રાજકોટ
News of Tuesday, 18th May 2021

કલેકટરનો કંટ્રોલ રૂમ આખી રાત ધમધમ્યો : રેમ્યા મોહન - રાહુલ ગુપ્તા સહિતના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં : જિલ્લામાં ૧૨ાા હજારનું સ્થળાંતર

સમગ્ર જિલ્લામાં ૬૫ થી ૭૦ કિમી ઝડપે પવન ફુંકાયો : કોઇ ગંભીર ઘટના નથી : અનેક સ્થળે મધ્યમ વરસાદ ચાલુ

આજે વહેલી સવારે ૩.૪૫ કલાકે કલેકટર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે ભારે ધમધમાટ હતો, ખુદ કલેકટર શ્રી રેમ્યા મોહન, પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ શ્રી રાણાવસીયા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા તથા ડીઝાસ્ટરના કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ કલોક મુકાયેલ સ્ટાફ કામગીરી કરતા નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ : અરબી સમુદ્રનું વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં ત્રાટકતા તેની ગંભીર અસર રાજકોટ શહેર - જિલ્લામાં જોવા મળી રહી છે, રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ૬૫ થી ૭૦ કિમી ઝડપે તોફાની પવન ફુંકાયો છે, અનેક સ્થળે વૃક્ષો પડી ગયા છે, સ્ટેટના અમુક હાઇવે બંધ છે, નેશનલ હાઇવે સુમસામ છે અને સવારે ૭ વાગ્યે જિલ્લામાં અનેક સ્થળે હળવો - મધ્યમ વરસાદ પડી રહ્યો છે, સવારે ૬ાા સુધીમાં ગોંડલમાં ૧ ઇંચ તો અન્ય તાલુકામાં ૦ાા થી પોણો ઇંચ વરસાદ પડયો છે, જ્યારે જસદણમાં ૧ાા ઇંચ વરસાદ પડયાના અહેવાલો છે.

દરમિયાન કલેકટર કચેરીનો કંટ્રોલ રૂમ આખી રાત ધમધમ્યો છે, કલેકટરશ્રી રેમ્યા મોહન, પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, ડીડીઓ શ્રી રાણાવસીયા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા સહિતના અધિકારીઓ - સ્ટાફ વહેલી સવારે પોણા ૪ વાગ્યે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાંથી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ૧૨ાા હજાર લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.

રાજકોટ જિલ્લામાં તૌઉતે વાવાઝોડા સંદર્ભે રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયાના વડપણ હેઠળ કલેકટર કચેરી સ્થિત કંટ્રોલ રૂમ ખાતેથી વાવાઝોડાની વર્તમાન સ્થિતિ ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અધિક નિવાસી કલેકટર શ્રી પરીમલ પંડયાના જણાવ્યા અનુસાર જિલ્લાના તમામ તાલુકા મથકે કલાસ-૧ અધિકારીઓ દ્વારા વાવાઝોડા અંગે મોનીટરીંગ અને લાઈઝનની કામગીરી કરવામાં આવી રહી છે. સવાર થી લઈને રાત સુધીમાં કાચા મકાનો બાંધીને રહેતા તથા વાવઝોડાના સંભવિત અસરના વિસ્તારમાં રહેતા સમગ્ર જિલ્લાના કુલ ૧૨,૪૫૦ જેટલા લોકોનું શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના પશુઓને પણ  સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના આગોતરા - સુદ્રઢ આયોજનને કારણે હાલ સુધી કોઈ જ અનિચ્છનિય બનાવ બનવા પામ્યો નથી.તાઉતે વાવાઝોડાથી અસર પામે તેવા ગામો અને વિસ્તાર પૈકી રાજકોટ જિલ્લા ના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના  નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના ૩૦ ગામોના ૨૮૫૦ લોકોનું આજ રાત્રે ૧૧-૩૦ કલાકે સાયકલોન સેન્ટરમાં સ્થળાંતર કરવા માં આવ્યુ છે. જેમાં ૯૯૬ સ્ત્રી, ૧૦૩૯ પુરૂષ અને ૮૧૫ બાળકો નો સમાવેશ થાય છે. સ્થળાતરીત આશ્રીતો માટે ૩૧૦૦ જેટલા ફુડપેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી શ્રી જી વી. મીયાણીની યાદીમાં જણાવાયું છે.

(12:12 pm IST)