રાજકોટ
News of Tuesday, 18th May 2021

રાતભર વાવાઝોડાએ ધમરોળ્યું: અડધા શહેરમાં અંધારપટઃ વૃક્ષો ધરાશાયી

રાતભર કોર્પોરેશન અને કલેકટર તંત્ર ખડેપગે : બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ઝોનમાં સેન્ટ્રલ ૩૭ મી.મી., વેસ્ટ ઝોનમાં ૨૫ મી.મી. તથા ઇસ્ટ ઝોનમાં ૩૨ મી.મી. વરસાદ નોંધાયો

રાજકોટ તા. ૧૮ : તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યુ છે ત્યારે રાજકોટમાં મોડીરાત્રે ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે.એટલું જ નહી તોફાની પવન સાથે મધરાતથી સવાર સુધીમાં રાજકોટ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા મુજબ  ૨૫ મી.મીથી ૩૭ મી.મી સુધી વરસાદ  વરસ્યાનું નોંધાયુ છે.

મ્યુ.કોર્પોરેશનનાં કંટ્રોલ રૂમમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રેસકોર્ષ રીંગ રોડ, સદર બજાર વિજય પ્લોટ, લાલપરી, કુવાડવા રોડ, મવડી, આઝાદ ચોક, રાજનગર, ગુરૂપ્રસાદ, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ વાળી શેરી સહિતનાં વિસ્તારોમાં  તોફાની પવનના કારણે અનેક સ્થળો પર વૃક્ષ ધરાશયી થયાના બનાવ બન્યા છે. ફાયરબ્રિગેડની ટીમે દોડી જઇ પડી ગયેલા વૃક્ષ કે તેની ડાળીઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સવારે ૫ થી ૭ વાગ્યા સુધીમાં વધુ ફરિયાદ નોંધાય

શહેરમાં વૃક્ષો પડવાની અંદાજીત ૩૦થી વધુ ફરિયાદ વિવિધ કંટ્રોલ રૂમમાં નોંધાઇ હતી. આ ફરયિાદ મોટાભાગે સવારે ૫ થી ૭ વાગ્યામાં નોંધાય હતી.

૨૫ થી ૩૭ મી.મી વરસાદ પડયો

 તોફાની પવન સાથે ગઇકાલ સાંજના ૭ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રાજકોટ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૩૭ મી.મી, વેસ્ટ ઝોનમાં ૨૫ મી.મી તથા ઇસ્ટ ઝોનમાં ૩૨ મી.મી વરસાદ પડયો છે. એટલે કે એક ઇંચથી દોઢ ઇંચ જેવો વરસાદ  વરસ્યો હતો.

રેસકોર્ષ રીંગ રોડ પર તોતીંગ વૃક્ષ ધરાશાયીઃ જાળીનાં ભુક્કા

શહેરનાં હાર્દ સમા રેસકોર્ષ રીંગ રોડ એ.જી ઓફીસ સામે બગીચાની અંદરનું તોતીંગ વૃક્ષ વહેલી સવારે  ધરાશય થતા મોટા ભાગનો રસ્તો બ્લોક થવા પામયો હતો. બગીચા અંદરનું વૃક્ષા રસ્તા તરફ પડતા રીંગરોડ પરની કલાત્મક જાળીનો કચ્ચર ઘાણ થવન પામ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા યુધ્ધના ધોરણે પોલીસની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પી.આઇ. એસ.આર.પટેલ તથા સ્ટાફ અને કોઠારિયા રોડ પર પી.આઇ. જે.ડી.ઝાલા અને સ્ટાફે પડી ગયેલા વૃક્ષો ત્વરીત હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અધિકારીઓ-પદાધિકારીઓ સતત ખડેપગે

તૌકતે વાવાઝોડાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જયુબેલી ગાર્ડન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનના ફાયર બ્રિગેડ ખાતે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ મેયર પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ તથા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, ડે.મ્યુ.કમિશ્નર શ્રી સીંઘ, શ્રી પ્રજાપતિ, ચેતન ગણાત્રા સહિતનાં  અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, કર્મચારીઓ આખી રાત સર્તક રહ્યા હતા અને આવેલ ફરિયાદ તાકિદે નિકાલ કરવામાં આવી હતી.(૨૧.૧૫)

તસ્વીર : અશોક બગથરીયા

(3:02 pm IST)