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. દિકરો પરેશભાઇ અગાઉ પુના રહેતો હતો. હાલમાં પોતાની સાથે રહે છે અને ભૂપેન્દ્ર રોડ પર ડિઝીટલ ઓડિયો નામે દૂકાન ચલાવે છે. આ દૂકાન અને પોતે રહે છે એ ફલેટ માટે દિકરો માથાકુટ અને મારકુટ કરે છે. આ ફલેટ પુના રહેતી તેની દિકરી હીનાબેન સાંકળેચાના નામે છે. પોતે પત્નિ હંસાબેન અને પુત્ર પરેશ સાથે અહિ રહે છે. દિકરો સામાન પણ ભરી ગયાનો અને અગાઉ પોતાના બે-ત્રણ મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યાનો આક્ષેપ બચુભાઇએ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:45 pm IST)