રાજકોટ
News of Tuesday, 18th May 2021

સિવિલ હોસ્પિટલના ૩૪ જેટલા સિનિયર તબિબો કલેક્ટરને આવેદન આપવા જતાં અટકાયત

ઇન-સર્વિસ ડોક્ટર્સની ૧૨ માંગણીઓ લાંબા સમયથી ન ઉકલાતાં પેનડાઉન સ્ટ્રાઇક ચાલે છે : પીડીયુ સિવિલ હોસ્પિટલ-કે. ટી. ચિલ્ડ્રન, કોવિડ સેન્ટર, પદ્દમકુંવરબા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, તેમજ જીલ્લા પંચાયત હસ્તકના ગોંડલ, ધોરાજી, ઉપલેટા હોસ્પિટલના તબિબો આંદોલન કરી રહ્યા છે

રાજકોટ : ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જીલ્લા પંચાયતોમાં ફરજ બજાવતાં ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સના પ્રશ્નો-માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ ન આવતાં અંતે આજથી હડતાલનો માર્ગ અપનાવાયો છે. તબિબી શિક્ષકોની માંગણીઓ સંતોષાતાં તેમણે હડતાલ પુરી કર્યા પછી હવે સિનિયર તબિબોઍ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જુદી-જુદી બાર પડતર માંગણીઓ ઉકેલવા અનેક વખત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અગ્રસચિવને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નિવેડો લાવવામાં ન આવતાં ૧૭મીથી હડતાલ શરૂ થઇ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જીલ્લા પંચાયતના મળી ૧૮૦ તબિબોઍ આજથી ૨૨મી સુધી પેનડાઉન આંદોલનનો પ્રારંભ કર્યો હતો. ગઇકાલથી પેનડાઉન સ્ટ્રાઇક શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે સિવિલ હોસ્પિટલના ૩૪ ઇન-સર્વિસ સિનિયર તબીબો કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા જતાં પ્ર.નગર પોલીસે અટકાયત કરી છે. તમામે પોલીસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

(3:11 pm IST)