રાજકોટ
News of Tuesday, 18th May 2021

ધસમસતા વાવાઝોડા વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્રની કાબીલે દાદ કામગીરી : રાત્રે ૧૨ નવજાતનો જન્મ કરાવ્યો

સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ, ઉપલેટાના આરોગ્ય કેન્દ્રોમાં રાત્રે દાખલ થયેલ સગર્ભાઓને વિકટ પરિસ્થિતિમાં પણ ડિલેવરી કરાવી

રાજકોટ તા. ૧૭ : શહેર જિલ્લામાં ગઇરાત્રે ભારે પવન વરસાદ સાથે ધસમસતા વાવાઝોડાની વિકટ સ્થિતિમાં પણ જિલ્લા આરોગ્ય તંત્રના સ્ટાફે રાતભર ખડેપગે રહી સગર્ભા બહેનોની ડિલેવરી કરાવી ૧૨ નવજાત શિશુઓને તંદુરસ્ત સાથે જન્મ અપાવ્યો હતો.

તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા છે અને 'રામ રાખે તેને કોણ ચાખેે' ઊકિતને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડોકટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે એક એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ ૧૭મી મેની રાત્રીએ થયા છે. સોનુબેન શંભુભાઈ પરમારે જસદણ ખાતે, કુજીલાતબેન સરફરાઝભાઇ ગરાણાએ ધોરાજી ખાતે તથા સોનલબેન દિલીપભાઈ કુબાવતે ગોંડલ ખાતે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે તથા માતા અને બાળક બંનેની તબિયત સારી છે, તેમ ડોકટર ભંડેરીએ વધુમાં ઉમેર્યું હતું.

રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ વાવાઝોડાની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસૂતા મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સલામત પ્રસૂતિ કરાવી છે, જેને લીધે ગ્રામ્ય પ્રજાએ રાજય સરકારમાં મુકેલો વિશ્વાસ વધુ એક વાર સાર્થક થયો છે.

(4:01 pm IST)