રાજકોટ
News of Tuesday, 18th May 2021

PGVCLને અંદાજે અધધ...૧૧૦ કરોડનું નુકશાન

વાવાઝોડાથી અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં PGVCLને સૌથી વધુ નુકશાનઃ યુધ્ધના ધોરણે કામગીરી

૧૨ જીલ્લાઓમાં ૪૨૫ કોવિડ હોસ્પિટલો પૈકી ૧૨૨ હોસ્પિટલોમાં વીજ પુરવઠાને અસર, જે પૈકી ૫૮ હોસ્પિટલોનો વીજપુરવઠો પૂર્વવત : ૫૮૩૧ ગામડાઓ પૈકી ૩૭૩૮ ગામડાઓમાં વીજપુરવઠાને અસર, ૬ હજાર જેટલા ટ્રાન્સફોર્મરને નુકશાનઃ પીજીવીસીએલના અધિકારીઓ - કર્મચારીઓ - લાઇનસ્ટાફની ટીમ ખડેપગેઃ સૌરભભાઇ પટેલ

તસ્વીરમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ભાજપ અગ્રણી-પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તેમજ શાહમીના હુસૈન (એમ.ડી.જયુવીએનએલ અને ચેરમેન પીજીવીસીએલ), શ્વેતા તેઓટીયા (મેનેજીંગ ડિરેકટર પીજીવીસીએલ) અને જસ્મીન ગાંધી (ચીફ એન્જીનીયર પીજીવીસીએલ) નજરે  પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ તા.૧૮, અરબ સાગરમાં ગુજરાતના દરિયાકાંઠે 'તૌકતે' વાવાઝોડુ   ત્રાટકેલ છે. પીજીવીસીએલના અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના દરિયાકાંઠે વ્યાપક અસર કરેલ છે. જ્યારે જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ અને મોરબીના ઘણા બધા વિસ્તારોને અસર કરેલ હોવાનું ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આજે બપોરે પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના કુલ ૧૨ જીલ્લાઓમાં કુલ ૪૨૫ કોવીડ હોસ્પિટલો પૈકી ૧૨૨ હોસ્પિટલોના વીજ પુરવઠાને અસર થયેલ છે. જે પૈકી ૫૮ હોસ્પિટલોના વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવેલ છે. બાકીની ૬૪ હોસ્પિટલો માટે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. હાલમાં હોસ્પિટલોમાં જનરેટર સેટ દ્વારા વીજ પુરવઠો ચાલુ છે.

 ઉર્જા વિભાગ હેઠળની દરેક તમામ વીજ વિતરણ કંપનીની કોર્પોરેટ કચેરી તેમજ વર્તુળ કચેરીઓ ખાતે ૨૪ કલાક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવેલ છે. પીજીવીસીએલ વિસ્તારમાં ૨.૨૩ લાખ કી.મી. વીજ લાઇન માથી આશરે ૯,૦૦૦ કી.મી. જેટલી ખેતીવાડી સિવાયની લાઇન નુકશાન પામેલ છે. ખેતીવાડી સિવાયના ૧,૨૦,૦૦૦ વીજ ટ્રાન્સફોર્મર માથી ૬,૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મર ને નુકશાન થયેલ છે. ખેતીવાડી વીજલાઇનને થયેલ નુકશાનનો અંદાજ અલગથી કરવામાં આવી રહ્યો છે.

શ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવેલ કે પીજીવીસેલની અસરગ્રસ્ત તમામ પેટા વિભાગીય કચેરીઓ ખાતે વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાયબ ઈજનેર/જુનિયર ઈજનેરની આગેવાની હેઠળ લાઈનસ્ટાફને વાહન સાથે ખડેપગે રખાયો છે. પીજીવીસીએલની ૫૦૦ ડીપાર્ટમેન્ટલ અને ૩૭૬ કોન્ટ્રાકટકરની ટીમ તથા યુ.જી.વી.સી.એલ.ની ૨૫ અને એમ.જી.વી.સી.એલ ૫૦ ટીમો જરૂરી સાધન-સામગ્રી અને સલામતિ સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોચી ગયેલ છે.

 તમામ ચીજ-વસ્તુઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે. તમામ વિભાગીય- કચેરીઓ અને કાંઠાળ વિસ્તારોમાં આવશ્યક વીજમાલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ બનાવી દેવામાં આવ્યો છે.

પીજીવીસીએલના ૫૮૩૧ ગામડાઓ પૈકી ૩૭૩૮ ગામડામાં વીજ પુરવઠાને અસર થવા પામેલ છે તે માથી ૧૧૧૭ ગામડાઓને વીજ પુરવઠા પૂર્વવત કરી દેવામાં આવેલ છે. જ્યારે ૨૬૨૧ ગામડાઓને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે.

 'તૌકતે' વાવાઝોડુના કારણે ખેતીવાડી વિસ્તારોને બાદ કરતાં પીજીવીસીએલને અંદાજિત રૂ. ૧૧૦ કરોડનું આર્થિક નુકશાન થયેલ છે.

 વીજ પુરવઠો ખોરવાઇ જવાના સંજોગોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હોસ્પિટલ્સ/કોવીડ હોસ્પિટલ, ઓકસીજન પ્લાન્ટ, વોટરવર્કસના જોડાણો, મહત્વની સરકારી કચેરીઓ, આશ્રયગૃહો વગેરેમાં વીજપુરવઠાનું પુનઃસ્થાપન એ પ્રાથમિકતા રહેશે.

આ પત્રકાર પરીષદમાં ઉર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, ભાજપ અગ્રણી-પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ તેમજ શાહમીના હુસૈન (એમ.ડી. જીયુવીએનએલ અને  ચેરમેન પીજીવીસીએલ), શ્વેતા તેઓટીયા (મેનેજીંગ ડિરેકટર પીજીવીસીએલ) અને શ્રી જસ્મીન ગાંધી (ચીફ એન્જીનીયર પીજીવીસીએલ ) ઉપસ્થિત રહયા હતા.

(3:54 pm IST)